ફિલ્મ-રિવ્યુ : ચિત્તાગૉન્ગ

14 October, 2012 05:25 AM IST  | 

ફિલ્મ-રિવ્યુ : ચિત્તાગૉન્ગ


આ ફિલ્મમાં ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ના મોટા ભાગના કલાકારો કામ કરી રહ્યા છે એટલે આ દમદાર કલાકારો અને દેશભક્તિથી છલોછલ વાર્તાનું કૉમ્બિનેશન એક ધમાકેદાર ફિલ્મ બનાવે એવી દર્શકની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે, પણ કહ્યું છે કે અપેક્ષા જ બધી હતાશાનું મૂળ હોય છે.

‘ચિત્તાગૉન્ગ’ એક ખાસ સમયગાળાની ફિલ્મ છે. આ ફિલ્મમાં એ સમયગાળામાં બનેલી બધી ઘટનાઓ અને ઢગલાબંધ પાત્રોને એકસાથે ગૂંથવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે,

જેમાં સફળતા ન મળતાં આખી ફિલ્મ જટિલ બની ગઈ છે. આ ફિલ્મની શરૂઆત બહુ પ્રૉમિસિંગ છે. આની વાર્તા ૧૪ વર્ષના સુબોધ રૉય ઉફેર્ જુન્કુ (દિલઝાદ હિવાલે)ના પૉઇન્ટ ઑફ વ્યુથી કહેવામાં આવી છે. તે આઝાદીના લડવૈયાઓના ગુરુ સૂર્યા સેન (મનોજ બાજપાઈ)ની નજીક આવી જાય છે અને પરિણામે અંગ્રેજોના વકીલોનો દીકરો હોવા છતાં તે સૂર્યા સેનના જૂથ સાથે મળીને આઝાદીની લડાઈમાં ભાગ લેવા માંડે છે. આવા સંજોગોમાં એક વખત સૂર્યા સેન બ્રિટિશરાજને ફટકો મારવા ચિત્તાગૉન્ગ વિસ્તારમાં આવેલી બે શસ્ત્રોની ફૅક્ટરી પર કબજો કરવાનો અને રેલ નેટવર્ક, ટેલિગ્રાફ તથા ટેલિફોન-ઑફિસનો નાશ કરવાનો પ્લાન બનાવે છે. આ યોજના સફળ તો થાય છે, પણ પછી આઝાદીના લડવૈયાઓએ સલામત જગ્યાએ પહોંચવા માટે ભારે મુસીબતનો સામનો કરવો પડે છે.     ફિલ્મમાં કઈ રીતે આ બધાને પકડવામાં આવે છે અને છૂટuા પછી તેઓ ફરી કઈ રીતે આઝાદીની લડાઈ લડવા માટે ભેગા થાય છે એનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

ફિલ્મના ડિરેક્ટર બેદબ્રતા પેઇને પોતાની આ પહેલી ફિલ્મને સારી રીતે બનાવવા માટે બહુ મહેનત કરી છે. જોકે ફિલ્મને ભવ્ય બનાવવાની લાલચમાં તેઓ એનું હાર્દ ગુમાવી બેઠા છે. ફિલ્મના તમામ કલાકારો ટૅલન્ટેડ છે, પણ તેમને પોતાની ટૅલન્ટ બતાવવાની પૂરતી તક નથી મળી. શંકર-એહસાન-લૉયનું સંગીત પણ સરેરાશ છે. આ સંગીત રોમૅન્ટિક હિસ્સામાં બરાબર લાગે છે, પણ કટોકટીના સમયગાળામાં બિલકુલ ઇફેક્ટ નથી આપતું. આમ ટૂંકમાં કહીએ તો, આ ફિલ્મ ઓછા ડ્રામાને કારણે ઇતિહાસનું બોરિંગ પ્રકરણ બની જાય છે.