જાણો કેવી છે ફિલ્મ રઈસ

26 January, 2017 01:19 AM IST  | 

જાણો કેવી છે ફિલ્મ રઈસ




જયેશ અધ્યારુ


આપણા ફિલ્મકારોએ કાલ્પનિક બાયોપિક નામનો એક નવો ફિલ્મપ્રકાર રજિસ્ટર કરાવવો જોઈએ, કેમ કે વાસ્તવિક વ્યક્તિ અને રિયલ લાઇફ ઘટનાક્રમ પર આધારિત હોવા છતાં હિન્દી બાયોપિક ફિલ્મો અંતે તો લાગે બાગે લોહીની ધાર, આપણા ઉપર નામ નહીં જેવા ડિસ્ક્લેમર સાથે જ રિલીઝ થાય છે. એમાં વધુ એક ઉમેરો એટલે રાહુલ ધોળકિયાની શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘રઈસ’. આ ફિલ્મ વિશેનું ઓપન સીક્રેટ એવું છે કે એ એંસી-નેવુંના દાયકામાં થઈ ગયેલા અમદાવાદના બૂટલેગર અબ્દુલ લતીફની લાઇફ પરથી બનાવાઈ છે. જો એવું ન હોય તોય આ ફિલ્મ વિશે જેટલો ગોકીરો મચ્યો છે એની સરખામણીમાં ખાસ્સી ઊણી ઊતરે છે.

ગાંધીના ગુજરાતમાં છાંટોપાણી

એંસીનો દાયકો છે. ગાંધીનગરની પડખેના મોટા શહેરના ફતેહપુરામાં એક ટાબરિયો રહે છે. ચશ્માંના નંબર ઉતાર્યા પછી એને સાફ દેખાવા માંડે છે કે ગુજરાતમાં બૂટલેગિંગથી બેસ્ટ ધંધો બીજો એકેય નહીં. સ્થાનિક બૂટલેગર જયરાજ (અતુલ કુલકર્ણી) માટે કામ કરતાં-કરતાં તે પોતે જ બની જાય છે બૂટલેગર-કમ-ડૉન રઈસ (શાહરુખ ખાન). પોતાના સાથીદાર સાદિક (મોહમ્મદ ઝીશાન ઐયુબ) સાથે મળીને ગુજરાતમાં ગેરકાયદે દારૂ ઘુસાડવાની તેની ટ્રકોમાં પંક્ચર પાડે છે નવા આવેલા પોલીસ-ઑફિસર જયદીપ અંબાલાલ મજમુદાર (નવાઝુદ્દીન સિદ્દીકી). ચશ્માં વગર પણ તેનું ફોકસ ક્લિયર છે કે રઈસની દારૂની નદીઓને ATM જેવી તળિયાઝાટક કરી નાખવી. એક બાજુ આ બન્નેની ચોર-પોલીસની ગેમ ચાલતી રહે છે તો બીજી બાજુ રઈસ પ્રેમમાં પડે છે, ગરબે રમે છે, ઇલેક્શન લડે છે અને ગરીબોનો મસીહા પણ બને છે. હવે એ દારૂ પીવાથી તેનું લિવર ખરાબ થાય છે કે કાનૂન કે લંબે હાથ તેના સુધી પહોંચે છે એ જોવા માટે તમારે થોડોક ખર્ચો કરવો પડે.

સ્ટાર યાર કલાકાર

આખી ઇન્ડસ્ટ્રી જ્યારે સ્ટાર્સની આસપાસ ગરબા લેતી હોય ત્યારે એની અસર ફિલ્મ પર ન પડે એ શક્ય જ નથી. આ ફિલ્મનો સાચો હીરો મતલબ કે ઍન્ટિહીરો રઈસ નામનું કૅરૅક્ટર નથી બલકે શાહરુખ ખાન પોતે છે. એટલે જ્યારે પાત્ર લખાય ત્યારે તેને ગેરકાયદે દારૂ ઘુસાડતો, ભાજીમૂળાની જેમ લોકોને સમારી નાખતો કે નેતાઓને ખંડણી આપતો બતાવવામાં આવે તેમ છતાં તેનું હૃદય તો ૨૪ કૅરૅટ સોનાનું જ બતાવવું પડે. નાનપણથી તેને એટલોબધો બિચારો બતાવવો પડે કે બિચારા પાસે ગુનાખોરીની દુનિયામાં જવા સિવાય કોઈ વિકલ્પ જ ન હોય. તે હાર્ડકોર ક્રિમિનલ હોવા છતાં ઉસૂલનો પક્કો હોય, રૉબિનહુડ હોય, સ્ત્રીઓ-ગરીબોની ઇજ્જત કરતો હોય, સચ્ચો આશિક હોય, શુદ્ધ સેક્યુલર પણ હોય છતાં પોતાના કામ પ્રત્યે તેને કોઈ પસ્તાવો ન હોય. ઉપરથી તેની આસપાસની સિસ્ટમ યાને કે નેતાઓ, પોલીસ, ન્યાયતંત્ર એટલાંબધાં ખરાબ હોય કે આ શરીફ બદમાશ આપોઆપ દૂધ સી સફેદી જેવો દેખાઈ આવે. ટૂંકમાં ફિલ્મમાં વાર્તા કરતાં સ્ટાર જ મહત્વનો બની જાય. આ ટ્રેન્ડ નવો નથી અને એટલે જ ‘રઈસ’ પણ એમાંથી બાકાત નથી.

એક મેઇનસ્ટ્રીમ સ્ટારને છાજે એવી માસ અપીલ ધરાવતી ટિપિકલ મસાલા એન્ટરટેઇનર ફિલ્મ બનાવવા માટે સ્ટારની એન્ટ્રી ધમાકેદાર બતાવવી પડે. તેની પર્સનાલિટી એસ્ટૅબ્લિશ કરવા માટે કારણ વિનાની એક ફાઇટ-સીક્વન્સ ઉમેરવી પડે. જરૂર હોય કે ન હોય, એક લવ-સ્ટોરી નાખવી પડે, રોમૅન્ટિક સૉન્ગ્સ ગવડાવવાં પડે, માદક આઇટમ-સૉન્ગ પણ નાખવું પડે અને લોકો થૂંકવાળી આંગળીઓ કરીને સીટીઓ મારે એવાં કૅચી વનલાઇનર્સ ભભરાવવાં પડે. આ બધા જ ટિપિકલ મસાલા ધરાવતી ‘રઈસ’ એટલે જ સિત્તેરના દાયકાની ઍન્ગ્રી યંગ મૅન ટાઇપ ફિલ્મો કે થોડાં વર્ષ પહેલાં આવેલી ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ જેવી ફિલ્મોની યાદ અપાવતી રહે. ફરક માત્ર સેટિંગનો અને પ્રેઝન્ટેશનનો જ હોય.

‘રઈસ’માં એંસી-નેવુંના દાયકાનું મોબાઇલ ફોન પહેલાંના સમયનું ગુજરાત છે. પોળનું જૂનું અમદાવાદ ભલે સ્ટુડિયોમાં ઊભું કરાયું હોય, પરંતુ એ જોવું ગમે એવું છે. વચ્ચે-વચ્ચે અમદાવાદનો જૂનો એલિસબ્રિજ અને અડાલજની વાવ જેવાં લોકેશન્સ જોવાની પણ મજા પડે. એ વખતની ગાડીઓ, જૂના ટેલિવિઝન સેટ, લૅન્ડલાઇન ટેલિફોન, અગાસીમાં ઍન્ટેના, અખબારોમાં નર્મદા યોજનાની હેડલાઇનો વગેરેથી એક ઑથેન્ટિસિટીની ફીલ આવે. ‘રઈસ’ના લેખકો ગુજરાતી છે. એટલે જ ગુજરાતી ગાળો કે છાંટોપાણી, ફાંકા ફોજદારી જેવા ટિપિકલ ગુજ્જુ શબ્દો પણ કાને પડ્યા કરે. ફિલ્મની કૅચી ટૅગલાઇન (બનિયે કા દિમાગ, મિયાંભાઈ કી ડેરિંગ) ઉપરાંત ઠેકઠેકાણે શાહરુખના ફૅન્સને ગોકીરો કરવાની મજા પડે એવી પંચલાઇનો છે.

શાહરુખની એનર્જી‍ પણ અત્યંત

ચેપી છે. ફાઇટ-ચેઝ સીન, ડાન્સ, ડાયલૉગબાજી, ઇશ્કબાજીમાં ક્યાંય એવું લાગતું નથી કે આ મહાશય આયખાની ફિફ્ટી મારી ચૂક્યા છે. પરંતુ શાહરુખનો આ જ ઑરા ઊપસાવવામાં બાકીના બધા જ કલાકારો ઢંકાઈ ગયા છે. એકમાત્ર નવાઝુદ્દીન સિદ્દીકી તેના પાવરપૅક્ડ પર્ફોર્મન્સથી માથું ઊંચકે છે. છતાંય તે ‘કિક’માં સલમાનની સામે જેવો ખીલ્યો હતો એવો કડક તો નથી જ લાગતો. ખાસ કરીને ઇન્ટરવલ પછી તો તેને શોધવો પડે છે. આમાં જ મોહમ્મદ ઝીશાન ઐયુબ જેવો જબરદસ્ત ઍક્ટર માત્ર શાહરુખનો સાઇડકિક બનીને રહી ગયો છે, જેના ભાગે કોઈ કહેતા કોઈ નોંધપાત્ર સીન નથી આવ્યા. પાકિસ્તાની ઍક્ટર માહિરા ખાન માત્ર શાહરુખને આંખ મારવા પૂરતી જ સારી લાગે છે. બિનજરૂરી ગીતો અને અહીંથી તહીં ભાગતી સ્ટોરીમાં અતુલ કુલકર્ણી, નરેન્દ્ર ઝા, શીબા ચઢ્ઢા, ઉત્કર્ષ મઝુમદાર પણ દિલથી વેડફાયાં છે. ‘રઈસ’ની મહાનતા બતાવવા માટે નખાયેલાં બધાં જ એલિમેન્ટમાં આ અઢી કલાકની ફિલ્મ ખાસ્સી થકવી દે છે.

દારૂબંધીના માહોલમાં રાજ્યમાં દારૂ કેવી રીતે ઘૂસે છે એ જાતભાતના એરિયલ શૉટ્સથી બતાવાયું છે; પરંતુ પ્રોહિબિશનનો ખોફ, એનો દંભ, લોકોની દારૂ પીવા માટેની તલબ, ચોરીછૂપે પીવાતો દારૂ વગેરે કશું જ અહીં ઝિલાયું નથી. જે રીતે બધા આરામથી દારૂની છોળો ઉડાડતા ફરે એ જોઈને ખબર જ ન પડે કે આ ગુજરાત છે કે બીજું કોઈ રાજ્ય. આખી ફિલ્મ નવાઝુદ્દીનના પૉઇન્ટ ઑફ વ્યુથી કહેવાઈ છે. તેમ છતાં સિસ્ટમ માટે રઈસ કેમ માથાનો દુખાવો થઈ પડ્યો એવા સાઇકોલૉજિકલ ઊંડાણમાં પણ જવામાં નથી આવ્યું. ફિલ્મના પહેલા જ સીનથી કળી શકાય એવી રઈસના પાત્રની જર્ની માત્ર અલગ-અલગ ઘટનાઓના ઉપરછલ્લા કલેક્શન જેવી જ બનીને રહી ગઈ છે.

ફૅન્સ ઓન્લી

એક દાયકા પહેલાં આ જ રાહુલ ધોળકિયાની ગુજરાતનાં રમખાણોની પૃષ્ઠભૂ પર બનેલી ફિલ્મ ‘પરઝાનિયા’ને ગુજરાતમાં જ રિલીઝ નહોતી થવા દેવાઈ. હવે એ જ ડિરેક્ટરની ગુજરાતના ડૉનને ગ્લૉરિફાય કરતી આ ફિલ્મ મીડિયાથી સોશ્યલ મીડિયા સુધી ગાજી રહી છે. તેમ છતાં અંતે તો ‘રઈસ’ શાહરુખના ફૅન્સ માટે જ બનાવાઈ હોય એવું લાગ્યા વિના રહેતું નથી. મતલબ કે નિરાશાનું લેવલ કન્ટ્રોલમાં રહે એ માટે અપેક્ષાઓનું લેવલ માપમાં રાખીને જ જોવા જવું બહેતર રહેશે.