ફિલ્મ-રિવ્યુ : હૅપી ન્યુ યર

26 October, 2014 05:35 AM IST  | 

ફિલ્મ-રિવ્યુ : હૅપી ન્યુ યર






યશ મહેતા

ચોરીની વાર્તાઓમાં એક હાઇસ્ટ નામનો કથાપ્રકાર છે જેમાં એક ગુંડાટોળકી ચોરીનો કાંડ કરવા માટે ભેગી મળે, ચોરીનું પ્લાનિંગ કરે અને પછી ચોરીનું ઑપરેશન પાર પાડે. શાહરુખની ફારાહ ખાને ડિરેક્ટ કરેલી લેટેસ્ટ ફિલ્મ ‘હૅપી ન્યુ યર’ આવી જ એક હાઇસ્ટ ફિલ્મ છે. યકીન માનો, આ ફિલ્મમાં સમ ખાવા પૂરતું એક પણ એલિમેન્ટ નવું નથી, એમ છતાં આ ફિલ્મ પર્ફે‍ક્ટ દિવાલી એન્ટરટેઇનર છે.

મ્યુઝિકલ ચોરી

સ્ટાઇલથી ફાટ-ફાટ થતો ચંદ્રમોહન શર્મા ઉર્ફે‍ ચાર્લી (શાહરુખ ખાન) એઇટ-પૅક ઍબ્સ બનાવીને ચરન ગ્રોવર (જૅકી શ્રોફ) નામના માણસની પાછળ પડ્યો છે. શાહરુખનો ટાર્ગેટ છે કે ગમે તે ભોગે ગ્રોવરની ગેમ ઓવર કરી નાખવી. ત્યાં તેને ખબર પડે છે કે ગ્રોવર એક પાર્ટીના ત્રણસો કરોડ રૂપિયાની કિંમતના હીરા દુબઈમાં લાવવાનો છે. જે દિવસે એ હીરા ત્યાં આવશે એ જ દિવસે એક ડાન્સ-કૉમ્પિટિશન પણ છે. એટલે શાહરુખભાઈ નક્કી કરે છે કે આપણે ડાન્સ-કૉમ્પિટિશનમાં ભાગ લેવો અને સાથોસાથ એ હીરા પણ સફાચટ કરી લેવા. હવે આ કામ એકલાથી તો થાય નહીં. એટલે તે જૅક (સોનુ સૂદ), ટૅમી (બમન ઈરાની), નંદુ ભિડે (અભિષેક બચ્ચન) અને એક કમ્પ્યુટર-હૅકર રોહન (વિવાન શાહ)ની મદદ લે છે.

પરંતુ આ પાંચેય જણ નાચે તો સાંઢિયો કૂદતો હોય એવું લાગે. એટલે તેમને ડાન્સ શીખવવા માટે એક બાર-ડાન્સર મોહિની જોશી (દીપિકા પાદુકોણ)ની મદદ લેવામાં આવે છે. આ છ જણની ટીમ ભારતમાંથી સિલેક્ટ થઈને ફાઇનલ રાઉન્ડ માટે દુબઈ પહોંચે છે અને ત્યાં હીરાની ચોરીનું પરાક્રમ અમલમાં મૂકે છે.

એક મિનિટ, પણ આ ચાર્લી પેલા ગ્રોવરની પાછળ શું કામ પડ્યો છે? અને બાકીના લોકો પણ તેની સાથે શા માટે જોડાય છે? અને સૌથી મોટો સવાલ, તે લોકો સફળ થશે? વેલ, હવે એ માટે તો તમારે આખી ફિલ્મ જ જોવી પડે. એમાં અમે કશું જ ન કરી શકીએ!

ધ શાહરુખ શો

શાહરુખ ખાન માટે એક સનાતન ફરિયાદ એવી છે કે તે કોઈ પણ ફિલ્મમાં શાહરુખ જ હોય છે. મતલબ કે તે ઇરફાન કે આમિરની જેમ પોતાના પાત્રમાં ડૂબી જવાને બદલે પોતે શાહરુખ-ધ સુપરસ્ટાર તરીકે જ વર્તતો હોય છે. અગાઉ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં પણ એવું જ હતું અને અહીં ‘હૅપી ન્યુ યર’માં પણ એવું જ થયું છે. શાહરુખ પોતે પોતાની અગાઉની ફિલ્મોના જ ડાયલૉગ્સ બોલે છે અને એનો એ જ જૂનો બે હાથ પહોળા કરવાનો ટ્રેડમાર્ક ડાન્સ કરે છે. ફારાહ ખાને પણ શાહરુખની સુપરસ્ટાર ઇમેજને વટાવવામાં કોઈ કસર છોડી નથી.

ફૅમિલી એન્ટરટેઇનર

અમુક ઠેકાણે ગાલીપ્રયોગને બાદ કરતાં આ ફિલ્મ તહેવારો માટે શ્યૉર શૉટ ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે, પરંતુ બીજા પૉઇન્ટ ઑફ વ્યુથી પણ આ ફિલ્મને ફૅમિલીની વ્યાખ્યામાં મૂકવી પડે એવું છે. એક તો આ ફિલ્મનું પ્રોડક્શન શાહરુખની કંપની રેડ ચિલીઝે અને શાહરુખની પત્ની ગૌરીએ સંભાળ્યું છે. ફારાહ ખાન સાથે શાહરુખ આણિ મંડળીને ફૅમિલી જેવા સંબંધો છે. ફિલ્મમાં પણ સાજિદ ખાન પોતે દેખા દે છે. અરે, માત્ર સાજિદ જ નહીં, શાહરુખનો સૌથી નાનો ટેણિયો દીકરો અબરામ અને ફારાહ ખાનનાં ટ્રિપલેટ્સ સંતાનો પણ પડદા પર આંટા મારી જાય છે. આ ઉપરાંત ‘હૅપી ન્યુ યર’ના જથ્થાબંધ મહેમાન કલાકારોમાં ફિલ્મમેકર અનુરાગ કશ્યપ, સંગીતકાર વિશાલ દાદલાણી, મલઇકા અરોરા-ખાન, પ્રભુ દેવા, અનુપમ ખેર, ડિનો મોરિયા, કોરિયોગ્રાફર ગીતા કપૂર, ડેઇઝી ઈરાની, ઍન્કર્સ વિશાલ મલ્હોત્રા અને લોલા કુટ્ટી... ઉફ! ગણતાં થાકો એટલા મહેમાન-કલાકારો છે ફિલ્મમાં. હવે એમાં એવું છે કે ફારાહ ખાન આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને પોતાની ફૅમિલી જ ગણે છે. એટલે તે બન્ને ભાઈ-બહેન પોતાની ફિલ્મોમાં ગમે તેની મજાક ઉડાવતાં ફરે છે. આ વખતે તેમણે પીઢ કોરિયોગ્રાફર સરોજ ખાનની મજાક ઉડાવીને લોકોનું લાફ્ટર ઉસેટવાનો પ્રયત્ન કર્યો છે. હા, આ ફિલ્મમાં અન્ય ફિલ્મોના એટલાબધા સંદર્ભો છે કે તમે શોધી શકો તો એ મજા તમારી.

હૅપી બાતેં

શરૂઆતથી છેક છેલ્લે સુધી આ ફિલ્મ હળવો ટોન જાળવી રાખે છે. દરેક પાત્રની આગવી લાક્ષણિકતાઓ ફારાહે બખૂબી ઊપસાવી છે. જેમ કે સોનુ સૂદ એક કાને બહેરો છે અને માનું નામ સાંભળીને ઇમોશનલ થઈ જાય છે. મોહિની એટલે કે દીપિકા પાદુકોણ કોઈને ઇંગ્લિશ બોલતાં સાંભળીને તેના પર ઓવારી જાય છે. બમન તાળાં ખોલવામાં માસ્ટર છે, પણ તેની મમ્મીથી ડરે છે અને તેની થેલીમાંથી તે કંઈ પણ વસ્તુ કાઢી શકે છે. ઇન ફૅક્ટ, આ ફિલ્મનો સૌથી ધારદાર પર્ફોર્મન્સ બમન ઈરાનીનો જ છે. લોકોને એન્ટરટેઇન કરવા માટે તેને એઇટ-પેક ઍબ્સ બનાવવાની કે કપડાં ઉતારવાની પણ જરૂર નથી પડી. તે માત્ર પોતાની ઍક્ટિંગથી જ આ કામ કરી બતાવે છે.

અમુક-અમુક કૉમેડી સીન્સ ખરેખર સારા બન્યા છે. જેમ કે એક સીનમાં દીપિકા શાહરુખની ‘ચક દે ઇન્ડિયા’વાળી સ્પીચ આપે છે. બીજા એક સીનમાં છએ છ પાત્રો એક જ લિફ્ટમાં ભરાઈને કશું બોલ્યા વગર માત્ર વિચારીને જ એકબીજા સાથે જીભાજોડી કરે છે. ‘નૉનસેન્સ કી નાઇટ’ ગીતનું અનોખું પિક્ચરાઇઝેશન વગેરે. અરે એક સીનમાં તો મોદીસાહેબ (જોકે ડુપ્લિકેટ તરીકે) પણ દેખાય છે! સારી સિનેમૅટોગ્રાફી અને દુબઈદર્શનને કારણે હવે દુબઈ જનારા ભારતીયોમાં ઔર વધારો થવાનો.

સૅડ બાતેં

અત્યારના ફાસ્ટ જમાનામાં ત્રણ કલાકની તોતિંગ લંબાઈ અસહ્ય પુરવાર થઈ પડે છે. અમુક બિનજરૂરી ફાઇટિંગ, ગીતો વગેરે કાપી નાખવામાં આવ્યાં હોત તો ફિલ્મ હજી ચુસ્ત બની શકી હોત. પહેલા પોણા કલાક સુધી તો બધાં પાત્રોની પરિચયવિધિ જ ચાલ્યા કરે છે. અરે, ખુદ દીપિકા પાદુકોણની એન્ટ્રી પણ ખાસ્સા એક કલાક પછી થાય છે. એ પછી છેક મૂળ વાર્તાનાં મંડાણ થાય છે. વળી આગળ કહ્યું એમ આ ફિલ્મમાં કશું જ નવું નથી. ઉપરથી આખી સ્ટોરી એટલી પ્રિડિક્ટેબલ છે કે આપણે અનુમાન લગાવતાં જઈએ અને એવું જ બનતું જાય. વળી આપણને થાય કે શાહરુખ એટલોબધો સેલ્ફ-ઑબ્સેસ્ડ હશે કે દરેક ફિલ્મમાં તેને પોતાની જાતને જ રિપીટ કરવી પડે? અને જો ફિલ્મમાં લૉજિક શોધવા ગયા તો દિમાગને ભડાકે દેવાનું મન થઈ આવે. જાણે ફ્રિજમાંથી આઇસક્રીમનો કપ કાઢવાનો હોય એ રીતે નાચતાં-નાચતાં હીરા ચોરી લાવવાનું આખું ઑપરેશન તદ્દન ચાઇલ્ડિશ લાગે છે. વચ્ચે-વચ્ચે આપણને એવું પણ થાય કે આ ફિલ્મ તો ‘ધૂમ:૩’ જોતાં હોઈએ એવી કેમ લાગે છે? અને હા, અનુરાગ કશ્યપ અને વિશાલ દાદલાણીએ સસ્તા ગે-જોક્સ કરવાનું કેમ સ્વીકાર્યું હશે?

‘મનવા લાગે’ અને ‘ઇન્ડિયાવાલે’ ગીતો કંઈક સહ્ય છે, બાકીનાં ગીતો તો ફિલ્મને લાંબી કરવા સિવાય કશાં ખપનાં નથી.

શાહરુખ કે નામ પર આમ તો શાહરુખ ખાનના ભક્તો તો કોઈ પણ ભોગે આ ફિલ્મ જોવા ધસી જ જવાના છે, પરંતુ જેમને પૈસા ખર્ચવા કે નહીં એની અવઢવ હોય તેમને એટલું તો કહી શકાય કે ભયંકર લાંબી હોવા છતાં આ ફિલ્મ સાવ હથોડાની કૅટેગરીમાં મૂકી શકાય એવી નથી, બલ્કે બચ્ચાલોગને તો મજા પડે એવી છે. જો પેલી ગંદી ગાળો ન નાખી હોત તો બાળકોને લઈ જવામાં જરાય કચવાટ ન થાત. અને હા, ફિલ્મ પૂરી થયા પછી છેલ્લા ગીત માટે બેસી રહેજો. ફારાહ ખાને તેની સ્ટાઇલ પ્રમાણેની અનોખી એન્ડ-ક્રેડિટ્સ અહીં પણ મૂકી છે.