ફિલ્મ-રિવ્યુ : મલંગ - સ્ટોરી વગરની મૅડનેસ

08 February, 2020 12:44 PM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ-રિવ્યુ : મલંગ - સ્ટોરી વગરની મૅડનેસ

ફિલ્મ-રિવ્યુ: મલંગ

નાના-નાના પ્લૉટ પર કામ કરવામાં મેઇન સ્ટોરી પર ફોકસ નથી રહ્યું : ફિલ્મની સ્ટોરી શું છે એ પહેલા પાર્ટમાં એસ્ટૅબ્લિશ કરવામાં મોહિત સૂરિ નિષ્ફળ રહ્યો છે: દિશા પટણી અને આદિત્યની જોડી સારી દેખાડી હોવા છતાં તેમની વચ્ચે સ્પાર્ક જોવા નથી મળતો : સ્ક્રિપ્ટમાં દમ ન હોવાથી અનિલ કપૂરે અન્ય ઍક્ટર્સ સાથે મળીને ફિલ્મને પોતાના ખભા પર લઈને ચાલવાની ભરપૂર કોશિશ કરી છે.

‘મલંગ’નાં ગીત ખૂબ જ પૉપ્યુલર રહ્યાં છે અને એને કારણે ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. મોહિત સૂરિ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર (અદ્વેત), દિશા પટણી (સારા), અનિલ કપૂર (અંજનિ અગાશે) અને કુણાલ ખેમુ (માઇકલ રૉડ્રિગ્સ)ના પાત્રમાં જોવા મળ્યાં છે. ટ્રેલરને જોઈને ફિલ્મને લઈને ખૂબ જ તાલાવેલી હતી, પરંતુ એ એટલી જોરદાર સાબિત નથી થઈ.

ફિલ્મની સ્ટોરીને ૨૪ ડિસેમ્બરની રાત દરમ્યાન દેખાડવામાં આવી છે. ફિલ્મની શરૂઆત અદ્વેત જેલમાં હોય ત્યાંથી થાય છે. તેના હાથના એક બૅન્ડ માટે તે જેલના અન્ય કેદી સાથે મારપીટ કરતો જોવા મળે છે. આ મારપીટને જબરદસ્તીની દેખાડવામાં આવી હોય એવું લાગે છે. પૉઇન્ટ-ઑફ-વ્યુ કૅમેરા ટેક્નિકનો ઉપયોગ કરવાની ભરપૂર કોશિશ કરવામાં આવી છે, પરંતુ એ જામતી નથી. અદ્વેતની બૉડી ખૂબ જ જોરદાર લાગે છે, પરંતુ ફાઇટનાં દૃશ્યો એટલાં ક્લીન નથી. પંચ માર્યા બાદ રાહ જોતો હોય અથવા તો કોઈ તેને મારવા આવી રહ્યું હોય એની રાહ જોઈ રહ્યો હોય એવી આ દૃશ્યમાં ખબર પડી જાય છે. (તે ડ્રગ્સના કેસમાં પાંચ વર્ષ પહેલાં ૨૪ ડિસેમ્બરે જ જેલમાં ગયો હોય છે.) ત્યાર બાદ ફિલ્મ ફ્લૅશબૅકમાં જાય છે. અદ્વેત તેની ફૅમિલીથી દૂર જઈ તેની દુનિયાને કૅમેરામાં કેદ કરવા માગતો હોય છે. સારા તેના પેરન્ટ્સે તેમની લાઇફ ન જીવી હોવાથી પોતાની લાઇફમાં એ ભૂલ ન કરવા માટે ગોવા આવે છે. ગોવાની એક રેવ પાર્ટીમાં તેમની મુલાકાત થાય છે અને પોલીસની રેઇડ પડતાં તેઓ બન્ને એકબીજા સાથે ભાગે છે. તેમની વચ્ચે પ્રેમ થાય છે અને એક દિવસ તેમનો સામનો પોલીસ સાથે થતાં તેમના જીવનમાં ઊથલપાથલ થાય છે. અનિલ કપૂરે ઇન્સ્પેક્ટર અંજનિ અગાશેનું પાત્ર ભજવ્યું છે. તે કોઈ ફાઇલ, ફરિયાદ કે સ્ટેટમેન્ટ લેવામાં નથી માનતો; તે સીધું એન્કાઉન્ટર જ કરે છે. બીજી તરફ સ્પેશ્યલ ફોર્સનો ઑફિસર માઇકલ રૉડ્રિગ્સ ખૂબ જ સિન્સિયર હોય છે. આ તમામની સ્ટોરી એકબીજાથી કનેક્ટ થાય છે.

‘આશિકી 2’ અને ‘એક વિલન’ જેવી ફિલ્મો બનાવનાર મોહિત સૂરિ આ ફિલ્મને ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. પ્લૉટ ખૂબ જ કંગાળ છે અને સ્ક્રિપ્ટ પર વધુ કામ કરવાની જરૂર હતી. મોહિત સૂરિએ એક ડાર્ક-થ્રિલર ફિલ્મ બનાવી છે, પરંતુ એમાં કોઈ નવીનતા નથી. ઇન્ટરવલ પહેલાના પાર્ટમાં તે દર્શકોને સ્ટોરી સાથે કનેક્ટ કરવામાં નિષ્ફળ રહ્યો છે. સ્ટોરી શું છે એ રજૂ કરવામાં ખૂબ જ સમય નીકળી ગયો છે અને જ્યાં સુધી ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ મોડ પર આવે ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ જાય છે.

મોહિત સૂરિએ ગોવાને ખૂબ જ સારી રીતે દેખાડ્યું છે, પરંતુ એ ફક્ત ડ્રગ્સ અને સેક્સ માટે જ જાણીતું હોય એવું દેખાડવાનો પ્રયાસ કર્યો છે. તેમ જ તેણે મેઇન સ્ટોરી સાથે ઘણા નાના-નાના પ્લૉટ પણ દેખાડ્યા છે જેમ કે અનિલ કપૂર કેમ ભેજાફરેલ હોય છે વગેરે-વગેરે. જોકે તે સબ પ્લૉટ પર ફોકસ કરવાની જગ્યાએ મેઇન સ્ટોરી પર કામ કરવાનું ભૂલી ગયો હોય એવું લાગે છે. તેમ જ આદિત્ય અને દિશાની જોડી સારી લાગી રહી હોવા છતાં તેમની વચ્ચે એ સ્પાર્ક અને કેમિસ્ટ્રી જોવા નથી મળતા. મોહિત સૂરિ એમાં પણ નિષ્ફળ રહ્યો છે.

આદિત્ય રૉય કપૂરે તેના લુકની સાથે ઍક્ટિંગમાં પણ ખૂબ જ સારું કામ કર્યું છે. તેની સાથે અનિલ કપૂરે પણ આ ઉંમરમાં એક માથાભારે પોલીસ-ઑફિસરની ભૂમિકાને ખૂબ જ સારી રીતે ભજવી છે. સ્ટોરીમાં દમ ન હોવા છતાં આ બન્ને ઍક્ટરે તેમની ઍક્ટિંગ દ્વારા ફિલ્મને સંભાળવાની કોશિશ કરી છે. પહેલા પાર્ટમાં કુણાલ ખેમુંનું પાત્ર ખૂબ જ ઓછું છે, પરંતુ બીજા પાર્ટમાં તેણે ખૂબ જ સારું કામ કર્યું છે. દિશા પટણીના સેક્સી લુક સિવાય ફિલ્મમાં કંઈ જ નથી. તે તમામ ડાયલૉગ એક જ સરખાં એક્સપ્રેશન અને લહેકામાં બોલે છે. તેની સામે એલી અવરામે નાનું પરંતુ મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે અને તે દિશા પર ભારે પડી ગઈ છે. આ ફિલ્મમાં ઘણાં નાનાં-નાનાં પાત્રો છે અને દરેક ઍક્ટરે એ સારી રીતે ભજવ્યાં છે.

ફિલ્મના દરેક સૉન્ગને પસંદ કરવામાં આવ્યાં છે અને એ એનો પ્લસ પૉઇન્ટ છે. આ સાથે જ ફિલ્મમાં કોઈ પ્લસ પૉઇન્ટ હોય તો એ છે ડ્રગ્સના સેવન કરતી વખતે નીચે આવતી વૉર્નિંગ. મોટા ભાગની ફિલ્મમાં ડ્રગ્સનું સેવન મનુષ્યનો જીવ લઈ શકે છે એ ચેતવણી આપવામાં આવે છે. જોકે અહીં ‘નશે કી માર બરબાદ કર દે આદમી ઔર પરિવાર’ અને ‘ડ્રગ્સ કૉસ્ટ યુ મોર ધૅન જસ્ટ મની’ જેવી ઘણી ઇન્ટરેસ્ટિંગ વૉર્નિંગ આપવામાં આવી છે. ફિલ્મમાં ઘણા ડાયલૉગ પણ સારા છે, પરંતુ સૌથી મોટો પ્રૉબ્લેમ છે સ્ટોરીને કનેક્ટ કરવી.

નોંધ : ફિલ્મની શરૂઆતમાં આદિત્ય રૉય કપૂર ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવતા અનિલ કપૂરને કહે છે કે ‘મર્ડર કા રિપોર્ટ કરના હૈ.’ આ ફિલ્મના અંતમાં ફરી અનિલ કપૂર પર એક ફોન આવે છે અને એમાં મહિલાના અવાજમાં તેને કહે છે કે ‘મર્ડર કા રિપોર્ટ કરના હૈ.’ આ ડાયલૉગ પરથી એ તો નક્કી છે કે ફિલ્મમેકર્સ સીક્વલ વિશે વિચારી રહ્યા છે, પરંતુ એ માટે આ ફિલ્મ હિટ રહેવી જરૂરી છે.

malang film review movie review bollywood movie review anil kapoor aditya roy kapur Disha Patani kunal khemu harsh desai