ફિલ્મ-રિવ્યુ - જય મમ્મી દી : જબરદસ્તીની કૉમેડી

18 January, 2020 02:09 PM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ-રિવ્યુ - જય મમ્મી દી : જબરદસ્તીની કૉમેડી

જય મમ્મી દી

‘પ્યાર કા પંચનામા’, ‘પ્યાર કા પંચનામા 2’ અને ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ જેવી ફિલ્મોને ડિરેક્ટ કરનાર લવ રંજને ‘જય મમ્મી દી’ને પ્રોડ્યુસ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મમાં ‘પ્યાર કા પંચનામા 2’માં જોવા મળેલાં સની સિંહ અને સોનાલી સેહગલ લીડ રોલમાં જોવા મળ્યાં છે. સુપ્રિયા પાઠક અને પૂનમ ઢિલ્લન આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળી રહ્યાં છે. પૂનમ ઢિલ્લન ઘણાં વર્ષો બાદ ફરી ફિલ્મમાં જોવા મળી છે.

બાળપણની ખાસ મિત્રો લાલી (સુપ્રિયા પાઠક) અને પિન્કી (પૂનમ ઢિલ્લન) વચ્ચે કૉલેજમાં દુશ્મની થાય છે અને તેઓ વાત-વાતમાં એકબીજાની સાથે ઝઘડતાં જોવા મળે છે. લાલીનો દીકરો પુનીત (સની) અને પિન્કીની દીકરી સાંજ (સોનાલી) એકમેકને પ્રેમ કરતાં હોય છે. તેઓ વીક-એન્ડ પર ફૅમિલીની સામે ઝઘડવાની ઍક્ટિંગ કરતાં હોય છે અને સ્કૂલ અને કૉલેજમાં વીક ડે દરમ્યાન પ્રેમ કરતાં હોય છે. કૉલેજ બાદ સાંજ જ્યારે લગ્ન માટે પુનીતને પ્રપોઝ કરે છે ત્યારે તે ડરીને ભાગી જાય છે અને બ્રેકઅપ થઈ જાય છે. સાંજનાં લગ્ન નક્કી થઈ જાય છે અને દેખાદેખીમાં પુનીતની મમ્મી પણ તેના દીકરાનાં લગ્ન નક્કી કરી દે છે. આ લગ્ન નક્કી થયા બાદ તેઓ હજી પણ એકબીજાને પ્રેમ કરતાં હોવાનો અહેસાસ થાય છે. તેઓ લગ્ન કરવા માગે છે, પરંતુ તેમની ફૅમિલી તૈયાર ન હોવાથી સિયાપ્પા થાય છે. જોકે આ સિયાપ્પા ખૂબ જ બોરિંગ છે.

ફિલ્મને નવોદિત ડિરેક્ટર નવજોત ગુલાટીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને ડિરેક્ટ કરવાની સાથે સ્ટોરી પણ નવજોત ગુલાટીએ લખી છે. તેના ડિરેક્શનમાં જેટલી ખામી છે એટલી જ ખામી ફિલ્મની સ્ટોરીમાં પણ છે. ફિલ્મની શરૂઆત ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે જ્યાં દિલ્હીમાં થનાર ભવ્ય લગ્ન દેખાડવામાં આવે છે, પરંતુ ત્યાર બાદ સ્ટોરી ફ્લૅટ પડી જાય છે. ફિલ્મમાં એક પણ પાત્રને સારી રીતે લખવામાં નથી આવ્યું. તેમ જ ડિરેક્શન પણ કોઈ શિખાઉએ કર્યું હોય એ દેખાઈ આવે છે. દૃશ્યો પણ જબરદસ્તીનાં નાખવામાં આવ્યાં છે. સ્ક્રીનપ્લે પણ ખૂબ જ કંગાળ છે અને ઇન્ટરવલ પહેલાંના પાર્ટમાં તો કોઈ સ્ટોરી જ નથી. સેકન્ડ હાફમાં થોડો ચેન્જ આવે છે, પરંતુ ત્યાં સુધી ફિલ્મ બોરડમનું લેવલ પાર કરી જાય છે. ફિલ્મને ટૂંકી બનાવવામાં આવી છે, પરંતુ એમ છતાં એ બોરિંગ છે.

‘પ્યાર કા પંચનામા’, ‘પ્યાર કા પંચનામા 2’ અને ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ જેવી ફિલ્મો માટે જાણીતા લવ રંજનની ફિલ્મમાં ડાયલૉગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. જોકે આ ફિલ્મમાં વન-લાઇનર્સનો દુકાળ પડ્યો છે. ગણીગાંઠી વન-લાઇનર્સ છે, પરંતુ એ પણ એટલી ફની નથી. કૉમેડી ફિલ્મ બનાવવા કરતાં ‘જબરદસ્તીની કૉમેડી’ ફિલ્મ વધુ લાગે છે. એક વાત તો ચોક્કસ છે કે આવી ફિલ્મો બનાવવી દરેકના બસની વાત નથી.

સની સિંહને તેની અગાઉની ફિલ્મમાં લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો, પરંતુ આ ફિલ્મમાં તેનાં એક્સ્પ્રેશન Aથી લઈને Z સુધી એકસરખાં જ છે. આમ છતાં તેણે ફિલ્મને પોતાના ખભા પર લઈને ચાલવાની કોશિશ કરી છે, પરંતુ સ્ટોરી અને ડિરેક્શન એટલાં કંગાળ છે કે ખુદ ગબ્બર પણ એને નહીં બચાવી શકે. ગબ્બરથી યાદ આવ્યું કે લાલી અને પિન્કીને અનુક્રમે ગબ્બર અને મોગેમ્બો કહીને બોલાવવામાં આવે છે. જોકે તેમનાં પાત્રને એ રીતે લખવામાં તો નથી જ આવ્યાં, પરંતુ એ મુજબની તેમની ઍક્ટિંગ પણ નથી. ટૅલન્ટેડ ઍક્ટ્રેસિસની ઍક્ટિંગને મેલોડ્રામા બનાવી દેવામાં આવી છે. સોનાલીને ખૂબ જ સારો સ્ક્રીન-ટાઇમ મળ્યો હતો, પરંતુ ગ્લૅમરસ દેખાવા સિવાય તેની પાસે કંઈ હોય એવું લાગતું નથી. દરેક પરિસ્થિતિમાં તેનાં એક્સપ્રેશન એક જ સરખાં છે.

ફિલ્મની સ્ટોરી, ડિરેક્શન અને ઍક્ટિંગની સાથે સૉન્ગમાં પણ ખાસ મજા નથી. ‘લમ્બોર્ગિની’ને બાદ કરતાં એક પણ ગીતમાં દમ નથી અને એ ફિલ્મને લાંબી ખેંચવા સિવાય બીજું કંઈ નથી. જોકે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ‘લમ્બોર્ગિની’ પણ એન્ડ- ક્રેડિટમાં છે અને એથી જ ફિલ્મને બોરિંગ બનતી અટકાવવામાં એ મદદ નથી કરી શકતું.

film review movie review poonam dhillon bollywood movie review bollywood bollywood news