ફિલ્મ રિવ્યુ : જોકર, નેવુંના દાયકાની અનુભૂતિ કરાવતી ૨૦૧૨ની ફિલ્મ

01 September, 2012 10:07 AM IST  | 

ફિલ્મ રિવ્યુ : જોકર, નેવુંના દાયકાની અનુભૂતિ કરાવતી ૨૦૧૨ની ફિલ્મ

 

 

આ ફિલ્મમાં દેશની પ્રગતિ સાથે તાલ ન મિલાવી શકવાને કારણે પછાત રહી ગયેલા પગલાપુર નામના ગામની વાત છે. આ ગામના લોકો પણ પોતાનો વિકાસ કરવા માગે છે, પણ તેમને આ વિકાસના રસ્તાની ખબર નથી. ફિલ્મમાં અગસ્ત્ય (અક્ષયકુમાર) પરગ્રહવાસીઓ એટલે કે એલિયન્સ વિશે રિસર્ચ કરતો એક સંશોધક છે. તે છેલ્લાં બે વર્ષથી અવકાશમાં એલિયન્સને સિગ્નલ મોકલવાના મશીનના પ્રોજેક્ટ પર કામ કરતો હોય છે અને તેનો આ પ્રોજેક્ટ સફળ નીવડ્યો છે એ વાતને સાબિત કરવા માટે તેની પાસે બહુ ઓછો સમય હોય છે. આ સંજોગોમાં પગલાપુરમાં રહેતા અગસ્ત્યના પિતાને ગંભીર બીમારી થતાં તેણે ત્યાં જવું પડે એવા સંજોગો ઊભા થાય છે. આ સંજોગોમાં અગસ્ત્યની ગર્લફ્રેન્ડ દિવા (સોનાક્ષી સિંહા) પણ તેની સાથે જાય છે, પણ ત્યાં જઈને તેને ત્યાંની રહેણીકરણી જોઈને ભારે આઘાત લાગે છે.

 

અગસ્ત્યના ગામ પગલાપુરની અનોખી ઇમેજ બનાવવા એમાં અનેક રસપ્રદ કૅરૅક્ટરને રહેતાં બતાડવામાં આવ્યાં છે. ગામમાં એક ટીચર (અસરાની) છે જે પ્લેનને ઊડતાં જોઈને ફની અંગ્રેજીમાં નાઝીઓના તેમ જ જર્મનીના અટૅક વિશે વાત કરતો રહે છે. આ સિવાય ગામમાં ‘ધરમવીર’ના ધર્મેન્દ્રના ગેટ-અપમાં ફરતા રહેતા વિન્દુ દારા સિંહ તેમ જ કોઈ વિચિત્ર અસ્પષ્ટ ભાષા બોલતા બબન (શ્રેયસ તલપડે) જેવા નમૂનાઓ રહે છે. અગસ્ત્ય પોતાના બીમાર પિતાને ગામમાં મળવા આવે છે ત્યારે અત્યંત પછાત રહી ગયેલા ગામલોકોને લાગે છે કે તે તેમની પરિસ્થિતિમાં સુધારો લાવી શકશે. તેઓ અક્ષયને ગામમાં પરિવર્તન લાવવા માટે મદદ કરવાનું કહે છે. આ ગામલોકોની મદદ માટે અક્ષય અહીં કેટલાક નકલી એલિયન્સની હાજરી દેખાડીને એને કવર કરવા માટે આખા દેશના મિડિયાને બોલાવે છે જેને પગલે પગલાપુરને વર્ષોની રાહ પછી લાઇટ અને પાણી મળે છે, જોકે અક્કીના હરીફો શાકભાજી અને ફળોના બનેલા આ એલિયન્સનો ભાંડો ફોડી નાખે છે જેના પગલે પગલાપુર ફરી ગુમનામીની ગર્તામાં ધકેલાઈ જાય છે.

 

આ સ્થિતિને કારણે ગામલોકો ઊંડા શોકમાં ડૂબેલા હોય છે ત્યારે અહીં સાચા એલિયન્સની એન્ટ્રી થાય છે અને તેઓ જણાવે છે કે તેમને ખરેખર છેલ્લાં બે વર્ષથી અગસ્ત્યનાં સિગ્નલ મળે છે, પણ તેમને માણસજાત સારી છે કે ખરાબ એ વિશે કોઈ ખાતરી ન હોવાને કારણે તેઓ આ સિગ્નલના જવાબ નહોતા આપી રહ્યા. આ એલિયન્સ ગામવાસીઓ સાથે થોડો સમય પસાર કરીને જતા રહે છે, પણ તેમના માટે ઑઇલનો કૂવો તેમ જ સમૃદ્ધિ મૂકતા જાય છે. આના કારણે સાબિત થાય છે કે અગસ્ત્યનું એલિયન્સ માટેનું મશીન કામ કરે છે અને અંતે બધા ખુશખુશાલ થઈ જાય છે.

 

આ ફિલ્મમાં અક્ષયે સારું કામ કર્યું છે, પણ સોનાક્ષીનો રોલ સાવ નકામો છે. ફિલ્મમાં શ્રેયસ પણ વેડફાયો છે. ફિલ્મનાં ગીતો પણ નકામાં અને વાર્તામાં અવરોધ ઊભો કરે છે. જો આ ફિલ્મમાં આઇટમ-સૉન્ગ ન હોત અને પ્લૉટ થોડો વધારે કસાયેલો હોત તો આ ફિલ્મ એક સારી બાળફિલ્મ  બનવાની ક્ષમતા ધરાવતી હતી. આ ફિલ્મ જોઈને નેવુંના દાયકામાં બનેલી ‘અજૂબા’ અને ‘હાતિમતાઈ’ જેવી ફૅન્ટસી ફિલ્મોની યાદ આવી જાય છે. જોકે સમસ્યા એ છે કે ‘જોકર’ એ નેવુંના દાયકાની અનુભૂતિ કરાવતી ૨૦૧૨ની ફિલ્મ છે.

 

- જાહ્નવી સામંત