ફિલ્મ રિવ્યુ : શીરીં ફરહાદ કી તો નિકલ પડી

25 August, 2012 10:01 AM IST  | 

ફિલ્મ રિવ્યુ : શીરીં ફરહાદ કી તો નિકલ પડી

 

 

 

ડિરેક્ટર બેલા સેહગલની ‘શીરીં ફરહાદ કી તો નિકલ પડી’માં પારસી સ્ટાઇલની કૉમેડી કરવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં અમુક જગ્યાએ મહિલાઓનાં આંતરવસ્ત્રોને કેન્દ્રમાં રાખીને કૉમેડી કરવામાં આવી છે, એમાં પણ ભરપૂર હાસ્યરસ છલકે છે. ફિલ્મમાં હિરોઇન શીરીં ફુગ્ગાવાલા (ફારાહ ખાન) એક દિવસ ટિમ ટિમ લૉન્જરી શૉપમાં ખરીદી માટે જાય છે અને અહીં તેનો ભેટો સેલ્સમૅન ફરહાદ પસ્તાકિયા (બમન ઈરાની) સાથે થાય છે અને આ મુલાકાતથી તેમની અલગ પ્રકારની લવસ્ટોરીની શરૂઆત થઈ જાય છે. ફિલ્મમાં શીરીં પારસી જનરલ ટ્રસ્ટની ઑફિસર હોય છે જ્યારે ફરહાદ લૉન્જરીના સેલ્સમૅન તરીકે કામ કરતો હોય છે. ફિલ્મનાં આ બન્ને પાત્રો પારસી હોવાને કારણે ફિલ્મમાં ભરપૂર પ્રમાણમાં પારસી કૉમેડી છે. ફિલ્મમાં ધમાલ પારસી કૉમેડી વચ્ચે ફૉર્ટી-પ્લસ એટલે કે આધેડ વયનાં શીરીં અને ફરહાદનો રોમૅન્સ દર્શાવ્યો છે અને આ સંબંધને શીરીંની મમ્મી સ્વીકારવા તૈયાર ન હોવાને કારણે વાર્તામાં વધારે કૉમેડી ટ્વિસ્ટ આવે છે.

 

ફૉર્ટી-પ્લસ આધેડોની આ લવસ્ટોરીમાં શીરીં અને ફરહાદ પોતાનાં પારસી પાત્રોની દમદાર ઍક્ટિંગથી પ્રાણ ફૂંકવામાં સફળ સાબિત થયાં છે. ફિલ્મમાં ઢગલાબંધ વર્ષો જૂના પ્રચલિત સેક્સ-જોક્સ છે. ડિરેક્ટર બેલા સેહગલે ફિલ્મના કલાકારોની સાથે-સાથે આખી કાસ્ટની પણ બહુ સારી રીતે પસંદગી કરી છે જેના કારણે આખો ઉત્સાહી પારસી માહોલ તૈયાર થયો છે. ડેઇઝી ઈરાની અને શમ્મી આન્ટી લગ્નમાં કોઈ પણ રીતે ફાચર નાખવા માગતી આન્ટીઓના રોલમાં બહુ ક્યુટ લાગે છે. ફિલ્મમાં બમન પારસી ફરહાદ તરીકે એકદમ નૅચરલ લાગે છે જેના કારણે શીરીં તેને પસંદ કરે એ પહેલાં દર્શકો તેને પસંદ કરવા લાગે છે. આર્યજનક રીતે બમનની સામે ફારાહ થોડી નબળી પડે છે, જેના કારણે ફરહાદની સરખામણીમાં શીરીં થોડી મૂંઝાયેલી લાગે છે. આ બન્નેની કેમિસ્ટ્રીનું આ થોડું અસંતુલન મોટો માઇનસ પૉઇન્ટ છે. ફિલ્મનો બીજો નબળો મુદ્દો એ છે કે આ ફિલ્મના શૂટિંગમાં ક્રીએટિવ ઇમૅજિનેશન તેમ જ વાર્તાને રસપ્રદ રીતે કહેવાની શૈલીનો અભાવ છે. આ ફિલ્મનાં કેટલાંક કૉમેડી દૃશ્યો વધારે કૉમેડી બની શક્યાં હોત, પણ કમનસીબે એવું થઈ શક્યું નથી. બૉલીવુડનાં ગીતોની સીક્વન્સ ધરાવતું સૉન્ગ સારું છે. એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે શીરીં-ફરહાદ મજા કરાવે છે, પણ જબરદસ્ત કૉમેડી-ફિલ્મ બનતાં-બનતાં સહેજ માટે રહી જાય છે.

 

- જાહ્નવી સામંત