લવ બ્રેકઅપ્સ ઝિંદગી - સ્ટોરી સાથે ડિરેક્ટરનું બ્રેક-અપ

08 October, 2011 06:46 PM IST  | 

લવ બ્રેકઅપ્સ ઝિંદગી - સ્ટોરી સાથે ડિરેક્ટરનું બ્રેક-અપ

 

 

Rating : * * 2 Star

જોકે ફિલ્મની ખરી પરીક્ષા તો એ જ હોય છે કે સરળ વિષયને કઈ રીતે અને કેટલી સ્માર્ટનેસનો ઉપયોગ કરીને હૅન્ડલ કરવામાં આવ્યો છે. છેલ્લા એકાદ વર્ષમાં ‘બૅન્ડ બાજા બારાત’ અને ‘તનુ વેડ્સ મનુ’ જ આ પ્રકારે કંઈક નવું કરવામાં કામિયાબ નીવડી છે. ગઈ કાલે રિલીઝ થયેલી ‘લવ બ્રેકઅપ્સ ઝિંદગી’માં પણ આ પ્રકારના પ્રયાસો વડે મથવામાં આવ્યું છે, પરંતુ અંતિમ પરિણામ જોઈએ એવું નથી મળી શક્યું.

જય (ઝાયેદ ખાન) અને નૈના (દિયા મિર્ઝા)ની મુલાકાત પોતપોતાના બેસ્ટ ફ્રેન્ડ્સના લગ્નમાં થાય છે તથા એકબીજા સાથે સારી રીતે કનેક્ટ થઈ જાય છે, પણ પોતાની ફીલિંગ્સ એકબીજાને નથી કહી શકતાં. બન્ને એક રિલેશનશિપમાં છે અને તેમના પાર્ટનર્સને છોડવું તેમના માટે સહેલું નથી. તેઓ આ મજબૂરી સ્વીકારશે કે બોલ્ડ ડિસિઝન લઈ શકશે?

આ પ્રકારની ફિલ્મ કોઈ નવોદિત ડિરેક્ટર માટે પણ ખૂબ જ સરળ છે. સાહિલ સંઘા તેની મર્યાદાઓ ક્યારેય નથી ઓળંગતો, પણ તે પોતાની રીતે કોઈ નવો પ્રયોગ પણ નથી કરતો અને એ કારણે જ ઇન્ટરવલ-પૉઇન્ટ અને ક્લાઇમૅક્સ એક્સાઇટમેન્ટ જગાવનારાં નથી. આ કારણે જ ફિલ્મ જોતાં લાગતું હતું કે ડિરેક્ટરનું સ્ટોરી સાથે જ બ્રેકઅપ થઈ ગયું છે. આ પ્રકારની ફિલ્મમાં ડગલે ને પગલે એવી બાબતોની હાજરી જરૂરી છે જે ફિલ્મને માણવાલાયક બનાવે. સ્ટોરીના લેખકોએ તો યશરાજ ફિલ્મ્સની લગભગ બધી ફિલ્મો જોઈને આ ફિલ્મની સ્ટોરી લખી હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મમાં બધું એટલું પર્ફેક્ટ છે જે આશ્ચર્યજનક છે.

રોમૅન્ટિક ફિલ્મ હોય એટલે સંગીત સારું હોવું જરૂરી છે અને આ ફિલ્મ એમાં સફળ જાય છે. સલીમ-સુલેમાનનું ‘રબ રખ્ખા...’ અને ‘છાઈ હૈ તન્હાઈ...’ સારાં ગીતો છે. રાકેશ રોશનની ‘ખુદગર્ઝ’ના ‘મય સે મીના સે ના સાકી સે...’ ગીતનો આ ફિલ્મમાં ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ ખૂબ જ સફળ પ્રયોગ રહ્યો છે.

ઝાયેદ ખાન એક ઍવરેજ ઍક્ટર છે એવું કેમ કહેવામાં આવે છે એ આ ફિલ્મ વડે ફરીથી સાબિત થશે. માત્ર એક વાત કે ફિલ્મમાં તે ક્યારેય વધુપડતાં એક્સપ્રેશન્સ નથી આપી દેતો એ સારી વાત ગણવી પડે. દિયા મિર્ઝા ખૂબ જ સારો પફોર્ર્મન્સ આપે છે. તે એટલી જ સુંદર દેખાય છે. સાયરસ શાહુકાર અને ટિસ્કા ચોપડા નાનકડા રોલમાં સારો પ્રભાવ છોડે છે.

‘લવ બ્રેકઅપ્સ ઝિંદગી’ એક રોમૅન્ટિક ફિલ્મ તરીકે પ્રયાસ સારો છે, પણ સ્ટોરીમાં નવીનતાના અભાવને કારણે તે એટલી માણવાલાયક નથી રહેતી. રોમૅન્ટિક ફિલ્મોનો ખૂબ જ શોખ હોય તો જ આ ફિલ્મ જોવી.