ફિલ્મ-રિવ્યુ : ખિલાડી ૭૮૬, હાસ્યનું હુલ્લડ

08 December, 2012 06:25 AM IST  | 

ફિલ્મ-રિવ્યુ : ખિલાડી ૭૮૬, હાસ્યનું હુલ્લડ





‘ઇસ દુનિયા મેં તીન ચીજેં હૈં જો હોતી હૈ પર દિખતી નહીં; એક, ભૂતોં કા સંસાર. દો, સચવાલા પ્યાર ઔર તીન, બહત્તર સિંહ કી રફ્તાર.’ ‘ખિલાડી ૭૮૬’માં અક્ષયકુમારનો આ ટ્રેડમાર્ક સંવાદ છે જે તેના દરેક દુશ્મનને અધમૂઓ કરતાં પહેલાં તે ફટકારે છે. આ ફિલ્મમાં વિવેચકોને હીરોના કૅરૅક્ટરમાં કૉમન સેન્સ અને ઇન્ટેલિજન્સનો સંપૂર્ણ અભાવ લાગતો હશે, પણ દર્શકને આ વસ્તુ ધ્યાનમાં જ નહીં આવે, કારણ કે એ તો ઢગલાબંધ કલાકારોના ચબરાકિયા વનલાઇનર્સ અને સિચુએશનને કારણે સર્જાતી કૉમેડી પર ખડખડાટ હસવામાં વ્યસ્ત હશે.

જો તમને મગજ વગરની કૉમેડી જોવામાં કાંઈ વાંધો ન હોય તો ‘ખિલાડી ૭૮૬’ તમારા માટે ભરપૂર મનોરંજન આપતું હાસ્યનું હુલ્લડ બની રહેશે. ફિલ્મમાં હીરો અક્ષયકુમારનું નામ બહત્તર (૭૨) સિંહ, તેના પિતા રાજ બબ્બરનું નામ સત્તર (૭૦) સિંહ અને અંકલ મુકેશ રિશીનું નામ ઇકત્તર (૭૧) સિંહ હોય છે અને આ જ તેમનાં સાચાં નામ છે. ફિલ્મનો હીરો હૅન્ડસમ અને બહાદુર છે. વળી તેની હથેળી પર સુપરનંબર ૭૮૬ લખેલો છે છતાં તેને લગ્ન માટે છોકરી નથી મળતી.

ફિલ્મમાં હિરોઇનનો ભાઈ ટીટી (તાત્યા તેન્ડુલકર) ગૅન્ગસ્ટર હોય છે. તે પોતાની બહેન (અસિન)નાં લગ્ન માટે સારા પરિવારની શોધમાં હોય છે. બહુ પ્રયાસ પછી પણ તેને સફળતા નથી મળતી. આવા સંજોગોમાં ટીટી જોરજબરદસ્તી કરીને મૅચમેકર મનસુખને તેની બહેન માટે સારો પરિવાર શોધવાની ફરજ પાડે છે. રસપ્રદ એ છે કે મનસુખે જેટલાં પણ લગ્ન કરાવ્યાં હોય છે એ નિષ્ફળ ગયાં હોવાનો તેનો ટ્રૅક-રેકૉર્ડ હોય છે. ત્યાર બાદ શરૂ થાય છે કન્ફ્યુઝન અને ગેરસમજને કારણે સર્જાતી જબરદસ્ત કૉમેડી ગરબડ. આ ફિલ્મની વાર્તામાં કૉમેડીના દરેક રંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. વળી ફિલ્મમાં રહેલા પુષ્કળ વનલાઇનર્સ ફિલ્મની ગતિમાં અને કૉમેડી સિચુએશનમાં વધારો કરે છે અને ફિલ્મનો એન્ડ પણ જબરદસ્ત વળાંકો પછી મગજમાં ઊતરે એવો લૉજિકલ છે.

ડિરેક્ટર તરીકે આશિષ આર. મોહને પોતાની ટૅલન્ટનો પરિચય આપી દીધો છે. ફિલ્મની શરૂઆત ધીમી છે, પણ તરત જ એ પોતાની ગતિ પકડી લે છે. ફિલ્મમાં અમુક ગીતો અને કેટલીક સિચુએશનો ન હોત તો ફિલ્મ થોડી વધુ રસપ્રદ બની શકી હોત. ફિલ્મમાં મરાઠી ડૉન તરીકે મિથુન ચક્રવર્તીનો ટ્રૅક ખરેખર બહુ સરસ છે. અસિન થોડી જાડી લાગે છે, પણ ફિલ્મનું સરપ્રાઇઝ છે હિમેશ રેશમિયા. ફિલ્મમાં તેનું બહુ સારું કૉમિક ટાઇમિંગ જોવા મળે છે.

ફિલ્મમાં હીરો અક્ષયકુમારની ડૅશિંગ એન્ટ્રી, લાર્જર ધૅન લાઇફ ઍટિટuુડ અને ધમાકેદાર ડાયલૉગ તો ‘ખિલાડી ૭૮૬’નો જાન છે. ‘ઓએમજી-ઓહ માય ગૉડ’ અને ‘જોકર’ પછી અક્ષયે ફરી એક વાર બહત્તર સિંહના રોલમાં ‘રાઉડી રાઠોડ’ જેવી ધમાલ મચાવી છે.

- જાહ્નવી સામંત