ફિલ્મ રિવ્યુઃ રંગ રસિયા

07 November, 2014 10:25 AM IST  | 

ફિલ્મ રિવ્યુઃ રંગ રસિયા





ઓશો રજનીશ કહેતા કે કોઈ વસ્તુને કોઈનાથી છુપાવવી હોય તો એને બરાબર તેની નજર સામે જ મૂકી દો. વ્યંગમાં કહેવામાં આવેલી આ વાત આપણા વારસાની બાબતમાં કરુણ રીતે સાચી ઠરે છે. હૉલીવુડની ફિલ્મોના પ્રતાપે આપણે ત્યાં લોકો લિયોનાર્ડો દ વિન્સી વિશે જેટલું જાણતા હશે એના કરતાં હજારમા ભાગનું પણ ઓગણીસમી સદીના ધરખમ ભારતીય ચિત્રકાર રાજા રવિ વર્મા વિશે નહીં જાણતા હોય. કરોડો ભારતીયો કૅલેન્ડરમાં છપાયેલાં દેવી-દેવતાઓ તરીકે રોજિંદા ધોરણે તેમનાં ચિત્રો નિહાળે છે-પૂજે છે, પરંતુ એના સર્જક વિશે મુઠ્ઠીભર કલારસિકો સિવાય ભાગ્યે જ કોઈને ખબર હોય છે. ૨૦૦૮થી બનીને તૈયાર પડેલી કેતન મહેતાની ફિલ્મ ‘રંગ રસિયા’ ફાઇનલી છ વર્ષ પછી સેન્સર સાથેના સંઘર્ષ પછી રિલીઝ થઈ છે. સમયના કૅન્વસ પર રંગ, કળા, વિવાદ, વિચાર, શૃંગાર, ધર્મના લસરકા સાથેની આ ફિલ્મ સિનેમાના ચાહકોએ ચૂકવા જેવી નથી.

કળા V/S સંસ્કૃતિ

૧૮૪૮માં ત્રાવણકોર (કેરળ)માં જન્મેલા રાજા રવિ વર્મા (રણદીપ હૂડા) એક અત્યંત પ્રતિભાશાળી ચિત્રકાર હતા. તેમની કળા અને ઉપલબ્ધિઓથી ખુશ થઈને ત્રાવણકોરના મહારાજા (આશિષ વિદ્યાર્થી) તેમને ‘રાજા’ની પદવી આપે છે, પરંતુ મહારાજાના અવસાન પછી રાજગાદીએ બિરાજેલા તેના નાના ભાઈ (પ્રશાંત નારાયણન) સાથેના ખટરાગ અને પત્ની સાથેના સંબંધવિચ્છેદથી વ્યથિત રવિ વર્મા મુંબઈની વાટ પકડે છે. ત્યાં તે બરોડા સ્ટેટના દીવાન (સચિન ખેડેકર)ને ત્યાં રહે છે. અહીં તેમની મુલાકાત થાય છે સુગંધા (નંદના સેન) સાથે. તેનું અફાટ સૌંદર્ય રવિ વર્માને ચિત્રો બનાવવા માટે પ્રેરિત કરે છે. એ દરમ્યાન વર્મા બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને ત્યાં રહીને ભારતીય સંસ્કૃતિની ગાથાઓ આલેખતાં ચિત્રો બનાવવાનું બીડું ઝડપે છે. ભારતના ભવ્ય વારસાને પ્રત્યક્ષ નિહાળ્યા બાદ તે સુગંધાને પ્રેરણામૂર્તિ તરીકે રાખીને ભારતીય દેવી-દેવતાઓનાં ચિત્રો દોરે છે. આ જ ચિત્રોના જાહેર એક્ઝિબિશન દરમ્યાન રવિ વર્મા જુએ છે કે લોકોને તેમણે તૈયાર કરેલાં દેવી-દેવતાઓમાં સાક્ષાત્ ઈશ્વરનાં દર્શન થાય છે. એટલે વર્મા એક જર્મન પ્રિન્ટર ફ્રિટ્ઝ લાઇઝર (જર્મન અભિનેતા જિમ બીવન) સાથે મળીને એક પ્રેસ શરૂ કરે છે અને પોતાનાં ચિત્રોને જથ્થાબંધ સંખ્યામાં છાપીને દેશના ખૂણેખૂણામાં પહોંચાડવાનું નક્કી કરે છે.

આ જ અરસામાં રવિ વર્માએ દોરેલાં કેટલાંક નગ્ન ચિત્રો વિવાદ પકડે છે. જ્યારે હિન્દુ રક્ષા સમિતિના વડા પંડિત ચિંતામણિ (દર્શન જરીવાલા) તરફથી પણ તેમના પર કાયદેસર કેસ ચાલે છે કે આખરે ઈશ્વરનાં ચિત્રો બનાવવાની અને એનું વેપારીકરણ કરવાની અનુમતિ રવિ વર્માને કોણે આપી? આ કેસની સાથે જ કળા, અભિવ્યક્તિ, ધર્મ, સંસ્કૃતિના પણ સવાલો ઉપસ્થિત થાય છે.

દરેક સ્ટ્રોકમાં સિક્સર

આપણા ગુજરાતી ફિલ્મમેકર કેતન મહેતાએ રાજા રવિ વર્માના જીવન અને ત્યારના ભારતને સજીવન કરવામાં ભારે જહેમત ઉઠાવી છે. એને કારણે આ ફિલ્મ અલગ-અલગ ઘણાં કારણોસર મસ્ટ વૉચ મૂવીઝની કૅટેગરીમાં આવીને બેસે છે. જેમ કે...

કારણ ૧ - રાજા રવિ વર્માનાં

ચિત્રો : દેવી સરસ્વતી, લક્ષ્મીજી, રામાયણ-મહાભારતના પ્રસંગો, મેનકા દ્વારા વિશ્વામિત્રનો તપોભંગ, ઉવર્‍શી અને પુરુરવાની પ્રેમકહાણી, નળ-દમયંતી, યશોદા-બાલકૃષ્ણ, રાધા-કૃષ્ણ, દીવાન પર બેઠેલી સ્ત્રી વગેરે પ્રખ્યાત ચિત્રોનાં સર્જન પાછળની કથાઓ અત્યંત રોમાંચક છે. નંદના સેનને મૉડલ તરીકે રાખીને રીક્રીએટ થતાં આ ચિત્રો આપણી આંખ સામે સજીવન થઈ ઊઠે છે એ કળારસિકોનાં રૂંવાડાં ઊભાં કરી દેવા માટે સક્ષમ છે.

કારણ ૨ - આર્ટ ડિરેક્શન અને પ્રોડક્શન : પ્રોડક્શન ડિઝાઇનર નીતિન ચંદ્રકાંત દેસાઈ ફરી-ફરીને સાબિત કરતા આવ્યા છે કે આધુનિકતાની આપાધાપી વચ્ચે ઐતિહાસિક ભારત ખડું કરવામાં તેમનો જોટો જડે એમ નથી. અહીં પણ તેઓ જાણે આપણને ટાઇમટ્રાવેલ કરાવતા હોય એમ તેમણે ઓગણીસમી સદીનું મુંબઈ, કેરળ ખડું કરી દીધું છે. આખી ‘રંગ રસિયા’ ફિલ્મમાં ત્યારનાં શહેરો, લોકોના પહેરવેશ, વાહનવ્યવહાર, રીતરિવાજો, માન્યતાઓ, દક્ષિણ ભારતની માતૃપ્રધાન સમાજવ્યવસ્થા વગેરે આપણી સામે આંખ મરડીને બેઠાં થઈ જાય છે. નીતિન દેસાઈનું આર્ટ-ડિરેક્શન કહો કે કેતન મહેતાની કાબેલિયત કહો, આખી ફિલ્મ જાણે એક હાલતું-ચાલતું પેઇન્ટિંગ હોય એવું લાગે છે.

કારણ ૩ - સમાંતરે ચાલતી સંસ્કૃતિઓનો ઉદય : રાજા રવિ વર્મા જે કાલખંડમાં જીવી ગયા એ આપણી આઝાદી તથા પૂર્ણ સ્વરાજ્યની માગણીના, ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના, ફોટોગ્રાફી અને સિનેમાના, ભારતમાં સિનેમાનાં પગરણના સૂર્યોદયનો સમય હતો. એથી જ રવિ વર્માની વાર્તાની સાથોસાથ લોકમાન્ય ટિળક પૂર્ણ સ્વરાજ્યની માગણી કરતા હોય, દાદાભાઈ નવરોજી પણ સ્વતંત્રતાની વાત કરતા હોય, તાજી સ્થપાયેલી કૉન્ગ્રેસ ભાંખોડિયાંભર ચાલતી હોય, સ્ટિલ કૅમેરાથી ફોટા પડતા હોય, મૉડર્ન સિનેમાના શોધકો લુમિએર બ્રધર્સ મુંબઈની વૉટસન હોટેલમાં પોતાના સિનેમૅટોગ્રાફનું ડેમોન્સ્ટ્રેશન આપતા હોય, ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકે રવિ વર્માના અસિસ્ટન્ટ તરીકે કામ કરતા હોય (જોકે પરેશ મોકાશીની પ્રખ્યાત મરાઠી ફિલ્મ ‘હરિદ્રાચી ફૅક્ટરી’માં રાજા રવિ વર્માનો ઉલ્લેખ સુધ્ધાં નહોતો એ આશ્ચર્યજનક વાત છે.). આ બધું જ મુખ્ય વાર્તાની સમાંતરે ચાલતું રહે છે જે ફિલ્મના આનંદને ઑર નક્કર બનાવે છે.

કારણ ૪ - શૃંગાર રસ : સુષ્ઠુ-સુષ્ઠુ જોવા ટેવાયેલા આપણા દર્શકોને આઘાત લાગે એ રીતે કેતન મહેતાએ આ ફિલ્મમાં શૃંગારરસનું નિરૂપણ કર્યું છે. આપણી ફિલ્મોમાં કદાચ પહેલી જ વાર અહીં નારીદેહની ફ્રન્ટલ ન્યુડિટી દેખાઈ છે. આ જ કારણોસર કેતન મહેતાએ સેન્સર ર્બોડ સામે લાંબી ફાઇટ પણ કરી છે, પરંતુ આ નગ્નતા જરાય અશ્લીલ કે બીભત્સ નથી લાગતી, બલ્કે નખશિખ પ્રેમ અને શૃંગારિક લાગે છે. આ ફિલ્મમેકરની સફળતા છે.

કારણ ૫ - વૈચારિક દ્વંદ્વ : ‘રંગ રસિયા’ વર્તમાન સમયમાં રાજા રવિ વર્માનાં ચિત્રોની હરાજી વખતે ચાલી રહેલા હિંસક વિરોધથી શરૂ થાય છે અને બીજી જ સેકન્ડે એ ઓગણીસમી સદીમાં એવા તબક્કે પહોંચી જાય છે જ્યાં આ જ (ચિત્રોમાં નગ્નતાનાં) કારણોસર તેમના પર કાયદેસરની કાર્યવાહી ચાલેલી. આ જક્સ્ટાપોઝિશન છાપરે ચડીને કહી આપે છે કે ભલે સમય બદલાયો હોય, પરંતુ એક પ્રજા તરીકે આપણી માનસિકતા સહેજ પણ બદલાઈ નથી. વળી એ સમયની સંકુચિત ધાર્મિક માન્યતાઓના સંવાદો સાંભળીને આપણી અત્યારની ઑડિયન્સ હસે છે, પરંતુ કરુણતા એ છે કે એવા જ ધમાર઼્ધ ખ્યાલો આજે પણ જીવે છે, બલ્કે ઑર મજબૂત થઈ રહ્યા છે. ઉપરાંત ફિલ્મ આપણને એ વિચારતા કરી મૂકે છે કે શું વિશ્વમાં ધર્મ જ સૌથી વધુ વેચાય છે? શું આપણે આપણી કલ્પનાઓને પણ ભયના પાંજરામાં પૂરી દીધી છે? શું આપણી કામસૂત્ર અને ખજૂરાહોની મહાન સંસ્કૃતિ નારીદેહના પ્રદર્શન માત્રથી તૂટી જાય એટલી તકલાદી છે? આ ઉપરાંત એક કલાકાર-સર્જકનું તરંગીપણું, તેનાં નખરાં, તેનું ફ્રસ્ટ્રેશન, તેને થતી પ્રેરણાની પળો, દુનિયાદારીથી તેની અલિપ્તતા વગેરે બધું જ કેતન મહેતાએ આબેહૂબ ઝીલ્યું છે.

ચિત્રના કાળજે ડાઘ

આ ફિલ્મ એક અફલાતૂન ક્લાસિક કૃતિ બની શકી હોત, પરંતુ અમુક બાબતોએ એની આડે જાણે બર્લિન વૉલ ખડી કરી દીધી છે. ‘રંગ રસિયા’ ફિલ્મ મરાઠી સર્જક રણજિત દેસાઈની નવલકથા ‘રાજા રવિ વર્મા’ પરથી બનાવવામાં આવી છે, પરંતુ કોઈ સંભવિત વિવાદથી હાથ ધોઈ નાખવા માગતા હોય એમ કેતન મહેતાએ ફિલ્મની શરૂઆતમાં એવું કહીને હાથ ઊંચા કરી દીધા છે કે આ ફિલ્મ રાજા રવિ વર્માની સત્તાવાર બાયોપિક (જીવનવૃત્તાંત) નથી; પરંતુ ફિલ્મનાં સ્થળ-કાળ, પાત્રો બધું જ સાચકલાં છે. તો પછી એકે પ્રેક્ષક તરીકે આપણે હકીકત અને કલ્પના વચ્ચે ભેદરેખા ક્યાં દોરવાની? આ ચોખવટને કારણે તો સમગ્ર ફિલ્મની ઑથેન્ટિસિટી પર સવાલ ખડા થઈ જાય છે. ઘણી હકીકતો પણ ફિલ્મમાંથી ગાયબ છે. જેમ કે રવિ વર્માને બે ભાઈ અને એક બહેન હતાં, જ્યારે ફિલ્મમાં તેમને માત્ર એક ભાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેમને બે દીકરા અને ત્રણ દીકરીઓ પણ હતાં, પરંતુ ફિલ્મમાં આ બધાં જ ગાયબ છે. વળી ફિલ્મમાં રવિ વર્મા જે રીતે કામુક પુરુષ બતાવવામાં આવ્યા છે એવા તે વાસ્તવમાં હતા ખરા? આમાંથી કશાનો ઉત્તર ફિલ્મમાંથી નથી મળતો. ફિલ્મમાં એક પણ ઠેકાણે સાચા રવિ વર્માની તસવીર ડિસ્પ્લે કરવામાં નથી આવી.

અન્ય કસબીઓની કળા

રાજા રવિ વર્માના પાત્રમાં રણદીપ હૂડાએ તેના અભિનયની મર્યાદાઓ છતાં પાત્રમાં જીવ રેડી દીધો છે. મારકણી આંખોવાળી નંદના સેનની ડાયલૉગ ડિલિવરીમાં થોડા લોચા છે, પરંતુ તેણે જે રીતે બોલ્ડ દૃશ્યો આપ્યાં છે એ આંખો પહોળી કરી દે છે. ઉપરાંત ફિલ્મમાં રહેલા જથ્થાબંધ કલાકારો જેવા કે પરેશ રાવલ, દર્શન જરીવાલા, સચિન ખેડેકર, વિક્રમ ગોખલે, સુહાસિની મૂળે, આશિષ વિદ્યાર્થી, ચિરાગ વોરા, વિપિન શર્મા, ફેરિના વઝીર, રજત કપૂર વગેરે પણ તેમની જગ્યાએ પર્ફે‍ક્ટ લાગે છે. સંદેશ શાંડિલ્યનું જસ્ટ અબોવ ઍવરેજ મ્યુઝિક હોવા છતાં ફિલ્મનો ટાઇટલ ટ્રૅક અને ‘અનહદ નાદ જગા દે’ ગીતો ખરેખર સારાં બન્યાં છે. અહીં ખાસ ઉલ્લેખ અનિલ મહેતા ઉપરાંત ફિલ્મના બે વિદેશી સિનેમૅટોગ્રાફર્સ ક્રિસ્ટો બાકાલોવ અને રાલી રાલ્ત્સેવનો તથા કૉસ્ચ્યુમ ડિઝાઇનર્સનો પણ કરવો પડે.

જોઈ નાખો આ કલાકૃતિને જો તમને ખરેખર કશુંક હટકે માણવામાં રસ હોય અને ભારતીય વારસાને, એક મહાન ભારતીય ટૅલન્ટને પિછાણવાની ઇચ્છા હોય તો તમારે વહેલી તકે ‘રંગ રસિયા’ જોવા જવું જોઈએ. હા, ન્યુડિટીનાં દેખીતાં કારણોસર આ ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે એટલે બાળકોને તો ભૂલેચૂકે પણ સાથે રાખશો નહીં. સાથોસાથ તમારા દિમાગની ખિડકિયાં પણ ખુલ્લી રાખીને જજો.