પંગા : ફિલ્મ-રિવ્યુ - પંગા લેના ઝરૂરી હૈ બૉસ

25 January, 2020 02:34 PM IST  |  Mumbai | Harsh Desai

પંગા : ફિલ્મ-રિવ્યુ - પંગા લેના ઝરૂરી હૈ બૉસ

ફિલ્મ-રિવ્યુ - પંગા

‘નિલ બટ્ટે સન્નાટા’ અને ‘બરેલી કી બરફી’ બાદ અશ્વિની અય્યર તિવારી તેની નવી ફિલ્મ ‘પંગા’ લઈને આવી છે. તેની ગઈ કાલે રિલીઝ થયેલી આ ફિલ્મમાં કંગના રનોટ, જસ્સી ગિલ, રિચા ચઢ્ઢા અને નીના ગુપ્તા જોવા મળી રહ્યાં છે. ‘જજમેન્ટલ હૈ ક્યા’ની નિષ્ફળતા બાદ કંગના રનોટ ફરી બૉક્સ-ઑફિસ પર ‘પંગા’ લેવા આવી છે. આ પંગો તેણે વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ સાથે લીધો છે. કંગના અને દીપિકા પાદુકોણ એવી હિરોઇન છે જે બૉલીવુડના ટોચના કોઈ પણ ઍક્ટર્સની ફિલ્મ સાથે પોતાની ફિલ્મ રિલીઝ કરી શકે છે.

ફિલ્મની કહાની

આ ફિલ્મમાં જયા નિગમ એટલે કે કંગનાની વાત કરવામાં આવી છે. તે ઇન્ડિયાની નૅશનલ મહિલા કબડ્ડી ટીમની કૅપ્ટન રહી ચૂકી હોય છે. પહેલાં તે રેલવેમાંથી કબડ્ડી રમતી હોય છે અને ત્યાં તેની મુલાકાત પ્રશાંત એટલે કે જસ્સી ગિલ સાથે થાય છે. તેઓ પ્રેમમાં પડે છે અને લગ્ન કરી લે છે. લગ્ન બાદ તે ઘરના કામ અને રેલવેમાં ટિકિટ વેચવાના કામ વચ્ચે ઝોલાં ખાતી હોય છે. ત્યાર બાદ કંગનાના જીવનમાં તેના દીકરા આદિત્ય એટલે કે યજ્ઞ ભસીનની એન્ટ્રી થાય છે, પરંતુ કબડ્ડીની એક્ઝિટ થાય છે. આદિત્ય પ્રીમૅચ્યોર હોવાથી કંગનાએ કબડ્ડી છોડવી પડે છે અને તેની દેખભાળ કરવી પડે છે. આ દેખભાળની વચ્ચે પણ તે ઘર અને નોકરીને ખૂબ જ સારી રીતે સંભાળતી હોય છે, પરંતુ પોતાની જાતને એટલું મહત્ત્વ નથી આપતી હોતી. આદિત્ય સાત વર્ષનો થાય છે ત્યારે તેને તેની મમ્મીના સપના વિશે ખબર પડે છે અને તેની પાસે કમબૅક કરાવવા પપ્પા સામે જીદ કરે છે. આમ ફૅમિલી અને જૉબ બાદ કોઈ મહિલા કેવી રીતે ફરી કમબૅક કરી શકે એના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન

નિખિલ મલ્હોત્રા અને અશ્વિની અય્યર તિવારીએ મળીને ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખ્યાં છે. ઍડિશનલ સ્ક્રીનપ્લેમાં નિતેશ તિવારીએ મદદ કરી છે. આ ફિલ્મની સ્ટોરીનો બૅકડ્રૉપ કબડ્ડી છે. અશ્વિનીએ હાલમાં જ કહ્યું એમ કે તેને સંપૂર્ણ સ્પોર્ટ્સ ફિલ્મ બનાવવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ફિલ્મમાં હ્યુમન ટચ તેના માટે ખૂબ જ જરૂરી છે અને એથી જ તેણે એમાં ફૅમિલી ડ્રામાનો પણ સમાવેશ કરી સ્લાઇસ-ઑફ-લાઇફ ફિલ્મ બનાવી છે. તેણે બન્ને સ્ટોરીને ખૂબ જ સુંદર રીતે મિક્સ કરી છે. સ્પોર્ટ્સની વાત હોવા છતાં એની સાથે ફૅમિલીની વાતને સ્ક્રીનપ્લેમાં ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવી છે. એક પણ જગ્યાએ ફિલ્મ એના વિષયથી ભટકી રહી હોય એવું નથી લાગ્યું. સ્ક્રિપ્ટને એકદમ સુંદર રીતે લખવામાં આવી છે અને મોટાથી લઈને નાના-નાના પાત્રને પણ ખીલવાનો સંપૂર્ણ સમય આપ્યો છે. પતિ, દીકરા, ફ્રેન્ડ કે પછી કોચ જ કેમ ન હોય; દરેકને જરૂરિયાત મુજબનો સ્ક્રીનપ્લે આપવામાં આવ્યો છે અને એથી જ ફિલ્મમાં ચાર ચાંદ લાગી ગયા છે. આ ફિલ્મમાં ઍક્ટિંગ અને ડિરેક્શનની સાથે રાઇટિંગ પર પણ ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે અને એ ડાયલૉગ દ્વારા જોઈ શકાય છે. સમયે-સમયે ડાયલૉગને ખૂબ જ ફની રૂપે રજૂ કરવામાં આવ્યા છે.

ઍક્ટિંગ

કંગનાની ઍક્ટિંગ ફરી એક વાર સ્ક્રીન પર જોઈ શકાય છે. તેણે એક પત્ની અને એક નૅશનલ કબડ્ડી પ્લેયર તરીકે સારું કામ કર્યું છે. એક ઘરેલુ પત્ની હોવાની સાથે જૉબ કરવી અને પોતાના સપનાને પૂરું કરવા માટે સેકન્ડ ચાન્સ મળે છે એ દરેક લેયરને તેણે સંપૂર્ણ ન્યાય આપ્યો છે. પ્રશાંતને રોજ રાતે તેની પત્નીની ઊંઘમાં લાત પડતી હોય છે એમ છતાં તે હંમેશાં તેને સપોર્ટ કરતો જોવા મળે છે. જયાની મમ્મીનું પાત્ર નીના ગુપ્તાએ ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. રિચા ચઢ્ઢાએ જયાની ફ્રેન્ડ-કમ-કોચનું પાત્ર ભજવ્યું છે. આ પાત્રને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લખવામાં આવ્યું હોવાની સાથે રિચાએ પણ એને એટલી જ સુંદર રીતે ભજવ્યું છે. ફિલ્મનું સૌથી ઇન્ટરેસ્ટિંગ કૅરૅક્ટર કોઈ હોય તો એ છે આદિત્યનું. આ પાત્રને અત્યારનાં બાળકોને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું છે. તેમ જ તેના ડાયલૉગમાં હંમેશાં પંચ લાઇન જોવા મળે છે. આ પાત્રને તેણે એટલું સહજતાથી ભજવ્યું છે કે તે જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે ચહેરા પર સ્માઇલ આવી જાય છે.

પ્લસ પૉઇન્ટ

આ ફિલ્મનો પ્લસ પૉઇન્ટ એ છે કે એમાં કોઈ પણ ગ્લૅમરનો તડકો લગાવવા વગર એક રિયલ-લાઇફ સ્ટોરી હોય એ રીતે રજૂ કરવામાં આવી છે. ઘણાં દૃશ્યો અશ્વિનીએ તેની રિયલ-લાઇફ પરથી લીધાં છે. કંગના જ્યારે પ્રશાંત સાથે લગ્ન કરી રહી છે ત્યારે તેની મમ્મી એક સવાલ કરે છે કે શું તે લગ્ન બાદ કામ કરવા દેશે? આ જ સવાલ રિયલ લાઇફમાં અશ્વિનીની મમ્મીએ નિતેશ તિવારીને પૂછ્યો હતો. બીજું દૃશ્ય છે કે પ્રશાંત તેના દીકરાને સ્કૂલ કૉમ્પિટિશન માટે વાઘ બનાવવા માટે તૈયાર કરી રહ્યો હોય છે, પરંતુ તે ખૂબ જ ગંદો મેકઅપ કરે છે. આ સમયે કંગના તેની મૅચમાં વ્યસ્ત હોય છે. પ્રશાંત ફોન કરીને જયાની મદદ માગે છે, પરંતુ તે તેના પતિને ખિજાય છે કે એક કામ તેનાથી સીધું નથી થતું. આવું જ અશ્વિની અય્યર તિવારી અને નિતેશ તિવારી સાથે થયું હતું અને એ તેણે ફિલ્મમાં લીધું છે. આમ તેણે રિયલ-લાઇફ પરથી ઘણી પ્રેરણા લઈને ફિલ્મમાં સમાવેશ કર્યો હોવાથી દરેક દર્શકને પોતાની સ્ટોરી હોય એવું લાગે છે.

મ્યુઝિક

ફિલ્મમાં મ્યુઝિક શંકર-એહસાન-લૉય દ્વારા આપવામાં આવ્યું છે. જોકે એક પણ ગીત એવું નથી જે તમે થિયેટરની બહાર ગાતાં-ગાતાં આવો. ફિલ્મમાં કોઈ પ્રમોશનલ સૉન્ગ અથવા તો પાર્ટી સૉન્ગ ન હોય તો ચાલે, પરંતુ આ ફિલ્મમાં કોઈ પ્રેરણાત્મક સૉન્ગની જરૂર હતી. ‘સંજુ’ના ‘કર હર મેદાન ફતેહ...’ જેવું એક સૉન્ગ પણ ખૂબ જ ઇફેક્ટિવ રહ્યું હોત.

આખરી સલામ

લાઇફમાં કોઈ પણ વ્યક્તિ હોય તેને આપણે સેકન્ડ ચાન્સ આપવો જોઈએ. ખાસ કરીને મમ્મી, બહેન, ભાભી અથવા તો કોઈ પણ મહિલા જેઓ ફૅમિલી માટે પોતાનાં સપનાંઓનો ત્યાગ કરતી હોય.

film review movie review bollywood movie review kangana ranaut richa chadha