ફિલ્મ-રિવ્યુ : એક વિલન - ફટા પોસ્ટર નિકલા વિલન

28 June, 2014 08:53 AM IST  | 

ફિલ્મ-રિવ્યુ : એક વિલન - ફટા પોસ્ટર નિકલા વિલન




(યશ મહેતા)

આપણી એક ખાસિયત છે ચાઇનીઝ, ઇટાલિયન, થાઇ... કોઈ પણ વાનગી હોય, આપણા દેશમાં આવે એટલે એ ટિપિકલ દેશી બની જાય. એમાં આપણા મસાલા અને ફ્લેવર એવાં ભળે કે સૌને ઓરિજિનલ વાનગી કરતાં આપણું દેશી વર્ઝન જ વધારે ભાવે. ફિલ્મોનું પણ એવું જ છે. જેમ કે આ શુક્રવારે રિલીઝ થયેલી ‘એક વિલન’નો બેસિક પ્લૉટ દક્ષિણ કોરિયાની ૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘આઇ સૉ ધ ડેવિલ’થી ઇન્સ્પાયર હોવાની સ્ટ્રૉન્ગ હવા છે, પણ ‘એક વિલન’ આપણા દેશી મસાલા જેવા કે પ્યાર-મોહબ્બત, દદર્‍-હમદદર્‍, બદલા, જીને નહીં દૂંગા-મરને નહીં દૂંગા, ઍન્ટિ હીરો, કાન વાટે હૃદયમાં ઊતરી જાય એવાં ગીતો વગેરેથી ભરપૂર છે. પરિણામ સ્પક્ટ છે, અત્યારે પ્રેક્ષકો અને ખાસ કરીને યંગસ્ટર્સ ‘એક વિલન’ની ટિકિટો માટે પડાપડી કરી રહ્યા છે.

લવ, શૉક ઔર બદલા

ગુરુ (સિદ્ધાર્થ મલ્હોત્રા) ગોવાનો એક ગુંડો છે, જે દીવાસળી સળગાવવા જેટલી સહજતાથી કોઈનું મર્ડર કરી નાખે એવો ક્રૂર છે. ત્યાં જ તેની જિંદગીમાં આઈશા (શ્રદ્ધા કપૂર)ની એન્ટ્રી થાય છે. એકદમ ક્યુટ અને નર્દિોષ એવી આઈશા ‘જબ વી મેટ’ની કરીના, ‘લગે રહો મુન્નાભાઈ’ની વિદ્યા બાલન અને ‘ગજની’ની અસિનનું કૉમ્બિનેશન છે; પરંતુ બિચારી એક અસાધ્ય બીમારીથી પીડાઈ રહી છે એને કારણે તેના હાથમાં હવે મુઠ્ઠીભર દિવસો જ બચ્યા છે. બાકી રહેલા દિવસોને દિલથી જીવી લેવા માટે આઈશાએ પોતાની ઇચ્છાઓનું એક બકેટ-લિસ્ટ બનાવ્યું છે, જેને તે વન બાય વન પૂરી કરી રહી છે. બન્ને વચ્ચે પ્રેમનું ઝરણું ફૂટી નીકળે છે અને વિલન જેવા ગુરુની અંદર રહેલો હીરો બહાર આવવા માંડે છે.

ત્યાં જ એક ખરેખરા વિલન રાકેશ મહાડકર (રિતેશ દેશમુખ)ની એન્ટ્રી થાય છે. રાકેશ જિંદગીમાં કશું જ ન ઉકાળી શકેલો ટેલિકૉમ કંપનીનો કર્મચારી છે. ઈવન તેની પત્ની સુલોચના (આમના શરીફ) પણ તેને મહેણાંટોણાં મારવામાં કશું બાકી નથી રાખતી એટલે આ રિતેશ તેની સામે આવતી જે સ્ત્રી તેનું અપમાન કરે તેના ઘરે પહોંચી જઈને સ્ક્રૂ-ડ્રાઇવર જેવા હથિયારથી તેની કરપીણ હત્યા કરી નાખે છે. જોકે એક દિવસ તે એવું કામ કરી નાખે છે જેને કારણે સિદ્ધાર્થ અને રિતેશ બન્ને સામસામે આવી જાય છે.

ઢીલી, પણ સ્વાદિક્ટ વાનગી

‘આશિકી ૨’ની સુપર સફળતા પછી ‘એક વિલન’નાં ગીતોએ પણ જલસો કરાવ્યો એટલે એટલું તો સ્પક્ટ હતું કે આ ફિલ્મને ઓપનિંગ તો સારું મળશે. ઉપરથી એના પ્રોમોએ પણ લોકોમાં આતુરતા જગાવેલી કે ફિલ્મમાં એક્ઝૅક્ટ્લી છે શું. ૧૨૯ મિનિટની આ ફિલ્મ શરૂ થાય એની પહેલી ૧૫ મિનિટમાં જ એવો આંચકો આપે છે કે લોકોનું કુતૂહલ મોંઘવારીની જેમ ઊંચું જતું રહે. એ પછી ડિરેક્ટર મોહિત સૂરિ આપણને ફ્લૅશબૅક અને વર્તમાન વચ્ચે અપડાઉન કરાવતા રહે છે, જેમાં ભારતીય ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે એવા સિરિયલ કિલરની વાત આવે છે.

ગઠીલા બદનવાળા સિદ્ધાર્થ મલ્હોત્રાને જોઈને યુવતીઓ સિસકારા બોલાવે છે, તો શ્રદ્ધા કપૂરનો ઇનોસન્ટ ચાર્મ પણ યંગસ્ટર્સમાં બરાબર ક્લિક થયો છે. ફિલ્મમાં ગોવાનાં બ્યુટિફુલ લોકેશન્સમાં ફિલ્માવાયેલી બન્નેની લવસ્ટોરી જોવી ગમે એવી છે. બન્નેનો ટિપિકલ બૉલીવુડિયન કૅન્ડી ફ્લૉસ રોમૅન્સ આપણે અનેક વાર જોઈ ચૂક્યા હોવા છતાં કર્ણપ્રિય ગીતોને કારણે એમાં કંટાળો નથી આવતો.

પરંતુ ઇન્ટરવલ આવતા સુધીમાં સસ્પેન્સ અને થિ્રલનાં બધાં જ પાનાં ખુલ્લાં થઈ જાય છે એટલે હવે શું થશે એવું કોઈ કુતૂહલ બાકી રહેતું નથી. એક આશા ઉંદર-બિલાડી જેવી ચેઝ પર ટકી રહે છે, પરંતુ એવી થિ્રલિંગ ચેઝ પણ બીજા ભાગમાં જોવા નથી મળતી. ઉપરથી (પ્રાચી દેસાઈને ચમકાવતું) એક વણજોઈતું આઇટમ-સૉન્ગ નાખીને ઢીલી પડેલી વાર્તાને ઓર રબર જેવી કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ફિલ્મી યોગાનુયોગ ભરપૂર છે એટલે ‘આવું થોડું હોય?’ એવા લૉજિકની ગલીમાં ઘૂસવા જેવું નથી.

ઢીલા સેકન્ડ હાફને બાદ કરતાં ડિરેક્ટર મોહિત સૂરિની તમામ ગણતરીઓ સાચી પડી છે. ફિલ્મે રિલીઝ પહેલાં લોકોમાં કુતૂહલ જગાવ્યું અને થિયેટર સુધી ખેંચાઈ આવેલા લોકો નિરાશ થાય એવી તો ફિલ્મ જરાય નથી. ઉપરથી અંકિત તિવારી, મિથુન અને સોચ બૅન્ડ દ્વારા કમ્પોઝ થયેલાં મોટા ભાગનાં ગીતો હિટ થયાં છે. એમાંય અંકિત તિવારી અને શ્રદ્ધા કપૂરે ગાયેલું ‘તેરી ગલિયાં...’ તો ઑલરેડી ચાર્ટબસ્ટરની કૅટેગરીમાં આવી ગયું છે.

ખીલેલા ગુલાબની પાંખડી પર જામેલા ઝાકળ જેવી માસૂમ લાગતી શ્રદ્ધા કપૂર જેટલી કન્વિન્સિંગ લાગે છે એટલું જ સિદ્ધાર્થ મલ્હોત્રાને ગુંડો ગણવામાં મન માનતું નથી. ખરબચડા ખૂનખાર ગુંડા કરતાં તે કોઈ પૈસાદાર બાપાનો દીકરો વધારે લાગે છે, પરંતુ ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઇઝ પૅકેજ છે રિતેશ દેશમુખ. ગયા અઠવાડિયે તેને ‘હમશકલ્સ’માં ગાંડાવેડા કરતો જોયા પછી લાગતું હતું કે આની પાસે આનાથી વધારે ટૅલન્ટ નહીં હોય, પણ વિકૃત દિમાગના સિરિયલ કિલરના રોલમાં તે ખરેખર જામે છે એટલું જ નહીં, તેનું પાત્ર પણ સૌથી સારું લખાયેલું છે. જોકે તેની ક્રૂરતા હજી વધારે ખૂલીને બહાર આવી હોત તો આ ફિલ્મમાં થિ્રલનું તત્વ ઓર વધારે જામ્યું હોત.

ટ્વિટર પર જે સૌથી વધુ ગાળો ખાય છે તે ફ્લૉપ ઍક્ટર કમાલ આર. ખાન (કેઆરકે) પણ આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં છે. પોતાની ટ્વિટર પર્સનાલિટી જેવા રોલમાં રહેલો કેઆરકે જોકે તેની વાહિયાત ઍક્ટિંગથી કૉમિક રિલીફ પૂરી પાડે છે. ગૅન્ગસ્ટર સિઝરના રોલમાં ગાયક રેમો ફર્નાન્ડિસ પણ તેમના ટ્રેડમાર્ક ગોળ કાચવાળાં ગૉગલ્સ પહેરીને આવી ગયા છે, પરંતુ રેમો પણ ધ્યાન ખેંચવામાં નિષ્ફળ જ રહ્યા છે. મિલાપ મિલન ઝવેરીએ આ ફિલ્મના ડાયલૉગ્સ લખ્યા છે, પરંતુ તેણે ‘તુમસે ઝ્યાદા કામ તો ઇસ ઑફિસ મેં ઝેરોક્સ મશીન કરતી હૈ’ ટાઇપના અલપઝલપ ચમકારાને બાદ કરતાં ચવાયેલા હિન્દી મસાલા ડાયલૉગ્સ જ ઠપકાર્યા છે.

વીક-એન્ડ ટાઇમપાસ

ઠંડા કલેજે હત્યાઓ કરતા સિરિયલ કિલરને બાદ કરતાં ‘એક વિલન’માં એવું કશું નથી જે આપણે અગાઉ ન જોયું હોય છતાં ‘ગજની’ ટાઇપની આ રિવેન્જ સ્ટોરી એક સરસ વીક-એન્ડ એન્ટરટેઇનર તો છે જ. પ્રિડિક્ટેબલ હોવા છતાં એ જરાય કંટાળો આપતી નથી. આપણી ઑડિયન્સને મજા પડે એવા તમામ મસાલાથી ભરપૂર આ વાનગી એક વાર ટેસ્ટ કરવા જેવી ખરી.