ફિલ્મ-રિવ્યુ - જૉલી LLB ૨

11 February, 2017 05:06 AM IST  | 

ફિલ્મ-રિવ્યુ - જૉલી LLB ૨

ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

વકીલોં કા ખિલાડી

મજબૂત રાઇટિંગ અને ખમતીધર ઍક્ટિંગ એક ઍવરેજ ફિલ્મને પણ કેવી રીતે ઊંચકી શકે છે એનું પર્ફેક્ટ ઉદાહરણ એટલે રાઇટર-ડિરેક્ટર સુભાષ કપૂરની સીક્વલ ફિલ્મ (ધ સ્ટેટ વર્સસ) જૉલી LLB ૨. આમ જોવા જાઓ તો આ સીક્વલ ૨૦૧૩માં અર્શદ વારસીને જગદીશ ત્યાગી ઉર્ફ જૉલી તરીકે ચમકાવતી પ્રીક્વલની ઝેરોક્સ કૉપી જેવી જ છે. છતાં ફિલ્મની ઓવરઑલ ટ્રીટમેન્ટ મનોરંજનનું લેવલ ઓછું થવા દેતી નથી.

ઇન્સાફ કૌન કરેગા

મોટા ભાગની કોર્ટરૂમ ડ્રામા ફિલ્મોમાં હોય છે એવી જ સ્ટોરી અહીં છે. એક તરફ છે પૈસા અને પાવરના હાથીની અંબાડીએ બેઠેલા લોકો. બીજી તરફ છે એ જ હાથી નીચે કચડાઈ જનાર ભારતનો કોઈ પણ આમઆદમી. એક જ આશા છે, સાડાત્રણ કરોડ કેસોના ભાર નીચે દબાયેલી આપણી કોર્ટ. પરંતુ ત્યાં પણ એ જ સ્થિતિ, મની પ્લસ મસલ પાવરથી આરોપી છટકી જાય. તો છે કોઈ તેમને બચાવનાર? જી હા. એન્ટર, જગદીશ્વર મિશ્રા ઉર્ફ જૉલી (અક્ષયકુમાર). એક મોટા ઍડ્વોકેટને ત્યાં પટાવાળા બનીને રહી ગયેલા જૉલીને પણ ઇચ્છા છે કે તેય તે નામીચો વકીલ બને. પરંતુ તેનો સ્વાર્થ તેના અંતરાત્મા પર એવો ઘા કરે છે કે તે અંબાડીએ બેઠેલા લોકોની સામે જીવના જોખમે બાથ ભીડવા તૈયાર થઈ જાય છે. તમને શું લાગે છે, તે નિષ્પક્ષ ન્યાય અપાવી શકશે? સોચ લો ઠાકુર. તેમના હરીફ વકીલ પ્રમોદ માથુર (અન્નુ કપૂર) પહોંચેલી માયા છે, જ્યારે જસ્ટિસ સુંદરલાલ ત્રિપાઠી (સૌરભ શુક્લા) માટે કહેવાય છે કે તે ભલે ટેડી બેર જેવા દેખાતા હોય, પણ ખડૂસ આદમી છે. ચુકાદો જાણવા માટે તમારે બસ બે કલાક અને ૧૮ મિનિટ જ ઇન્વેસ્ટ કરવાની છે.

મેરે કાબિલ દોસ્ત

‘જૉલી LLB’ના સાચા હીરો હતા રાઇટર-ડિરેક્ટર સુભાષ કપૂર. અહીં એની સીક્વલમાં પણ તેમના રાઇટિંગ, ડીટેલિંગ અને તમામ કલાકારો પાસેથી લીધેલી ઍક્ટિંગ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ તો સુભાષ કપૂરને જ આપવો પડે. તેમણે સર્જેલું જૉલી એક એવું પાત્ર છે જે મહkવાકાંક્ષી છે, ભયંકર પ્રૅક્ટિકલ છે અને કોઈનું કરી નાખવામાં તેનું રૂવાંડુંય ન ફરકે એવો સ્ટ્રીટસ્માર્ટ લુચ્ચો છે. ફિલ્મની શરૂઆતમાં જ ડિરેક્ટરે આ વાત આપણને ર્બોડની પરીક્ષાના માસ કૉપીઇંગ સીનમાં બતાવી દીધી છે. જો આપણી અંદર સહેજ પણ પ્રામાણિકતા બચી હોય તો એ સીન જોઈને હાય-હાય નીકળી જાય, પરંતુ બે વર્ષ પહેલાં બિહારથી આવેલાં સામૂહિક ચોરી કરો અભિયાનનાં દૃશ્યો યાદ કરીએ એટલે થાય કે વાસ્તવિકતા આનાથી કંઈ ખાસ અલગ તો નથી જ.

સુભાષ કપૂરે જે કોર્ટ અને એનાં પાત્રો સરજ્યાં છે એ આપણે જોવા ટેવાયેલા છીએ એનાથી ક્યાંય અલગ અને વધુ રિયલ છે. તેમાં ટિપિકલ કોર્ટરૂમ ટર્મિનોલૉજીની ફેંકાફેંક નથી. અત્યંત ગંભીર વાત છતાં એક હળવો ટોન સતત બરકરાર રહે છે. અહીં કોર્ટ ફાઇલોથી લદાયેલી છે, ખુદ જજ માટે લાઇટિંગની યોગ્ય વ્યવસ્થા નથી. એ જજ (ધ બેસ્ટ સૌરભ શુક્લા) પણ દિલ્હીથી ટ્રાન્સફર થઈને આવ્યા છે. તે સતત મજાકમસ્તીના મૂડમાં હોય છે. દીકરીનાં લગ્નમાં કરવાનો ડાન્સ કરતાં-કરતાં કે ક્યારેક જૉગિંગ કરતાં-કરતાં કોર્ટમાં પ્રવેશે છે. ડ્રાયફ્રૂટ્સ અને હાર્ટની ગોળીઓ ગળતા રહે છે. દર થોડી વારે ટેબલ પરના છોડને પાણી આપતા રહે છે. દીકરીનાં લગ્નની કંકોતરીનું પ્રૂફરીડિંગ પણ કોર્ટમાં બેસીને જ કરે છે, પરંતુ ભયંકર અનપ્રિડિક્ટેબલ છે. કોઈની સાડાબારી રાખતા નથી અને પોતાની કોર્ટમાં પોતાના સિવાય કોઈનેય હાવી થવા દેતા નથી. જસ્ટિસ ત્રિપાઠીનું અત્યંત બારીક ડીટેલિંગથી લખાયેલું પાત્ર અને એમાં સૌરભ શુક્લાનો ટેરિફિક પર્ફોર્મન્સ આ ફિલ્મનું સૌથી બેસ્ટ પાસું છે.

સીક્વલમાં અર્શદ વારસીની જગ્યાએ અક્ષયકુમારને લેવાનો નર્ણિય પૂરેપૂરો માર્કેટ-ઓરિએન્ટેડ હોવાનું દેખાઈ આવે છે. અક્ષયના ચાહકોને કદાચ નહીં ગમે, પરંતુ સૌરભ શુક્લા અને બમન ઈરાની જેવા ધરખમ અદાકારોની વચ્ચે ઘેરાયેલા હોવા છતાં અર્શદે અલગ તરી આવવા માટે પોતાનો અવાજ ઊંચો કરવાની જરૂર નહોતી પડી. અહીં અક્ષયે એ જ સૌરભ શુક્લા અને અન્નુ કપૂરની વચ્ચે પોતે સ્ટાર છે એ પુરવાર કરવા માટે સતત ઘોંઘાટ કરતા રહેવું પડે છે. જ્યારે એ જ સીનમાં ઊભેલા અન્નુ કપૂર પણ પોતાની સ્ટાઇલમાં ડાયલૉગ બોલે છે અને સીન ખાઈ જાય છે.

જૉલી-૧માં હિટ ઍન્ડ રન કેસ હતો, જ્યારે અહીં ફેક એન્કાઉન્ટર છે. એ સિવાય લગભગ સરખા જ રસ્તેથી પસાર થતી આ ફિલ્મ સુભાષ કપૂરનાં બારીક કોતરણીવાળાં પાત્રોને લીધે જીવંત લાગે છે. અક્ષયનો લુક હોય, સતત પાન ખાવાને લીધે લાલ થયેલા દાંત હોય, દારૂ પીતી વખતે તે જનોઈ કાન ઉપર ચડાવતો હોય, બહાર ગામનું કરી નાખતો હોય પણ ઘરે પત્નીથી થોડો ડરતો હોય અને તેને રસોઈ બનાવીને જમાડતો હોય, પત્ની પણ બ્રૅન્ડેડ કપડાંની દીવાની હોય, આલ્કોહૉલિક હોય, પહોંચેલા વકીલને ત્યાં ઇન્ટરનેટ-કેબલની જેમ કેસ લડવાનાં પણ અલગ-અલગ પૅકેજ હોય, કોર્ટમાં ચેમ્બરોની સોદાબાજી થતી હોય અને ખર્ચો કાઢવા માટે વકીલો સાઇડમાં પાન બનાવીને પણ વેચતા હોય, ક્યાંક ઘૂંઘટ ઇલેવન વર્સસ બુરખા ઇલેવનની ક્રિકેટ-મૅચ ચાલતી હોય... આ બધાને લીધે ફિલ્મ એકદમ ભરચક લાગે છે અને એની ઘણી ત્રુટિઓ ઢંકાઈ જાય છે. જેમ કે ફિલ્મનાં ગીતો અત્યંત નબળાં છે અને ફિલ્મની ગતિને ભયંકર રીતે બ્રેક મારે છે. કેસમાં અહીં-તહીંથી નવાં-નવાં પાત્રો આવતાં રહે છે અને ગાયબ થતાં રહે છે, જેમાં ખાસ ટેન્શન અનુભવાતું નથી.

જ્યાં-જ્યાં હીરોનો પનો ટૂંકો પડતો લાગે ત્યાં-ત્યાં કોઈ નવું પાત્ર હાજર કરીને થીગડું મારી દેવાયું છે. વધુપડતી હળવાશ ઊભી કરવાની લહાયમાં ફિલ્મ ખાસ્સી ઓવર-ડ્રામેટિક પણ બની ગઈ છે. ગીતો અને અમુક સીન કાપીને આ ફિલ્મને ચુસ્ત બનાવવા જેવી હતી.

મુખ્ય પાત્રો ઉપરાંત કુમુદ મિશ્રા, માનવ કૌલ, સયાની ગુપ્તા, ઇનામુલ હક, વિનોદ નાગપાલ, બ્રિજેન્દ્ર કલા, ગુરપાલ, રાજીવ ગુપ્તા અને સંજય મિશ્રા જેવા પોણો ડઝન કલાકારો છે. સ્વાભાવિક છે, બધાને યોગ્ય ફુટેજ મYયું નથી. જૉલી-૧માં અર્શદના અંતરાત્માને ઢંઢોળવાનું કામ હિરોઇન અમિþતા રાવનું હતું, જ્યારે આ જૉલી પાર્ટ ટૂ તો સ્ટાર છે એટલે તેનો અંતરાત્મા જગાડવા માટે કોઈ ડિવાઇન ઇન્ટરવેન્શન જોઈએ. આમાં જ હુમા કુરેશીના ભાગે એક પણ નક્કર સીન નથી આવ્યો. પહોંચેલા વકીલની ભૂમિકામાં અન્નુ કપૂર પર્ફેક્ટ છે, પરંતુ જે ખૌફ બમન ઈરાનીએ ઊભો કરેલો એ અન્નુ કપૂરમાં નથી દેખાતો. ઓવરઑલ ભયનો જે ઓથાર ‘પિંક’માં હતો એ પણ અહીં ગાયબ છે. શાહરુખ-સલમાન-સની દેઓલથી લઈને આલિયા ભટ્ટ અને ઓરિજિનલ જૉલીને પણ ડિરેક્ટર સુભાષ કપૂરે હ્યુમરસ અંજલિઓ આપી છે. જોકે ગનીમત છે કે જૉલી-૨નો કોર્ટરૂમ ડ્રામા ‘રુસ્તમ’ની જેમ સાવ ફારસ નથી બની ગયો.

મઝા-એ-મનોરંજન

‘જૉલી LLB ૨’ એક બુદ્ધુ, શીખાઉ, ચલતા પુર્જા‍ ટાઇપ વકીલનું માનવતાવાદી અને પ્રામાણિક લડવૈયામાં રૂપાંતર બતાવતી સ્ટોરી હોવી જોઈતી હતી, એને બદલે એક સ્ટાર કેવી રીતે જીવનું જોખમ ખેડીને હીરો બને છે એ વાત જ આ ફિલ્મમાંથી બહાર આવે છે. એટલે આપણા ન્યાયતંત્ર પર અમુક યોગ્ય કમેન્ટ્સ અને હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના મેસેજને બાદ કરતાં આ ફિલ્મ મેઇનસ્ટ્રીમ મનોરંજન માટે જ જુઓ તો વધુ બહેતર રહેશે.