ફિલ્મ-રિવ્યુ - કાબિલ

26 January, 2017 01:59 AM IST  | 

ફિલ્મ-રિવ્યુ - કાબિલ




જયેશ અધ્યારુ


સુભાષિતોમાં ભલે કહેવાતું હોય કે ન શમે વેર વેરથી, પરંતુ કોઈ ભગવાનના માણસ સાથે શેતાન જેવું કામ કરી જાય અને એ ભગવાનનો માણસ શેતાનને ખંજરનો જવાબ તલવારથી આપે ત્યારે જોવાની જબરદસ્ત મજા આવે. આવી તામસિક વાર્તાઓમાં વધુ એક ઉમેરો એટલે પાપા રાકેશ રોશને બેટા હૃતિક રોશન માટે પ્રોડ્યુસ કરેલી અને સાઉથ કોરિયન ફિલ્મોના દીવાના સંજય ગુપ્તાની ફિલ્મ ‘કાબિલ’. હૃતિક રોશનના પ્રામાણિક પ્રયત્ન છતાં ભંગાર રાઇટિંગ, બાલિશ એક્ઝિક્યુશન અને સરકારી ફાઇલો જેવી ધીમી ગતિને કારણે ‘કાબિલ’ સહનશક્તિની કસોટી કરનારી ફિલ્મ બનીને રહી ગઈ છે.

ન દેખ્યાનું દખ


ટૅલન્ટેડ ડબિંગ આર્ટિસ્ટ રોહન ભટનાગર (હૃતિક રોશન) જોઈ નથી શકતો. એક ફ્ઞ્બ્માં કામ કરતી સુપ્રિયા (યામી ગૌતમ) પણ જોઈ નથી શકતી, છતાં બન્નેને એકબીજા સાથે પહેલી નજરનો પ્રેમ થઈ જાય છે. પરીકથા જેવી તેમની લવસ્ટોરી લગ્નના પગથિયે પહોંચે છે ત્યાં જ એક રાક્ષસ નામે અમિત (રોહિત રૉય) ત્રાટકે છે અને તેમનો માળો ખેદાનમેદાન કરી નાખે છે. એ રાક્ષસ પોતાના પહોંચેલા રાજકારણી ભાઈ માધવરાવ (રૉનિત રૉય)ના ખીલે કૂદે છે. હવે રોહનને પોતાના બરબાદ થયેલા નશેમનનું વેર વાળવું છે, પણ કઈ રીતે? તે તો જોઈ નથી શકતો છતાં તે કઈ રીતે પોતાનો વેરાãગ્ન શાંત કરે છે એ જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે.

પર્ફેક્ટ ક્રાઇમ


ક્રાઇમ નેવર પેઝ યાનિ કિ ગુનો ક્યારેય ફળતો નથી આ વિભાવનાની સામે બીજો એક કન્સેપ્ટ છે પર્ફેક્ટ ક્રાઇમનો. અત્યંત બારીક પ્લાનિંગથી એવો ક્રાઇમ આચરવામાં આવે કે પોલીસ સાત જન્મે પણ અપરાધીને શોધી ન શકે. એક જોઈ ન શકતી વ્યક્તિ આવો પર્ફેક્ટ

ક્રાઇમ કઈ રીતે આચરી શકે એ બતાવતી અફલાતૂન ફિલ્મ ‘કત્લ’ ૧૯૮૬માં આવેલી. એમાં અંધ વ્યક્તિ બનેલા સંજીવ કુમારે પોતાની બેવફા પત્ની (સારિકા)ને આવા જ પર્ફેક્ટ ક્રાઇમથી બરાબરની મજા ચખાડેલી. ‘કાબિલ’ જોઈને આપણને સહેજે ‘કત્લ’ની (કે અમિતાભ-અક્ષયકુમાર સ્ટારર ‘આંખેં’) યાદ આવી જાય, પરંતુ એવો પર્ફેક્ટ ક્રાઇમ બતાવવા માટે સ્ક્રિપ્ટ-લેવલે જે સ્માર્ટનેસ જોઈએ એ ‘કાબિલ’માં ક્યાંય નથી.

રિવેન્જની થીમને કારણે ‘કાબિલ’ જોતાં-જોતાં આમિરની ‘ગજની’ પણ યાદ અપાવતો પાઇપ ઢસડવાનો અવાજ પણ અહીં છે, પરંતુ ‘ગજની’ની જેવી ઇન્ટેન્સિટી ‘ગજની’માં આમિરના વાળની જેમ જ ગાયબ છે.

એક રિવેન્જ થ્રિલરને છાજે એવી સ્પીડ ‘કાબિલ’માં તદ્દન ગેરહાજર છે.

હીરો-હિરોઇન એકબીજાંને મળે, પ્રેમમાં પડે, ગીતો ગાય, ડાન્સ કરે, ઇમૅજિકા થીમ પાર્કમાં જઈને ઊછળકૂદ કરે... ટૂંકમાં નિરાંતે ટાઇમપાસ કરે. બે ઘડી તો શંકા જાય કે ટ્રેલર રિલીઝ કર્યા પછી સંજય ગુપ્તાએ થ્રિલરનો આઇડિયા ડ્રૉપ કરીને રોમૅન્ટિક ફિલ્મ બનાવી નાખી છે કે શું? થ્રિલરના પાટે ચડતાં સુધીમાં લગભગ અડધી ફિલ્મ જતી રહે છે.

એક વાર હૃતિકનું પાત્ર બદલાપુરની બસ પકડી લે એ પછીયે સંજય ગુપ્તાની ગાડી ફાસ્ટ ટ્રૅકમાં નથી આવતી. પર્ફેક્ટ ક્રાઇમના પ્લાનિંગ તરીકે હૃતિક માત્ર કરિયાણું લેવા નીકળ્યો હોય એમ શૉપિંગ કરવા સિવાય ખાસ કશું નથી કરતો. આ માણસ ખરેખર બદલો લેવા માટે મરણિયો થયો છે એવું તેના ચહેરા કે વર્તન પરથી નથી લાગતું. સામે પક્ષે રિયલ લાઇફના ભ્રાતાઓ રોહિત અને રૉનિત રૉય ટિપિકલ વિલનના પાત્રમાં છે. ડિરેક્ટરે એકને વંઠેલ મવાલીનું અને બીજાને ખૂંખાર નેતાનું પાત્ર પકડાવી દીધું છે જે તેમણે કોઈ જાતનું દિમાગ વાપર્યા વિના નિભાવી નાખ્યાં હોય એવું લાગે છે, કેમ કે તેમનાં પાત્રોમાં સ્માર્ટનેસનો છાંટોય નથી દેખાતો. રીઢા ગુનેગાર હોવા છતાં કોઈ આત્યંતિક કામ કરતાં પહેલાં ક્રૉસ ચેક કરવું જોઈએ એવી વાતમાં એ લોકો નથી માનતા અને ફિલ્મને બાલિશતાની ખાઈમાં ધકેલી દે છે. થિયેટરમાં બેઠાં-બેઠાં જે ટ્રિક્સ, ટ્વિસ્ટ આપણને બાર ગાઉ છેટેથી દેખાઈ જાય એ વિલનલોગને લિટરલી પગ તળે આવ્યા પછીયે ન દેખાય. ફિલ્મનો પર્ફેક્ટ ક્રાઇમ ખરેખર પર્ફેક્ટ છે કે કેમ એ વિશે ન્યુઝ-ચૅનલમાં ડિબેટ બેસાડવી પડે.

જો ફિલ્મના મુખ્ય પાત્ર સાથે કોઈ ગમખ્વાર ઘટના બની હોય તો પ્રેક્ષક તરીકે આપણને પણ એ પીડા હચમચાવી મૂકવી જોઈએ અને એ પીડા સતત ફિલ્મમાં વહેતી રહેવી જોઈએ. અહીં હીરો-હિરોઇન ખુશ થાય તો ગીત ગાય એ સમજમાં આવે, પરંતુ હીરો દુખી થાય તોય ગીત આવે, વિલન ખુશ થાય તો વળી આખા ગમગીન મૂડની ઐસીતૈસી કરીને ‘સારા ઝમાના’ જેવું રીમિક્સ આઇટમ સૉન્ગ આવી જાય. ફરી પાછું યાદ આવે કે બદલો લેવાનો તો હજી બાકી જ છે એટલે ફરી પાછું બૅક ટુ બદલાપુર.

‘કાબિલ’ના રાઇટર-ડિરેક્ટરને પોતાનાં પાત્રો તો ઠીક, આપણી સમજશક્તિ પર પણ ભારોભાર શંકા છે. એટલે જ તેમણે એકેક ટ્રિકને સમજાવવાનું રાખ્યું છે. ધારો કે હીરો પોલીસના પહેરા હેઠળથી કેવી રીતે છટકી ગયો એ એક ઝલકમાં ખબર પડી જતી હોવા છતાં આપણને ડીટેલમાં સમજાવવામાં આવે.

એમ છતાં અમાસના અંધકાર જેવી આ ફિલ્મની સિલ્વર લાઇનિંગ છે પાપા રોશનનો હોનહાર બેટો હૃતિક. મૅચ હારવાના છીએ એ ખબર હોવા છતાં એક બૅટ્સમૅન લગનથી રમ્યે જાય અને સેન્ચુરી મારે એવું જ હૃતિકે કર્યું છે. ઍક્ટિંગમાં ક્યાંય તેણે વેઠ નથી ઉતારી. જોઈ ન શકતી વ્યક્તિની બૉડી-લૅન્ગ્વેજ, એનો ડાન્સ, જાતભાતના અવાજો કાઢતી વખતના તેના હાવભાવ, આંખને સ્થિર રાખવા છતાં તેના ચહેરા પર બદલાતાં એક્સપ્રેશન્સ બધું જ કાબિલે તારીફ છે. યામી ગૌતમના ભાગે અગેઇન ફૅર ઍન્ડ લવલી બનવાનું જ આવ્યું છે. રૉનિત રૉયે ટૂંકો કુરતો પહેરીને લાંબો મેલોડ્રામા કર્યો છે, પરંતુ ખોફ ઊભો નથી કરી શક્યો. અદ્ભુત અવાજના માલિક નરેન્દ્ર ઝાની આ એક જ દિવસે બીજી રિલીઝ છે. ‘રઈસ’માં ડૉનનું પાત્ર ભજવ્યા બાદ અહીં ‘કાબિલ’માં તેઓ પોલીસ-અધિકારીના પાત્રમાં દેખાયા છે, પરંતુ તેમના ભાગે તે હેં હૃતિક, તેં પેલું કઈ રીતે કર્યું એ તો કહે પ્રકારના સંવાદો જ આવ્યા છે. ‘દંગલ’માં આમિર ખાનને પૂરી દેનારા લુચ્ચા કોચ ગિરીશ કુલકર્ણીએ અહીં હૃતિકને પણ બરાબરનો હેરાન કર્યો છે.

ઘણા લોકોને આ ફિલ્મમાં જોઈ ન શકતા લોકો માટે વપરાયેલા શબ્દો કદાચ નહીં ગમે, પરંતુ આપણા ફિલ્મકારો બ્લાઇન્ડ લોકોની દુનિયા તેમના પૉઇન્ટ ઑફ વ્યુથી જોઈ જ નથી શકતા એ વધુ એક વાર પુરવાર થયું છે. તેમના ઘરમાં કોઈ વિશેષ મૉડિફિકેશન ન હોય કે

તેમની ટેવો પણ આપણા જેવી જ હોય (જેમ કે એકબીજાને સ્પર્શીને ઓળખતાં હીરો-હિરોઇનના ઘરમાં સ્પર્શીને જોઈ શકાય એવી સજોડે તસવીર કેમ ન હોય?). જોકે ફિલ્મને ન્યાય કરવા સારું એટલું કહી શકાય કે શરૂઆતમાં દેખાતી સાઇકલ રિપેર કરવી, ગંધ પરથી વ્યક્તિને પારખી જવી, અવાજ પરથી નિશાન વીંધી દેવું, અવાજ બદલીને ડબિંગ કરવું, ડગલાં ગણીને જોખમ પારખી જવા જેવી સામાન્ય ઘટનાઓનો ક્લાઇમૅક્સમાં બખૂબી ઉપયોગ થયો છે.

ફૉર હૃતિક ઓન્લી


આ ફિલ્મને જોવા માટેનું એકમાત્ર કારણ હૃતિક રોશન છે. લેકિન અફસોસ કે તેને એકદમ કડક સ્ક્રિપ્ટની મદદ નથી મળી. આ પ્રિડિક્ટેબલ ક્રાઇમ થ્રિલર આ લૉન્ગ વીક-એન્ડમાં વન-ટાઇમ વૉચ બની શકે, પરંતુ એને બદલે સંજીવકુમારની ‘કત્લ’ જોઈ કાઢો તો આનાથી અનેકગણી વધુ મજા આવશે એ ગૅરન્ટીડ વાત છે.