ફિલ્મ રિવ્યુ : મસ્ત, મધુરી ને સ્વાદિષ્ટ ‘બર્ફી’

15 September, 2012 09:33 AM IST  | 

ફિલ્મ રિવ્યુ : મસ્ત, મધુરી ને સ્વાદિષ્ટ ‘બર્ફી’





આ ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં એક બોલી અને સાંભળી ન શકતા યુવાનની પ્રેમની તલાશ છે, પણ એને બહુ રમૂજી રીતે પણ સાથોસાથ એની સંવેદનશીલતા જળવાઈ રહે એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફિલ્મના હીરો બર્ફી (રણબીર કપૂર)નો જન્મ દાર્જીલિંગમાં રહેતા એક ગરીબ દંપતીને ત્યાં થયો હોય છે. જન્મથી સાંભળી ન શકતા એવા બર્ફીના જન્મના થોડા સમય પછી જ તેની માતાનું અવસાન થઈ ગયું હોય છે જેના કારણે તેનો ઉછેર તેના ડ્રાઇવર પિતાએ કર્યો હોય છે. પોતાની આ ખામીને કારણે બર્ફી શરમાળ નથી બની જતો, પણ તે તોેફાની બની જાય છે અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા જાત-જાતની હરકતો કરતો રહે છે. તે ઇન્સિક્યૉર ફ્રેન્ડ હોય છે, પણ સાથે-સાથે તે જેની સાથે લાગણીના સંબંધોથી જોડાયેલો હોય તેની સમક્ષ વિશેષ રીતે પોતાની લાગણી વ્યક્ત કરતો રહે છે. બર્ફી યુવાન છોકરીઓની પાછળ ફરતો રહે છે અને તેમના પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. જો આ છોકરીઓ તેની પ્રેમિકા બનવાની ના પાડે તો તે તરત જ દોસ્ત બનવાની દરખાસ્ત મૂકી દે છે. આ રીતે જ બર્ફી યુવાન શ્રુતિ (ઇલિએના ડિક્રુઝ) ના પ્રેમમાં પડે છે અને તેની સામે પોતાની લાગણી વ્યક્ત કરે છે. શ્રુતિને પણ બર્ફી ગમતો હોવા છતાં તે કોઈ પણ સમજદાર છોકરીની જેમ તેનાં માતા-પિતાએ તેના માટે પસંદ કરેલા છોકરાને પરણી જાય છે. બર્ફીને પાડોશમાં રહેતી ઑટિઝમ નામના માનસિક રોગથી પીડાતી ઝિલમિલ (પ્રિયંકા ચોપડા) માટે પણ વિશેષ લાગણી હોય છે જેને તેનાં પોતાનાં માતા-પિતા પણ પ્રેમ નથી કરતાં હોતાં. આ ફિલ્મમાં બર્ફીનો આ બે  યુવતીઓ માટેનો તેમ જ તેમનો બર્ફી માટેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મની વાર્તા તો સામાન્ય હિન્દી ફિલ્મો જેવી જ છે, પણ એને બહુ ચાર્મિંગ રીતે રજૂ કરવામાં આવી છે જે એનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે. ફિલ્મમાં ચાર્લી ચૅપ્લિન જેવી શૈલી અપનાવીને ડિરેક્ટર અનુરાગ બાસુએ બર્ફીની અલગ-અલગ લાગણીઓને બહુ સારી રીતે પડદા પર ઉતારી છે.

ડિરેક્ટરે ભારે મહેનત કરીને નાની-નાની વાતોનું ધ્યાન રાખીને બહુ સારી રીતે ફિલ્મની વાર્તાની સંવેદનનાને પડદા પર ઉતારી છે. પ્રીતમનું સંગીત અને બૅકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મના મૂડને બરાબર સૂટ કરે છે. ફિલ્મનું એક જ નબળું પાસું છે અને એ છે સતત બદલાતી રહેતી ટાઇમ ફ્રેમ. ફિલ્મમાં વારંવાર આવતા ફ્લૅશબૅકને કારણે ઘણી વાર તાલમેલ ન જળવાતાં દર્શક થોડો કન્ફ્યુઝ થઈ જાય છે. ફિલ્મમાં સસ્પેન્સનો પણ પ્લૉટ છે જે ખાસ જરૂરી નથી અને એના વગર પણ વાર્તા આગળ વધારી શકાઈ હોત.

ફિલ્મના કલાકારોની વાત કરીએ તો ઇલિએનાએ બૉલીવુડમાં આગમન કરવા માટે બહુ સારો રોલ પસંદ કર્યો છે. જોકે તે પોતાના રોલ માટે થોડી નાની લાગે છે, પણ પોતાની પ્રતિભાને કારણે આ ખામીને ઢાંકી દે છે. પ્રિયંકાએ બહુ સારો અભિનય કર્યો છે. તેનો રોલ કદાચ શ્રીદેવીના ‘સદમા’ની નકલ લાગી શકી હોત, પણ તેણે એવું થવા નથી દીધું. તેણે ઑટિઝમથી પીડાતી યુવતીના પાત્રને પોતાના અલગ જ અંદાજથી સશક્ત રીતે ભજવી બતાવ્યું છે. જોકે રણબીર કપૂર સૌથી શ્રેષ્ઠ સાબિત થયો છે અને તેણે બર્ફીના પાત્રને બરાબર આત્મસાત્ કર્યું છે. તેણે બર્ફીના વ્યક્તિત્વની જટિલ લાક્ષણિકતાઓને એકદમ પરફેક્ટ રીતે પડદા પર રજૂ કરી છે. તે ખરેખર ગિફ્ટેડ ઍક્ટર છે. આમ ‘બર્ફી’ એ ખરેખર બહુ હૂંફાળી, કૉમેડીની છાંટવાળી અને સંવેદનશીલતાથી સભર જોવી ગમે એવી ફિલ્મ છે.

- જાહ્નવી સામંત