Fake ગર્લફ્રેન્ડ

20 May, 2017 07:01 AM IST  | 

Fake ગર્લફ્રેન્ડ

હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

ચેતન ભગતનાં પુસ્તકોની ટીકા કરીને ઇન્ટેલેક્ચ્યુઅલ દેખાવું એ ઘણાબધા લોકોનો ફેવરિટ પાસટાઇમ છે. પરંતુ ચેતનભાઉ નબળી નવલકથા લખે અને પોતે જ પૈસા ઓરીને એના પરથી PVCની પાઇપ જેવી આર્ટિફિશ્યલ અને ખોખલી ફિલ્મ પ્રોડ્યુસ કરે ત્યારે તેના પ્રશંસકો પણ કોપભવનમાં બિરાજમાન થઈ જાય. આમ તો આ ફિલ્મનું પૂરું નામ કોઈ રેડિયો જાહેરખબર જેવું હાફ ગર્લફ્રેન્ડ, દોસ્ત સે ઝ્યાદા ગર્લફ્રેન્ડ સે કમ એવું છે. પરંતુ આખી ફિલ્મમાં એટલીબધી નકલી લાગે એવી બેતુકી વાતો ભરી છે કે ફિલ્મનું નામ બદલીને Fake ગર્લફ્રેન્ડ - ફિલ્મી ઝ્યાદા દિમાગ સે કમ કરી દેવા જેવું હતું.

હાફ હાર્ટેડ લવ-સ્ટોરી   

મોટા ભાગના લોકોએ ચેતન ભગતની નવલકથા ‘હાફ ગર્લફ્રેન્ડ’ વાંચી જ હશે. છતાં ઘણા એવા ખુશનસીબ લોકો હશે જેઓ આ બુક વાંચવાથી વંચિત રહ્યા હશે. તેમના લાભાર્થે તેમને ફિલમમાં શું સહન કરવાનું છે એની ઝલક : બિહારના સિમરાવ ગામના રાજવી પરિવારનો ફરજંદ માધવ ઝા (અર્જુન કપૂર) સોશ્યોલૉજીમાં BA કરવા માટે દિલ્હીની મશહૂર કૉલેજમાં ઍડ્મિશન લે છે. એક પણ પિરિયડ ભર્યા પહેલાં તેને રિયા સોમાણી (શ્રદ્ધા કપૂર) નામની કૉલેજની સૌથી હૉટ છોકરી સાથે ઇશકવા થઈ જાય છે. મમ્મીને ફોન કરીને પણ કહી દે છે કે આપણી લાઇફ સેટ છે હવે. રિયા તેની સાથે બાસ્કેટબૉલ રમે છે, ડિનર પર-ફિલ્મ જોવા જાય છે, દારૂ પીવે છે, પપ્પીઓ કરે છે, તેની રૂમમાં આરામ કરવા પણ આવે છે. છતાં એક ભેદી ફૉમ્યુર્લાછ કાઢીને કહે છે કે તે તેની હાફ ગર્લફ્રેન્ડ છે. એક દિવસ તે તેને કંકોતરી આપીને ગાયબ થઈ જાય છે. પછી બેએક વર્ષ પછી ડૉલ્ફિનની જેમ ફરી સપાટી પર આવે છે અને એ જ રીતે ગાયબ થઈ જાય છે. આ બાજુ માધવ રિયા ક્યાંય નથી જીવનમાં ગાતો-ગાતો તેને શોધવા નીકળે છે.

દોસ્તી માઇનસ પ્યાર બરાબર કંટાળો

‘૩ ઇડિયટ્સ’ વખતે રાજુ હીરાણી ઍન્ડ કંપનીએ ચેતન ભગતને ફિલ્મમાં યોગ્ય ક્રેડિટ નહોતી આપી અને ચેતને જબરી રડારોળ મચાવેલી. આજે આઠ વર્ષ પછી એ જ ચેતન ભગતે પોતાની જ બુક પરથી બનેલી ફિલ્મ કો-પ્રોડ્યુસ પણ કરી છે એટલું જ નહીં, ટાઇટલમાં ચાર અને એન્ડમાં એક એમ કુલ પાંચ વખત ક્રેડિટ પણ લીધી છે. કહ કે લૂંગા એ આનું નામ. થૅન્ક ગૉડ કે નવલકથાની જેમ ચેતનભાઈએ પોતાની ફિલ્મમાં મહેમાન ભૂમિકા નથી કરી. પરંતુ ચેતન ભગતની એ નવલકથામાં જે કાગળ પર એ છપાઈ હતી એ સિવાયનું કશું જ અસલી નહોતું. હવે એમાં ઉમેરો કરવા માટે ડિરેક્ટર મોહિત સૂરિએ પોતાનો યથાશક્તિ ફાળો આપ્યો છે.

આ ફિલ્મમાં રહેલી તદ્દન ફેક બાબતોની યાદી બહુ મોટી છે. લિસ્ટ આ રહ્યું : શ્રદ્ધા કપૂરની બાર્બી ડૉલ છાપ ક્યુટનેસ, તેનું ગિટાર ખંજવાળવું, ગાતી વખતે તેના ફફડતા હોઠ અને તેનું બૉટલથી પાણી પીવું (જેમાં હોઠ સિવાયનો એકેય સ્નાયુ હલે નહીં), સાવ ટૂંકાં લગભગ પારદર્શક નાઇટવેઅર પહેરીને તેણે રમેલું શીખાઉ બાસ્કેટબૉલ, તેનાં મમ્મી-પપ્પાની હિંસક મગજમારી, શ્રદ્ધાએ અર્જુનને કરેલી બરફગોળો ચૂસતી હોય એવી ઑર્ગેનિક કિસ, અર્જુન કપૂરની ચાઇનીઝ માલ જેવી બિહારી બોલી, તેનું ખોટેખોટું બોલાયેલું ખોટું ઇંગ્લિશ, તેના કાલ્પનિક ગામની સ્કૂલ- જ્યાં સ્કૂલ એકદમ ચકાચક તાજી પેઇન્ટ કરેલી હોય પણ એમાં ટૉઇલેટ જ ન બનાવેલું હોય, દિલ્હીની કૉલેજના કાર્ટૂન જેવા ઇન્ટરવ્યુઅરો, સવારે ૯-૨૦એ વાગતા ઘડિયાળના ડંકા, અર્જુન કપૂરની બકવાસ ઇંગ્લિશમાં બોલાયેલી સ્પીચ અને એ સાંભળીને ખાલીખોટા ઇમ્પ્રેસ થયેલા નકલી બિલ ગેટ્સ. જી હા, આ ફિલ્મનું સૌથી ફેક અને હાસ્યાસ્પદ પાત્ર છે માઇક્રોસૉફ્ટના સર્વેસર્વા બિલ ગેટ્સ. ફિલ્મમાં કોઈ વાઇટ કલાકારને ચશ્માં પહેરાવીને તેના મોં પર બિલ ગેટ્સનો ચહેરો ચોંટાડી દીધો છે. એ ચહેરો જાણે સ્ટિકર ચોંટાડ્યું હોય એવો તદ્દન કાટૂર્નિનશ, ડરામણો અને ગંદો લાગે છે. આના કરતાં તો કોઈ સસ્તી ભોજપુરી ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ કે સ્નૅપચૅટનું ફેસ સ્વૉપ ફીચર વધુ વાસ્તવિક લાગે. જો સ્કૂલમાં ટૉઇલેટ બનાવવા માટે ફન્ડ જોઈતું હતું તો અત્યારે દેશભરમાં ચાલી રહેલી સ્વચ્છ ભારત મિશન ઝુંબેશ હેઠળ બનાવાયને? એમાં બિલ ગેટ્સને હેરાન કરવાની ક્યાં જરૂર હતી?

ચેતન ભગતે એક ગિમિક તરીકે અને પોતાની નવલકથાઓને એક આંકડાથી શરૂ કરવા માટે હાફ ગર્લફ્રેન્ડનું નામકરણ કરેલું. નવલકથામાં તો એ હજીયે જસ્ટિફાય થયેલું, પરંતુ અહીં જ્યારે રિયા માધવને મળવા માટે બાલ્કની કૂદી જતી હોય, આખો વખત તેની સાથે જ રહેતી હોય, આગળ કહ્યું એમ તેને કિસ કરતી હોય, તેની સાથે તેની બૉય્ઝ હૉસ્ટેલની રૂમમાં (બારી ખુલ્લી હોવા છતાં) સૂવા આવતી હોય, પોતાના પેરન્ટ્સને પણ મળાવતી હોય છતાં તે કહે કે ભૂમિતિમાં લખ્યા પ્રમાણે હું તો તારી હાફ ગર્લફ્રેન્ડ જ છું તો એ કોના ગળે ઊતરે?

સદા હું ક્યુટ છું એવા હાવભાવ લઈને ફરતી શ્રદ્ધા કપૂર જે રીતે દરેક ફિલ્મમાં ભરતડકે પણ વરસાદ લાવતી ફરે છે એ જોતાં તેને દર ઉનાળે ભારતભ્રમણ કરાવવું જોઈએ. દેશની પાણીની સમસ્યા ચૂટકિયોં મેં દૂર થઈ જાય. બીજા જ દૃશ્યથી છેક સવાબે કલાક છેટેના ક્લાઇમૅક્સ સુધીનું ક્લિયર જોઈ શકાય એટલી આ ફિલ્મ પ્રિડિક્ટેબલ છે. પરંતુ ડાઇજેસ્ટિબલ નથી. ફૉર એક્ઝામ્પલ, આટલી પ્રચંડ સિક્યૉરિટી છતાં લડકા-લડકી માત્ર હૅન્ગઆઉટ કરવા માટે ઇન્ડિયા ગેટની ઉપર કઈ રીતે ચડી શકે? એ પણ વારંવાર. શ્રદ્ધાની મદદથી અર્જુન કપૂર અંગ્રેજી શીખે અને કિન્ડર ગાર્ટનના વિદ્યાર્થી જેવી સ્પીચ આપે ને એ સાંભળીને બિલ ગેટ્સ પાંચ વર્ષમાં એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે એ જેટલું અપથ્ય છે એના કરતાં ક્યાંય વધુ અનકન્વિન્સિંગ વાત એ છે કે એવા ડબ્બુને અમરિકામાં યુનાઇટેડ નેશન્સની ઇન્ટર્નશિપ પણ મળી જાય.

જોકે ગણિતના પેપરમાં ખોટા જવાબ છતાં સ્ટેપ્સના માર્ક આપવા પડે એ રીતે થોડીક સારી બાબતો પણ છે. જેમ કે અહીં સ્ટોરી સતત આગળ-પાછળ ભટક્યા કરે છે, પરંતુ એક પુસ્તક પરથી ફિલ્મ બનાવી છે એવો ભાર વર્તાતો નથી. એક સળંગ દૃશ્યમાં ચાલતાં- ચાલતાં ત્રણ ઋતુઓ બદલાઈ જાય એ દૃશ્ય ખરેખર ઇન્ટેલિજન્ટ છે. અર્જુન કપૂરની ઍક્ટિંગ તો પ્લાયવુડને પણ હંફાવી દે એવી નૅચરલ છે. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચે છે તેનો દોસ્ત શૈલેશ બનતો ઍક્ટર વિક્રાંત મેસી. તે હૅન્ડસમ તો છે જ પ્લસ તેનો ચહેરો પણ અંદર ચાલતા હાવભાવ કળી શકાય એવો પારદર્શક છે. ભારે કુશળતાથી તેણે બિહારી અને અંગ્રેજી બોલીના ટ્રૅક ચેન્જ કર્યા છે. પૂરી ફિલ્મમાં શ્રદ્ધા જેટલી નૅચરલ નથી લાગી તેના કરતાં ક્યાંય વધુ સ્વાભાવિક, હૉટ અને ભાવવાહી નાનકડા રોલમાં રિયા ચક્રવર્તી લાગી છે. વરિષ્ઠ અદાકારા સીમા બિસ્વાસના ભાગે સ્કૂલનું રજિસ્ટર છાતીસરસું ચાંપીને ફરવા સિવાય કશું જ નથી આવ્યું.

કર્ણપ્રિય મ્યુઝિક મોહિત સૂરિની ફિલ્મોનું મજબૂત પાસું રહ્યું છે. આ ઢીલી ફિલ્મમાં પોણો ડઝન જેટલાં ગીતો છે એટલે કમર્શિયલ બ્રેકની જેમ વારે-વારે ટપકી પડે છે. મોટા ભાગનાં સૉન્ગ્સ એકસરખાં જ લાગે છે. એમાંનાં બારિશ અને અરિજિતે ગાયેલું ફિર ભી તુમકો ચાહૂંગા થોડા સમયમાં દેશભરની ટૅક્સીઓમાં વાગતાં થઈ જશે.

નો મીન્સ નો

‘પિંક’માં બચ્ચનસાહેબ કહી-કહીને થાકી ગયા કે છોકરી ના પાડે એટલે છોકરાએ સમજીને અટકી જવાનું હોય. અહીં રિયા માધવને વારંવાર ના પાડીને જતી રહે છે, પરંતુ આ મહાશય તેનો પીછો છોડતા જ નથી. આવી હેરાનગતિને અંગ્રેજીમાં સ્ટૉકિંગ કહે છે, જે અત્યારના સંજોગોમાં આપણી ફિલ્મોમાં પ્રમોટ ન જ થવું જોઈએ. આમ તો આવી ચવાયેલી સ્ટોરી ધરાવતી ફિલ્મો પણ ન બનવી જોઈએ. પરંતુ દેશ સ્વતંત્ર છે એટલે આપણે શું કરવું એ આપણને ખ્યાલ છે.