ફિલ્મ-રિવ્યુ : રાગિની MMS-૨, ચમડી બતાવીને દમડી ઉસેટવાનો ખેલ

22 March, 2014 08:09 AM IST  | 

ફિલ્મ-રિવ્યુ : રાગિની MMS-૨, ચમડી બતાવીને દમડી ઉસેટવાનો ખેલ




(યશ મહેતા)

૨૦૦૯માં અમેરિકામાં એક ફિલ્મ આવેલી ‘પૅરાનૉર્મલ ઍક્ટિવિટી’ જે આખી હૅન્ડ-હેલ્ડ કૅમેરાથી શૂટ થઈ હોય એવા શેકી વિડિયોઝની બનેલી હતી. અત્યંત ઓછા બજેટની એ ફિલ્મ રાતોરાત સુપરહિટ થઈ ગયેલી. એની લોકપ્રિયતાની રોકડી કરવા માટે બે વર્ષ પછી ૨૦૧૧માં આપણે ત્યાં પણ એવી જ હૉરર ફિલ્મ બની, ‘રાગિની MMS’. આ અઠવાડિયે એની સીક્વલ ‘રાગિની MMS-૨’ રિલીઝ થઈ છે, પરંતુ એમાં હૉરર કરતાં વધુ પ્રમોશન એની હિરોઇન સની લીઓનીનું કરવામાં આવ્યું છે.

ભૂત મળે, પણ સ્ટોરી ન મળે!

‘રાગિની MMS’ જે સ્થળે શૂટ થયેલી એ શાપિત મકાનમાં રૉક્સી (પ્રવીણ દબાસ) નામનો છેલબટાઉ ડિરેક્ટર એ જ નામની પાછળ બગડો લગાડીને નવી હૉરેક્સ (એટલે કે હૉરર પ્લસ સેક્સ) ફિલ્મ બનાવવા માગે છે. આ માટે તેણે એક પૉર્નસ્ટાર સની લીઓનીને મુખ્ય હિરોઇન તરીકે લીધી છે. પોતાના

પાત્રને વધુ રિયલ બનાવવા માટે સની મુંબઈની એક મેન્ટલ હૉસ્પિટલમાં રહેલી ઓરિજિનલ રાગિની (કૈનાઝ મોતીવાલા)ને મળવા પણ જાય છે, પરંતુ ત્યાં રાગિની વિચિત્ર રીતે વર્તન કરીને સની પર હુમલો કરી દે છે.

ત્યાર બાદ દહાણુ પાસેના એ અવાવરુ બંગલામાં એ ફિલ્મનું શૂટિંગ શરૂ થતાંની સાથે જ એના કલાકારોને ચિત્રવિચિત્ર અનુભવો થવાના શરૂ થઈ જાય છે. બીજી બાજુ મુંબઈમાં એક સાઇકિયાટ્રિસ્ટ (દિવ્યા દત્તા) સાયન્સની વ્યાખ્યામાં ન આવતા આવા કેસિસ પર રિસર્ચ કરે છે અને તેને આ કેસમાં રસ પડે છે. તેના રિસર્ચમાં જ ભૂતકાળનું એક ખોફનાક રહસ્ય બહાર આવે છે. હવે તેની સામે ચૅલેન્જ છે એ ભૂતાવળને વધુ લોકોના ભોગ લેતી રોકવાની.

શૉક, સાઉન્ડ અને સેક્સ

સ્પક્ટ છે કે આ ફિલ્મ ‘રાગિની MMS’ના પહેલા ભાગ અને પૉર્નસ્ટાર સની લીઓનીની લોકપ્રિયતાને વટાવી ખાવા માટે જ બનાવવામાં આવી છે. આગળ ફિલ્મને સમજવા માટે એની સ્ટોરીરૂપે ભલે બે પૅરેગ્રાફ લખ્યા હોય, પરંતુ આ ફિલ્મમાં સ્ટોરીના નામે કશું પણ નાખી શકાયું હોત. આખી ફિલ્મમાં દર બીજા સીનમાં કૅમેરા ઇરાદાપૂવર્‍ક સની લીઓનીના શરીરના વળાંકો પર જ ફરે છે એટલું જ નહીં, બિનજરૂરી સ્કિન-શો અને સેક્સ-સીન્સ ફિલ્મ-મેકર્સનો ચમડી બતાવીને દમડી ઉસેટવાનો ઇરાદો સ્પક્ટ કરી દે છે.

કોઈને ડરાવવા માટે દરવાજા પાછળ છુપાઈને અચાનક બૂ... કરીને આઘાત આપવાની ટ્રિક વર્ષો જૂની છે. કમનસીબે આ ફિલ્મના બધા જ, રિપીટ, બધા જ સીન્સમાં એ જ બાલિશ ટ્રિક વાપરવામાં આવી છે. ઉપરથી કહેવાતા ડરનો માહોલ બનાવવા માટે અમર મોહિલેએ ઘોંઘાટિયું બૅકગ્રાઉન્ડ સંગીત મૂક્યું છે.

આ ફિલ્મની ટાઇટલ ક્રેડિટ્સમાં હનુમાન ચાલીસા મૂકવામાં આવી છે જે નવો પ્રયોગ છે. એ જોઈને આશા બંધાય છે કે ફિલ્મમાં આગળ ઉપર કંઈક ખરેખર શૉકિંગ અને ડરામણું જોવા મળશે, પરંતુ પૂરા બે કલાકની પણ નથી એવી આ ફિલ્મ એટલી ધીમી ગતિએ આગળ વધે છે કે તમે કંટાળાથી પણ કંટાળી જાઓ! એવું કહી શકાય કે ધીમી ગતિ જ આ ફિલ્મની સૌથી મોટી ભૂતાવળ છે. ફિલ્મના પહેલા કલાકમાં અલપઝલપ દેખાતા ભૂત અને સની લીઓનીના સ્કિન-શો સિવાય બીજું કશું જ નથી બનતું. એકની એક ટ્રિક વાપરીને ડરાવવાની રીત થોડી જ વારમાં કટાઈ જાય છે અને પબ્લિકને હૉરર સીન્સમાં ડરને બદલે હસવું આવવા લાગે છે. ઉપરથી ઍડલ્ટ મસાલો છાંટવા માટે ગંદી હરકતો અને ‘યે તો પૉર્નો સે ઋતુપૉર્નો હો ગઈ’ જેવા સસ્તા સંવાદો છાંટવામાં આવ્યા છે.

આપણને આઘાત લાગે કે પ્રવીણ દબાસ તો ઠીક પણ સંધ્યા મૃદુલ અને દિવ્યા દત્તા જેવી સશક્ત અદાકારાઓએ આવી ભંગાર ફિલ્મમાં તદ્દન ફાલતુ રોલ્સ શા માટે સ્વીકાર્યા હશે. ફિલ્મની પૉઝિટિવ સાઇડમાં માત્ર એટલું જ કહી શકાય કે એનાં બે ગીતો ‘બેબી ડૉલ મૈં સોને કી’ અને ‘ચાર બોતલ વૉડકા’ સાંભળવાની મજા પડે એવાં છે, પરંતુ એ બે ગીતો માટે આખી ફિલ્મ સહન થાય એવું જરાય નથી.

આ MMS ડિલીટ કરી નાખજો!

‘રાગિની MMS-૨’માં બે-પાંચ મિનિટના MMSમાં કહી શકાય એવડી સ્ટોરીને બે કલાકની ફિલ્મમાં ખેંચી છે. ઉપરથી સની લીઓનીને કારણે થિયેટરમાં સતત વલ્ગર કમેન્ટ્સ ઊછળતી રહે છે. આમ તો આ ખ્ સર્ટિફિકેટવાળી ફિલ્મ છે એટલે બાળકોને તો પ્રવેશ નહીં મળે, પરંતુ ખરેખર તો આ ફિલ્મ કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે સૂટેબલ નથી! ઇન શૉર્ટ, ફિલ્મમાં હૉરરના નામે કચરો છે અને સની લીઓનીના ચાહકો તો તેની કોઈ જુદા જ પ્રકારની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. એટલે મહેરબાની કરીને આ ફિલ્મથી દૂર જ રહેજો.