ફિલ્મ-રિવ્યુ : હિરોઇન : જેટલી ગાજી એટલી વરસી નહીં

22 September, 2012 06:58 AM IST  | 

ફિલ્મ-રિવ્યુ : હિરોઇન : જેટલી ગાજી એટલી વરસી નહીં

પહેલાં આ ફિલ્મમાં હિરોઇન તરીકે ઐશ્વર્યા રાય બચ્ચનને સાઇન કરવામાં આવી હતી, પણ દસ દિવસના શૂટિંગ પછી તેની પ્રેગ્નન્સીના સમાચાર જાહેર થતાં આ ફિલ્મ અભરાઈએ ચડાવી દેવામાં આવી હતી અને પછી કરીના કપૂરને લઈને આ ફિલ્મ બનાવવામાં આવી હતી. જોકે આ ફિલ્મની જેટલી ચર્ચા થઈ હતી એટલું સારું પરિણામ નથી મળી શક્યું. ફિલ્મમાં એવી અનેક બાબતો છે જેને બહુ ઉભડક રીતે દર્શાવવામાં આવી છે, જેનો માત્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને જ ખ્યાલ આવી શકે છે, પણ સામાન્ય દર્શકને એનો ખ્યાલ પણ ન આવે.

આ ફિલ્મમાં હિરોઇને કઈ રીતે રોલ મેળવવા સુપરસ્ટાર્સની પત્નીઓ સાથે મિત્રતા રાખવી પડે છે જેથી તેઓ પોતાના પતિને તેની સાથે કામ કરવાની પરમિશન આપે અથવા તો તેઓ જ્યારે પોતાનો શારીરિક ગેરલાભ ઉઠાવવા દેવાની ના પાડી દે તો કઈ રીતે તેનો રોલ કપાઈ જાય એ બહુ વિગતવાર દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં એક હિરોઇન દૂબળીપાતળી રહેવા માટે કઈ રીતે જમવાને બદલે પિલ્સ, શરાબ અને સિગારેટને રવાડે ચડી જાય છે એના પર જેટલું ધ્યાન આપ્યું છે એટલું ધ્યાન જો ફિલ્મની વાર્તા પર આપ્યું હોત તો વધારે સારું પરિણામ મળી શક્યું હોત.

ત્રણ અઠવાડિયાં પહેલાં રિલીઝ થયેલી ‘રાઝ ૩’ની જેમ જ આ ફિલ્મમાં પણ ધીરે-ધીરે વય વધતી જવાને કારણે યુવાની, કામ અને પ્રેમીઓ ગુમાવીને હતાશ થઈ ગયેલી હિરોઇનની વાત છે, પણ એને અલગ અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં દરેક પુરુષ મહિલાને ‘બેબ્સ’ કહીને સંબોધે છે અને હિરોઇનને મગજ નથી હોતું એવું એક કરતાં વધારે વખત કહેવામાં આવ્યું છે જે ફિલ્મ જોતી વખતે ખૂંચે છે. ફિલ્મની વાર્તા પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈ ગયેલી ચીલાચાલુ માન્યતાઓની આસપાસ આકાર લે છે.

‘હિરોઇન’માં માહી અરોરા (કરીના કપૂર) એ સુપરસ્ટાર અને ડ્રામા-કવીન છે જે આંખમાં આંસુ લાવવાની પોતાની ઇમોશનલ ઍક્ટિંગને કારણે લોકપ્રિય છે. તેનામાં ટિપિકલ ઍક્ટ્રેસના તમામ દુગુર્ણ છે. તે સતત સ્મોકિંગ અને ડ્રિન્કિંગ કરે છે અને પ્રાઇવેટમાં આર્યન ખન્ના (અજુર્ન રામપાલ) નામના ઍક્ટર સાથેનું તેનું પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોય છે. આર્યનના ડિવૉર્સ થતાં માહી પોતાની કરીઅર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આર્યન સાથે લગ્ન કરવાની જીદ પકડે છે. માહીની આ સતત ડિમાન્ડથી કંટાળીને એક તબક્કે આર્યન તેની સાથેના પોતાના તમામ સંબંધો તોડી નાખે છે અને તેને મધરસ્તે પોતાની કારમાંથી ઉતારી મૂકે છે.

આ રિજેક્શનથી હતાશ થઈને માહી શરાબ અને પિલ્સના રવાડે ચડી જાય છે અને ડિપ્રેશનમાં આંસુઓ સારીને દિવસ પસાર કરવા લાગે છે. આ પરિસ્થિતિમાં માહીના જીવનમાં પબ્લિક રિલેશન્સ એક્સપર્ટ પલ્લવી (દિવ્યા દત્તા)નો પ્રવેશ થાય છે. માહીની કરીઅરને પાટે ચડાવવા માટે તે તેને ક્રિકેટર અંગદ પૉલ (રણદીપ હૂડા) સાથે પ્રેમપ્રકરણ રચાવવા અને આર્ટ-ફિલ્મમાં મેક-અપ વગર કામ કરવાની સલાહ આપે છે. આ પ્રેમપ્રકરણ બાદ અંગદ લગ્ન કરવા તૈયાર હોય છે, પણ આ વખતે માહી લગ્ન કરવાને બદલે કરીઅર પર ધ્યાન આપવાનો નિર્ણય લઈને તેને પડતો મૂકી દે છે. આ નિર્ણય પછી ફરી તે શરાબની લતમાં સરી પડે છે. બીજી તરફ તેની આર્ટ-ફિલ્મ પણ બંધ થઈ જાય છે જેના કારણે ડિપ્રેશનનો દોર શરૂ થઈ જાય છે.

ફિલ્મમાં હિરોઇન માહીનું પાત્રાલેખન જ વિચિત્ર છે. એમાં તેને એટલી સ્વાર્થી બતાવવામાં આવી છે કે તે તેની માતા પાસેથી પણ કામ કરવાના પૈસા લે છે અને તે પોતાના બૉયફ્રેન્ડ્સ પાસેથી ફિલ્મમાં કામ કરવાની તક માગે છે, પણ પછી તે તેમને જ મુસીબતમાં મૂકી દે છે. ફિલ્મમાં તેનું પાત્ર તેની તરફ સહાનુભૂતિ ઊભી થાય એવું નથી, પણ તેને જોઈને તે સ્વાર્થી અને લુચ્ચી વ્યક્તિ છે એવી છાપ ઊભી થાય છે. વળી મજાની વાત તો એ છે કે માહી આવી કેમ છે એની વિગતો સમજાવવાની ડિરેક્ટરે તસ્દી જ નથી લીધી.

આમ ‘હિરોઇન’ એ ‘સત્તા’ અને ‘ફૅશન’ની જેમ જ મધુર ભંડાકરની હિરોઇનલક્ષી ફિલ્મ છે, પણ આ ફિલ્મ બનાવતી વખતે સ્કૅન્ડલ્સ અને સનસનાટી તરફ જેટલું ધ્યાન આપવામાં આવ્યું છે એટલું ફિલ્મની વાર્તા પર નથી આપવામાં આવ્યું. આ ફિલ્મની વાર્તાનું પોત બહુ નબળું છે. જાણે ફિલ્મના દરેક સ્કૅન્ડલને હિરોઇનના જીવનના એપિસોડ તરીકે દેખાડવાની ઉતાવળ હોય એવી રીતે ઝડપથી એક પછી એક ઘટનાક્રમ દેખાડવામાં આવ્યો છે, પણ દરેક ઘટનાની સંવેદનશીલતાને ઝીલવામાં ડિરેક્ટર નિષ્ફળ સાબિત થયો છે.

ફિલ્મમાં કરીનાએ સુપરસ્ટારના નશામાં આપખુદ હિરોઇનમાંથી નબળા તબક્કામાં ભાંગી પડેલી ઍક્ટ્રેસના પાત્રને સારી રીતે ન્યાય આપ્યો છે. ફિલ્મમાં શહાના ગોસ્વામી અને રણવીર શૌરીને ચમકાવતો આર્ટ-ફિલ્મનો ટ્રૅક પણ રસપ્રદ છે, બાકી આ ફિલ્મમાં એવું કંઈ નથી જે આ પહેલાંની આવી વાર્તાવાળી ‘રંગીલા’, ‘મસ્ત’ અને ‘ધ ડર્ટી પિક્ચર’ જેવી ફિલ્મોમાં જોવા ન મળ્યું હોય.

પૈચાન કૌન?

‘હિરોઇન’માં ડિરેક્ટર મધુર ભંડારકરે એવા ઢગલાબંધ વિવાદિત ઘટનાક્રમ મૂક્યા છે જેમાં રિયલ લાઇફમાં કોઈ ને કોઈ સેલિબ્રિટીની સંડોવણી થયેલી હોય. આ રહ્યા એ ઘટનાક્રમ...

માહીને મધરાતે કારમાંથી રસ્તા પર ઉતારી દેવામાં આવે છે. તે પછી પોલીસ-સ્ટેશનમાં જાય છે, પણ ફરિયાદ નોંધાવ્યા વગર નીકળી જાય છે.

માહી ક્રિકેટર સાથે ડેટિંગ કરે છે અને ક્રિકેટટીમ ખરીદવાનો વિચાર કરે છે.

બૉયફ્રેન્ડની એક્સ-વાઇફના ચહેરા પર માહી વાઇન ફેંકે છે.

માહી હાથમાં ઝાડુ લઈને જુહુમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લે છે.

માહી તેની હરીફના પાસર્પોટમાં તેની જન્મતારીખ સાથે છેડછાડ કરીને તેને મુસીબતમાં મૂકી દે છે.

માહી જ્યારે શારીરિક શોષણની ના પાડી દે છે ત્યારે સુપરસ્ટાર અબ્બાસ ખાન માહીના સીન કાપીને તેના બદલે ફિલ્મમાં આઇટમ-સૉન્ગ કરનારી તેની હરીફની ભારે પબ્લિસિટી કરે છે.

બંગાળી આર્ટ-ફિલ્મ ડિરેક્ટર સેટ પર મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દે છે.

માહી પ્રોસ્ટિટ્યૂટના પોતાના રોલના રિસર્ચ માટે રેડ લાઇટ એરિયામાં જાય છે.

એક સિનિયર ઍક્ટ્રેસે પોતાના શૉટની રાહ જોવા માટે તડકામાં શેકાવું પડે છે, કારણ કે પ્રોડ્યુસરની પત્ની દરેક પાઈનો હિસાબ રાખતી હોવાને કારણે પ્રોડક્શન-હાઉસ પાસે વૅનિટી વૅન પાછળ ખર્ચ કરવાના પૈસા નથી.

- જાહ્નવી સામંત