ફિલ્મ-રિવ્યુ : સ્ટુડન્ટ ઑફ ધ યર - પૈસા પડી ગયા એવી ફીલિંગ કરાવે

20 October, 2012 06:50 AM IST  | 

ફિલ્મ-રિવ્યુ : સ્ટુડન્ટ ઑફ ધ યર - પૈસા પડી ગયા એવી ફીલિંગ કરાવે



કરણ જોહરે ડિરેક્ટ કરેલી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ની વાર્તા બોર્ડિંગ સ્કૂલમાં ભણતાં શનાયા (આલિયા ભટ્ટ), રોહન (વરુણ ધવન) અને અભિમન્યુ સિંહ (સિદ્ધાર્થ મલ્હોત્રા)ની સ્ટોરી છે.  ફિલ્મમાં એક ડાયલૉગ છે જેમાં અભિમન્યુ સ્કૂલમાં હૉટ ગણાતી શનાયાને કહે છે કે ‘તુમ ઇતની ભી બેવકૂફ નહીં હો જિતની દિખતી હો.’ અભિમન્યુના આ ડાયલૉગથી શનાયા ઇમ્પ્રેસ થઈને તેના પ્રેમમાં પડી જાય છે. ફિલ્મની આ એક સિચુએશન આખી ફિલ્મનો ચિતાર આપવા માટે પૂરતી છે.

સૌથી પહેલાં તો એવી ફિલ્મને ગમાડવી અશક્ય છે જેમાં હિરોઇનને અનેક વખત ‘બ્રેઇનલેસ’ કહેવામાં આવી હોય અને એનાથી તેને કોઈ ફરક ન પડતો હોય. ફિલ્મ જોતાં લાગે છે કે શનાયા હંમેશાં કન્ફ્યુઝનમાં રહે છે. તે જ્યારે હૉસ્પિટલમાં કોઈની તબિયત પૂછવા જવું હોય તો કેવાં કપડાં પહેરવાં એ માટે કન્ફ્યુઝ રહે છે અને જ્યારે પ્રેમનો મામલો આવે છે ત્યારે દ્વિધા અનુભવે છે કે હંમેશાં બીજી છોકરીઓ સાથે ફ્લર્ટ કરતા ચાર વર્ષ જૂના બૉયફ્રેન્ડ રોહનને સાથ આપવો કે તેને બ્રેઇનલેસ, પણ સારી છોકરી ગણતા અભિમન્યુની પસંદગી કરવી.

ફિલ્મમાં દેહરાદૂનમાં આવેલી સેન્ટ ટેરેસા સ્કૂલના વિદ્યાર્થીઓની વાત છે. જોકે એમાં ક્યાંય શિક્ષણનો ઉલ્લેખ નથી. ફિલ્મનાં પુરુષપાત્રો હંમેશાં પોતાની સુપરટોન બૉડી અને મસ્ક્યુલર શરીર દેખાડવાનો પ્રયાસ કરતાં રહે છે, જ્યારે છોકરીઓનાં સ્કર્ટ તેમની બૅગ કરતાં પણ ટૂંકાં છે અને આ છોકરીઓ સતત અટેન્શન મેળવવા પુરુષપાત્રોની આસપાસ ફરતી રહે છે. સ્કૂલનો ડીન યોગેન્દ્ર વશિષ્ઠ (રિશી કપૂર) હોમોસેક્સ્યુઅલ હોય છે જે સ્કૂલના મૅરિડ કોચની પાછળ પડેલો હોય છે.

ફિલ્મમાં રોહન અને શનાયા ચાર વર્ષથી રિલેશનશિપમાં હોય છે, પણ તેમની સ્કૂલમાં અભિમન્યુનું આગમન થતાં આખી બાજી પલટાઈ જાય છે.  શનાયા બૉયફ્રેન્ડ રોહનને ઈષ્ર્યા થાય એ માટે પહેલાં અભિમન્યુ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરે છે, પણ ક્રમશ: તે તેના પ્રેમમાં પડી જાય છે. ધીરે-ધીરે અભિમન્યુ અને રોહન વચ્ચે સ્પર્ધાને કારણે અંતર વધતું જાય છે અને તેઓ અલગ પડી જાય છે. જોકે ડીનની બીમારીને લીધે તેઓ ફરી સાથે થઈ જાય છે.

ફિલ્મની વાર્તામાં ખાસ દમ નથી, પણ નવોદિતો પ્રૉમિસિંગ છે. ફિલ્મમાં આલિયાના ભાગે ખાસ કાંઈ કરવાનું નથી આવ્યું. તે સાવ વેડફાઈ ગઈ છે. વરુણ ધવન પ્રતિભાશાળી છે, પણ આ ફિલ્મ ખાસ સિદ્ધાર્થ માટે બનાવાઈ હોય એવું લાગે છે. ફિલ્મનો પહેલો ભાગ ફ્લૅશબૅકનાં ગીતોને કારણે વધુ પડતો ખેંચાઈ ગયો હોય એમ લાગે છે. એને લીધે બીજો ભાગ થોડો વધુ સહ્ય છે. આ ફિલ્મ ધાર્યા કરતાં બહુ ઓછી મનોરંજક છે. યુવાનોને આ ફિલ્મ થોડી ગમશે, પણ બાકી તો પૈસા પડી ગયા એવી જ લાગણી થશે.

- જાહ્નવી સામંત