રાબતા - બે ભવનો કંટાળો

10 June, 2017 08:32 AM IST  | 

રાબતા - બે ભવનો કંટાળો

ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

રાબતા એટલે જોડાણ-કનેક્શન. ફિલ્મનું સ્લોગન પણ છે એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. ફિલ્મ જોયા પછી સમજાય છે કે એ એવરીથિંગ એટલે બેહદ કંટાળો, માથાનો દુખાવો, સાઉથની ફિલ્મમાંથી ઉઠાંતરી, એક ટકો પણ ક્રીએટિવિટીનો અભાવ, અઢી કલાકનું કચુંબર અને પૈસાનો બગાડ. વળી ફિલ્મના પોસ્ટરમાં આપેલા ઇન્ફિનિટી-અનંતના સિમ્બૉલની જેમ આ બધું સતત ચાલ્યા જ કરે છે.

હમારી અધૂરી કહાની

અગાઉ ધોની બનીને રિટાયર થયેલો શિવ (સુશાંત સિંહ રાજપૂત) બુડાપેસ્ટ-હંગેરીમાં બૅન્કની નોકરી કરવા જાય છે. જોકે ત્યાં જઈને તે સુશાંત સિંહમાંથી રણવીર સિંહ બનીને રૂપાળી છોકરીઓને પટાવવા માંડે છે એ અલગ વાત છે. આ જ ક્રમમાં તેને સાયરા સિંહ (ક્રિતી સૅનન) મળે છે. બે જ દિવસમાં બન્નેનો પ્રેમ બેડરૂમ સુધી પહોંચી જાય છે. તેમની પ્રેમ-પ્રેમની રમત ચાલુ હોય છે ત્યાં જ એક લિકર કિંગ ઝાકિર મર્ચન્ટ ઉર્ફે ઝેક (‘નીરજા’ ફેમ જિમ સાર્ભ)ની એન્ટ્રી થાય છે. શિવ સાથે કમિટેડ હોવા છતાં સાયરા સાઇકો ઝેક સાથે લટૂડીપટૂડી થાય છે. દારૂનો નશો ઊતરે ત્યારે સાયરાને ટuુબલાઇટ થાય છે કે ઝેક તો આઠસો વર્ષથી તેની પાછળ પડ્યો છે. મીન્સ કે તે ગયા ભવનો અધૂરો પ્રેમ પામવા પાછો આવ્યો છે. ઈવન પોતે અને શિવ પણ પ્રેમની બીજી ઇનિંગ્સ રમવા પૃથ્વી પર આવ્યાં છે.

૮૦૦ વર્ષ જૂની મગજમારી

બૉલીવુડમાં શાયરા અને કાયરાના ઉપદ્રવ પછી હવે સાયરા તરીકે આવેલી ક્રિતી બુડાપેસ્ટમાં ચૉકલેટિયર છે. જોકે એક તો તે ગ્લવ્ઝ પર્હેયા વિના ચૉકલેટ બનાવે છે અને પોતાની જ ચૉકલેટમાં આંગળી ખોસીને ચાટે છે. સુશાંત બૅન્કર છે, પણ તેની પાસે બૅન્કિંગ સિવાય બધું જ કરવાનો સમય છે. ક્રિતી તેની ઑફિસમાં બૉસ હોય ત્યારે તેના ટેબલ પર પણ બેસે છે. પ્રોડ્યુસરમાંથી ડિરેક્ટર બનેલા દિનેશ વિજનનું વિઝન કેટલું ક્લિયર (યાને કે બ્લર) છે એ આટલી નાની ડીટેલમાંથી પણ ખબર પડી જાય છે. જોકે ડિરેક્ટરની હિંમતને દાદ દેવી પડે. તેમણે સીધો ‘બાહુબલી’ના ડિરેક્ટર એસ. એસ. રાજમૌલિના ઘરે જ હાથ માર્યો છે. તેમની ૨૦૦૯માં આવેલી ફિલ્મ ‘મગધીરા’ની જ વાર્તા બેઠ્ઠી લઈ લીધી છે. આ મુદ્દે કોર્ટમાં કેસ પણ થયેલો. એક જમાનામાં ઘરે દરજી બેસાડતા એમ સિદ્ધાર્થ-ગરિમા નામની લેખકજોડીને ‘મગધીરા’ની વાર્તામાં ‘બેફિકરે’, ‘અય દિલ હૈ મુશ્કિલ’, ‘લવ આજકલ’, મિઝ્ર્યા’નો મસાલો ઉમેરીને એક ભેળપૂરી તૈયાર કરવાનું કામ સોંપ્યું છે. પરિણામે અઢી કલાકની આ ફિલ્મરૂપે જે કંઈ બન્યું છે એ આપણે કોઈ કરુણ ઘટનાના મૂક સાક્ષી બનતા હોઈએ એવી પીડા સાથે સહન કરતા રહીએ છીએ.

‘રાબતા’માં લગભગ બધું જ ઇલલૉજિકલ અને કંટાળાજનક છે. સુશાંત બૅન્કર અને ક્રિતી ચૉકલેટિયર નથી લાગતાં. એક સાદો દેશીહિસાબ પણ ન વેચી શકે એવો સાઇકો માણસ અહીં લિકર બૅરન છે. સુશાંત આસ્થા ચૅનલમાંથી ડાઉનલોડ કર્યો હોય એવો સંસ્કારી પ્લેબૉય લાગે છે. બન્નેની લવસ્ટોરી પણ હૉસ્પિટલના ભોજન જેવી ફિક્કી છે. કશા જ કારણ વિના બન્ને ભેગાં થાય, છૂટાં પડે, ફરી પાછાં ભેગાં થાય, ફરી છૂટાં થાય... બસ, એક આપણો જ છુટકારો નથી થતો.

જાણે કંટાળાની કોટડીમાં પૂરી દીધા હોય એવી હાલત થાય એટલે આપણું દિમાગ પણ જથ્થાબંધ સવાલો પૂછવા પર ચડી જાય છે. જેમ કે ધૂમકેતુ અહીં ઉલ્કાપાત જેવો કેમ દેખાય છે? શહેર સાથે કશું જ કનેક્શન ન હોવા છતાં ફિલ્મની સ્ટોરી બુડાપેસ્ટમાં શા માટે આકાર લે છે? દર બીજી મિનિટે હંગેરી ટૂરિઝમની જાહેરાત કરતા હોય એમ બુડાપેસ્ટ-દર્શન જ કેમ કરાવવામાં આવે છે? ક્રિતી સૅનન તેને મળતા દરેક પુરુષના પ્રેમમાં કેમ પડી જાય છે? અજાણ્યા પુરુષને તે પોતાના ઘરમાં કેમ આવવા દે છે? જળોની જેમ ચોંટતો હોવા છતાં ક્રિતી સુશાંતના પ્રેમમાં શું કામ પડે છે? ક્રિતી સહિત સૌ ક્રિતીનું જ સાઇકોઍનૅલિસિસ શા માટે કર્યા કરે છે? પુનર્જન્મની સ્ટોરી છે એ ખબર હોવા છતાં સૌ હમ પહલે કભી મિલ ચૂકે હૈં એવી ક્લિશે લાઇનો શા માટે બોલ્યા કરે છે? ૮૦૦ વર્ષ પહેલાંની આગલા ભવની સ્ટોરીમાં સુશાંત ફરહાન અખ્તર જેવા હસ્કી અવાજમાં શા માટે બોલે છે? એ લોકોની ભાષા મોહેંજો દારો જેવી કેમ લાગે છે? એમાં કશું સમજાતું ન હોવા છતાં સબટાઇટલ્સ કેમ નથી? એ બધું ગેમ ઑફ થ્રોન્સ જેવું કેમ લાગે છે? ગયા ભવનાં ક્રિતી-સુશાંત જંગલમાં શા માટે દોડાદોડી કરે છે? રાત્રે સરખું ઊંઘી ન શકતી ક્રિતી પાણીની અંદર આખો આગલો ભવ કઈ રીતે યાદ કરી લે છે અને ત્યાં સુધી તે જીવતી કઈ રીતે રહી શકે છે?

૧૦૦-૨૦૦ ફુટ ઊંચેથી પટકાવા છતાં તેને કેમ કશું થતું નથી? રાજકુમાર રાવ ૮૦૦ વર્ષથી મેકઅપ કરાવતો બેઠો હોય એમ રામસે બ્રધર્સના ભૂત જેવો કેમ દેખાય છે? માંડ બસો વર્ષ પહેલાં થઈ ગયેલા ગાબિલનો શેર ૮૦૦ વર્ષ પહેલાંનો રાજકુમાર રાવ કઈ રીતે મારી શકે છે? એક મિનિટ, તે ફિલ્મમાં જ શા માટે છે? સાવ નર્જિન સ્થળે સુશાંત મિનરલ વૉટરની બૉટલ કેવી રીતે શોધી લાવે છે? દીપિકા જૂની ફિલ્મનું ગીત ગાવા શા માટે આવે છે? વરુણ શર્મા (ઉર્ફ ‘ફુકરે’નો ચૂચો) બધા કલાકારોનો દોસ્તાર કઈ રીતે હોઈ શકે? આપણે આ ફિલ્મમાં શા માટે બેઠા છીએ?

જેનું ધડ-માથું-મગજ એકેયનો મેળ ન પડતો હોય એવી કાળા ડિબાંગ અંધકાર જેવી આ ફિલ્મમાં ઝબૂકતા તારા જેવી ગણીગાંઠી પૉઝિટિવ બાબતો પણ છે. જેમ કે ભલે અહીંતહીંથી ઉસેટીને ભેગાં કર્યાં હોય, પરંતુ ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો સહ્ય છે. અરિજિત સિંહે ગાયેલું ‘ઇક વારી...’ આ સૉન્ગ તો રિલીઝ થયું ત્યારથી જ હિટ છે, જ્યારે ફિલ્મનું ટાઇટલ સૉન્ગ ‘કુછ તો હૈ તુઝસે રાબતા...’ છેક એજન્ટ વિનોદના જમાનાથી હિટ છે. ‘મૈં તેરા બૉયફ્રેન્ડ...’ ગીત હની સિંહની ઝેરોક્સ જેવા દેખાતા પંજાબી ગાયક જેવા સ્ટારે ગાયું ત્યારથી હિટ છે. ફિલ્મમાં ‘એક લડકી ભીગી ભાગી સી...’નું ક્લબ મિક્સ પણ ઘુસાડાયું છે જે કિશોરકુમાર-મધુબાલાના યુગથી હિટ છે. ટૂંકમાં, બીજું ગમે એ હોય, આ ફિલ્મનું મ્યુઝિક હિટ છે. જોકે બે ગીતોની વચ્ચે ચાલતી ફિલ્મ એટલી બોરિંગ છે કે ગીતો અલગથી જ સાંભળી લેવાં. ક્યાંક ડાયલૉગ્સમાં સ્માર્ટનેસના ચમકારા દેખાય છે, ત્યાં જ સેક્સિએસ્ટ અને હોમોફોબિક કૉમેડી એમાંય પંક્ચર પાડી દે છે.

ટ્રેલરથી પણ દૂર રહેજો

રાબતામાં આ ભવ કે આગલો ભવ બેમાંથી એકેયમાં ભલીવાર નથી. એના કરતાં ઓરિજિનલ કૃતિ ‘મગધીરા’ કે પછી ‘મધુમતી’, ‘મિલન’થી લઈને ‘કર્ઝ’ જેવી પુનર્જન્મની થીમ પર બનેલી ફિલ્મો વધુ એક વાર જોઈ લેવી વધુ ફાયદાનો સોદો છે. હા, તમને સુશાંત કે ક્રિતી ક્યુટ લાગતાં હોય તો ભગવાન તમારું ભલું કરે.