ફિલ્મ-રિવ્યુ : તમંચે

12 October, 2014 05:04 AM IST  | 

ફિલ્મ-રિવ્યુ : તમંચે





કલ્પના કરો, તમે એક ચકાચક શૉપિંગ મૉલમાં છો. જાણે અમેરિકામાં આંટા મારતા હોઈએ એવી ઝાકઝમાળ ધરાવતા એ મૉલમાં ચારેકોર મસ્ત મજાનું વાતાવરણ છે, પરંતુ ખરીદવા માટે સમ ખાવા પૂરતો એક હાથરૂમાલ પણ આપણા બજેટમાં આવે એમ નથી. એટલે બે કલાક મૉલમાં આંટા મારી સસ્તામાંનો સૉફ્ટી આઇસક્રીમ ખાઈને આપણે ખાલી હાથે જ  બૅક ટુ પૅવિલિયન થઈ જઈએ છીએ. ડિટ્ટો આવી જ ફીલિંગ આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘તમંચે’ જોઈને થાય છે.

ગુડ, બૅડ ઍન્ડ અગ્લી

મુન્ના મિશ્રા (નિખિલ દ્વિવેદી) અને બાબુ (રિચા ચઢ્ઢા) બન્ને એક નંબરના ગુંડાઓ છે. અલગ- અલગ ઠેકાણે કોઈ કાંડ કરીને ભાગતાં બન્ને પકડાય છે અને અનાયાસ જ પોલીસની ખટારીમાં ભેગાં થઈ જાય છે. પરંતુ કરમનું કરવું અને ખટારીનો ઍક્સિડન્ટ થાય છે. દિલ્હીની ડ્રગ-ડીલર બાબુ અને ઉત્તર પ્રદેશનો ખંડણીખોર મુન્ના બન્ને આમ તો કાચકાગળ જેવાં બરછટ છે, પરંતુ એ બરછટપણામાંથી પ્રેમના મુલાયમ અંકુર ફૂટી નીકળે છે. થોડાં લવ-સૉન્ગ્સ ગાયા પછી બાબુ અચાનક ગાયબ થઈ જાય છે અને આ મુન્નો તેને શોધતો-શોધતો આખું દિલ્હી ખૂંદી વળે છે.

આખરે બાબુ મળે છે. વાસ્તવમાં તે એક હરિયાણવી ડ્રગ-માફિયા રાણા તાઉ (નવોદિત દમનદીપ સિધુ)નો સુંવાળો સાથ છે. પોતાની દિલરુબાને મેળવવા માટે મુન્નો ત્યાં જ રહી પડે છે અને ધીમે-ધીમે તાઉની ગૅન્ગને ઊધઈની જેમ કોતરવા માંડે છે. પરંતુ બન્ને પ્રેમી પંખીડાંની બેય બાજુથી બૅન્ડ વાગે છે. એક તરફ જડભરત જેવો રાણા તાઉ છે તો બીજી તરફ શિકારી કૂતરાની જેમ શોધતી પોલીસ છે. બન્નેનું મિલન આસાન નથી.

બોલી અને ગોલી છતાં ફિલ્મ પોલી

૧૧૩ મિનિટની સન્માનજનક લંબાઈ ધરાવતી આ ફિલ્મ શરૂ થાય છે ‘મહાન’ ફિલ્મના કિશોર-આશા-RD બર્મનના ધમાકેદાર સૉન્ગ પ્યાર મેં દિલ પે માર દે ગોલી...થી. એમાંય બપ્પી લાહિરીનો ચટાકેદાર અથાણા જેવા અવાજનો ટ્વિસ્ટ. પછી એકદમ રિયલિસ્ટિક ફીલ આપતા શેકી કૅમેરા ઍન્ગલ્સ સાથે હીરો-હિરોઇનની એન્ટ્રી પડે છે. હીરો ‘કૈસન હો બબુઆ’ ટાઇપની ઉત્તર પ્રદેશની બોલી બોલે છે, જ્યારે હિરોઇન ‘ઝ્યાદા હોશિયારી ના બિખેરિયો’ ટાઇપની ટિપિકલ દિલ્હીની ઝુબાનમાં વાત કરે છે. ફિલ્મની શરૂઆત જોઈને આપણને રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘દૌડ’ પણ યાદ આવી જાય. પંદરેક મિનિટ આ ફીલ લેવાની મજા પડે, પરંતુ પછી આપણી મજા ચ્યુઇંગ ગમની જેમ મોળી પડવા માંડે, કેમ કે બધાને ખબર હોય કે આ બન્ને હીરો-હિરોઇન ભલે અત્યારે કૂતરા-બિલાડાંની જેમ ઝઘડે; પણ આવતા અડધા કલાકમાં તે બન્ને વચ્ચે પ્રેમ થવાનો જ છે. અને થાય પણ ખરો, પરંતુ એ પછી ફિલ્મમાં કોઈ નક્કર ટ્વિસ્ટ આવે જ નહીં. હા, પેલા ગુંડા રાણા તાઉની એન્ટ્રી થાય ત્યારે એની ‘થારો નામ કે હૈ રે છોરે?’ ટાઇપની હરિયાણવી બોલી સાંભળવાની મજા પડે. લેકિન ડિરેક્ટર નવનીત બહલ તાઉ, સ્ટોરી કિથ્થે હૈ?

હા, ફિલ્મને સાવ અન્યાય કરાય એવું પણ નથી. ભલે ફિલ્મમાં કોઈ મોટી સ્ટારકાસ્ટ નથી. ઈવન કોઈ સપોર્ટિંગ કાસ્ટ પણ નથી. માત્ર ઈન, મીન ને તીન જેવાં ત્રણ જ મુખ્ય કૅરૅક્ટર્સ છે. પરંતુ ફિલ્મનું મ્યુઝિક, ગીતો ઑફિસ જતાં સાંભળવાં ગમે એવાં છે. ખાસ કરીને ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખરેખર નોંધપાત્ર છે. ‘શોલે’ અને જેમાં ટોપીવાળા કાઉબૉય ઘોડા પર બેસીને ધાણીફૂટ ગોળીબાર કરતા હોય એવી હૉલીવુડની સ્પૅઘેટી વેસ્ટર્ન પ્રકારની ફિલ્મોની યાદ અપાવી દે એવી એક મસ્ત વ્હિસલ પણ આખી ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે વાગ્યા કરે છે. એટલે માત્ર આવી છૂટીછવાઈ ફીલ સિવાય ફિલ્મમાં કશું જ નવું નથી.

ત્રણેય મુખ્ય પાત્રોની ઍક્ટિંગ પણ જોવી ગમે એવી છે. ખાસ કરીને રિચા ચઢ્ઢા. આ અભિનેત્રી વધુ ને વધુ સારી ફિલ્મો કેમ નહીં કરતી હોય?

સોચ લો, તાઉ!

દુ:ખ એ વાતનું થાય કે રિચા ચઢ્ઢા જેવી ટૅલન્ટેડ ઍક્ટર હોય, એકસાથે ત્રણ રાજ્યોની દિલકશ બોલીની ફ્લેવર હોય અને ઠીકઠાક કર્ણપ્રિય ગીતો હોય તથા મજા પડે એવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક નાખ્યું હોય તો પછી દમદાર સ્ટોરી કેમ નહીં નાખી હોય? માત્ર થોડી હટકે ફીલ માટે આ ફિલ્મ જોવી હોય તો જોઈ શકાય, બાકી જૈ રામજી કી!