મૌત તો સાલી નામ સે બદનામ હૈ, તકલીફ તો ઐસી ફિલ્મેં દેતી હૈ

01 September, 2020 09:34 PM IST  |  Mumbai | Harsh Desai

મૌત તો સાલી નામ સે બદનામ હૈ, તકલીફ તો ઐસી ફિલ્મેં દેતી હૈ

સડક 2

અધધધ કહી શકાય એટલી લાંબી અને બોરિંગ ફિલ્મ જોવા માટે સમય અને ઇન્ટરનેટ બગાડવાની જરૂર નથી : આલિયા, સંજય દત્ત, જિસુ સેનગુપ્તા અને ગુલશન ગ્રોવર જેવા ઍક્ટર્સ હોવા છતાં મહેશ ભટ્ટ સારી ફિલ્મ નથી બનાવી શક્યા : ૨૦૨૦માં આવી હોવા છતાં ફિલ્મમાં જૂનો-પુરાણો બંદૂકનો ખેલ જોવા મળે છે

સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂરની ‘સડક 2’ને ઓટીટી પ્લૅટફૉર્મ ડિઝની+ હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મને લગભગ ૨૦ વર્ષ બાદ મહેશ ભટ્ટ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. જોકે તેમના ડિરેક્શનમાં હવે પહેલાં જેવી વાત રહી નથી. દીકરી સાથે કામ કરવા માટે ફિલ્મને ડિરેક્ટ કરી હોય એવું વધુ લાગે છે. ૧૯૯૧માં આવેલી ‘સડક’ની સ્ટોરીને ૩૦ વર્ષ બાદ કન્ટિન્યુ કરવામાં આવી છે. ‘સડક’માં પૂજા ભટ્ટ સાથે સંજય દત્તને પ્રેમ થયા બાદ તેઓ ખુશીથી જીવતાં હોય છે અને ટ્રાવેલ-એજન્સી શરૂ કરે છે. જોકે ૨૦૨૦માં આવેલી ફિલ્મમાં પૂજાનું મૃત્યુ થઈ જાય છે અને સંજય દત્ત પણ સુસાઇડ કરવાની કોશિશ કરતો હોય છે. ત્યાં જ આલિયા તેના ઘરે પહોંચી જાય છે જેણે પહેલીથી ટૅક્સીનું બુકિંગ કરાવ્યું હોય છે અને સ્ટોરી ત્યાંથી આગળ વધે છે.
મહેશ ભટ્ટની આ ફિલ્મમાં જિસુ સેનગુપ્તા, ગુલશન ગ્રોવર અને મકરંદ દેશપાંડે જેવા અદ્ભુત સપોર્ટિંગ ઍક્ટર્સ છે છતાં આ ફિલ્મ ખૂબ બેકાર બની છે. આટલાં વર્ષ બાદ મહેશ ભટ્ટે ફિલ્મને ડિરેક્ટ કરી હોવા છતાં એમાં વર્તમાન જેવી કોઈ વાત નથી. અરે, મહેશ ભટ્ટની પહેલાંની ફિલ્મ જેવી પણ એમાં કોઈ વાત નથી. આ ફિલ્મને પહેલી ફિલ્મ સાથે જોડવામાં આવી છે. સંજય દત્ત તેની પત્નીને કેટલો પ્રેમ કરે છે એ દર્શાવવા માટે પહેલી ફિલ્મનાં દૃશ્યોને વારંવાર દેખાડવામાં આવે છે. એક ઉત્તમ ફિલ્મમેકર માટે આ કામચોરી કહેવી ખોટી નથી. આ દૃશ્ય કરતાં એને અન્ય રીતે પણ દેખાડી શકાયું હોત. ફિલ્મમાં દરેક ઍક્ટર્સ જોરદાર હોવા છતાં ફિલ્મ સારી ન બની એનું સૌથી મોટું કારણ સ્ટોરી અને ડિરેક્શન છે. સ્ટોરીને ટુકડે-ટુકડે ઊંચકી એને ચીંથરાં સીવેલાં હોય એવું લાગે છે. ફિલ્મની શરૂઆતની પાંચ મિનિટ બાદથી જ ફિલ્મમાં કંટાળો આવે છે. ફિલ્મનો આ સૌથી મોટો માઇનસ પૉઇન્ટ છે કે એ શરૂઆતથી જ દર્શકોને જકડી નથી શકી.
આલિયા એક સારી ઍક્ટ્રેસ છે, પરંતુ તેની પાસે એકાદ-બે દૃશ્યો છોડીને કરવા જેવું કાંઈ નથી. સંજય દત્ત અને જિસુ સેનગુપ્તાની ઍક્ટિંગ અદ્ભુત છે અને તેમને જોવું ગમે છે (જો તેઓ ન હોય તો આ ફિલ્મને માઇનસ રેટિંગ પણ આપી શકાય). મકરંદ દેશપાંડેએ ઢોંગી બાબાનું પાત્ર ભજવ્યું છે, પરંતુ ફિલ્મની સ્ટોરીને જોતાં અહીં તો આ બાબાની આબરૂ બચાવવી પડે એવું લાગે છે. સંજય દત્ત અને જિસુ સેનગુપ્તા સિવાય કોઈનાં પણ પાત્ર સારી રીતે લખવામાં નથી આવ્યાં. આદિત્ય રૉય કપૂરનું પાત્ર શું કામ લખવામાં આવ્યું એ પણ એક સવાલ છે. એના કરતાં સ્ટોરીમાં અન્ય ટ્વિસ્ટ આપી શકાયો હોત. ગુલશન ગ્રોવર જેવો વિલન હોવા છતાં તેની ફિલ્મ પર કોઈ ઇફેક્ટ નથી પડતી, એથી પણ મહેશ ભટ્ટ ડિરેક્ટર તરીકે નિષ્ફળ ગયા હોવાનું કહી શકાય. એક તરફ ફિલ્મ જ્યારે અંધશ્રદ્ધાથી દૂર રહેવાની વાત કરે છે ત્યારે બીજી બાજુ કેટલાંક પાત્રો ખૂબ જ અંધશ્રદ્ધામાં માનતાં હોય છે. આ અંધશ્રદ્ધાથી તેમને એ પણ ખબર પડી જાય છે કે અહીં ‘ખતરે કી બૂ’ આ રહી હૈ. આઇ મીન સિરિયસ્‍લી? મહેશ ભટ્ટ અને સુહરિતા સેનગુપ્તા પણ સ્ટોરીને લઈને ક્લિયર ન હોય એવું લાગી રહ્યું છે.
ડિરેક્શન અને સ્ટોરીની સાથે ફિલ્મનું એડિટિંગ પણ એટલું જ કંગાળ છે. આ ફિલ્મની સ્ટોરી અનુસાર એને નાહકની ૧૩૩ મિનિટ સુધી ખેંચવામાં આવી છે. ચુસ્ત એડિટિંગ દ્વારા એને નાની બનાવીને થોડી ફાસ્ટ કરી શકાઈ હોત. ફિલ્મનાં ગીત પણ જોઈએ એટલાં સારાં નથી. ‘તુમ સે હી’ને બાદ કરતાં આ ફિલ્મનાં એક પણ ગીત પહેલી વારમાં યાદ રહી જાય એવાં નથી.

bollywood movie review bollywood bollywood news mahesh bhatt