ફિલ્મ-રિવ્યુ : દબંગ ૨, પાન્ડેજી પાવરહાઉસ

22 December, 2012 09:10 AM IST  | 

ફિલ્મ-રિવ્યુ : દબંગ ૨, પાન્ડેજી પાવરહાઉસ




સીન-૧ : ચુલબુલ પાન્ડેનો ગુંડાઓ સાથે એક ગોડાઉનમાં મુકાબલો થાય છે. પહેલાં થોડી ડાયલૉગબાજી પછી ચુલબુલ હવામાં ઊડે છે અને ગુંડાઓને મારે છે. પછી પાછી થોડી ડાયલૉગબાજી.

સીન-૨ : ચુલબુલ ફૅમિલીમાં પત્ની રજ્જો (સોનાક્ષી સિંહા), ઓરમાન પિતા પ્રજાપતિ પાન્ડે (વિનોદ ખન્ના જે સાવ ઘરડા લાગે છે) અને ભાઈ મખ્ખી (ડિરેક્ટર અરબાઝ ખાન) સાથે મજાથી રહેતો દર્શાવાયો છે. તે તેની મૂછ પર હાથ ફેરવે છે, તેના મસલ બતાવે છે અને આમતેમ આંટા મારે છે. હવે સમય થયો એક ગીતનો.

સીન-૩ : ચુલબુલનો મુકાબલો સ્મગલરો અને ડાકુઓ સાથે થાય છે. પહેલાં થોડી ડાયલૉગબાજી પછી ચુલબુલ હવામાં ઊડીને બધાને મારે છે. પછી ફરી થોડી ડાયલૉગબાજી.

સીન-૪ : ચુલબુલ તેના સાથીદારોને થોડા પજવે છે. પૈસા ડોનેટ કરે છે અને તેના પિતા, ભાઈ અને પત્નીની મશ્કરી કરે છે.

સીન-૫ : ચુલબુલની પત્ની ગુસ્સે ભરાઈ જાય છે. મતલબ કે ફરી ગીતનો સમય થયો.

આવા સીન વારંવાર રિપીટ થતા રહે છે અને તમને થાય કે ચુલબુલ પાન્ડે જેવું મહત્વનું કૅરૅક્ટર આ શું કરી રહ્યું છે. આના પગલે એ શું કહેવા માગે છે અને આગળ ક્યાં જવા માગે છે? જોકે તમે વિચારતા જ રહી જશો, કારણ કે આવા સીન પછી ક્યાંય પહોંચાતું નથી. આ ફિલ્મ ડ્રામા અને ડાયલૉગથી ભરપૂર છે પણ એની કથાનો પ્લૉટ તદ્દન નબળો છે. એમ જ લાગે કે અગાઉ આવેલી દબંગની ફ્રેમ બાય ફ્રેમ કૉપી છે. એક આગેવાન કહી શકાય એવા કથાનાયકની વાર્તા જાણે ટીવી-સિરિયલના એપિસોડની જેમ આગળ વધે છે.

અગાઉની ફિલ્મથી વાર્તા આગળ વધે છે. ચુલબુલ પાન્ડે કુંગ ફુ પાન્ડે બની ગયો છે. તેણે તેના ઓરમાન પિતા અને ભાઈ સાથે સમાધાન કરી લીધું છે. તેની ટ્રાન્સફર હવે કાનપુર થઈ ગઈ છે. કાનપુરમાં ગૅન્ગસ્ટરમાંથી પૉલિટિશ્યન બનેલા બચ્ચા ભૈયા (પ્રકાશ રાજ)નું રાજ છે. અહીં ચુલબુલભૈયા તેમના નામ અને ગુણ પ્રમાણે બચ્ચા ભૈયાના ગુંડાઓ સાથે વારંવાર ભીડી જાય છે. ચુલબુલ બચ્ચાના ગુંડાઓનો દરેક વખતે ખાતમો બોલાવી દે છે. અરે ભાઈ, ચુલબુલ જેનું નામ. તે હવામાં ઊડે છે, લાઇટની સ્પીડ કરતાં પણ તેજ ગતિએ દોડે છે અને એક જ મુક્કામાં કોઈ પણ વ્યક્તિને મારી શકે છે. જોકે આ ફિલ્મમાં ચુલબુલને વધુ ચમત્કારિક પાવર મળ્યા છે અને એ આખી ફિલ્મમાં જોવા મળે છે.

આ ફિલ્મમાં મખ્ખીભૈયા પણ હસાવે છે. જોકે ક્યારેક રિયલ લાઇફ સીન જેવી ઘટના પણ એમાં બતાવાઈ છે જેમાં એક દૃશ્યમાં ચુલબુલ પાન્ડે તેને કંઈક જવાબદારી ઉપાડતો જુએ છે. આ સીન થોડો હૃદયસ્પર્શી છે. અરબાઝ ખાન માટે એટલું કહી શકાય કે આ તેની પહેલી ફિલ્મ હોય એવું લાગે છે. તેને લેખક દિલીપ શુક્લાની પટકથાનો સારો ફાયદો મળ્યો છે અને એના પરથી જ લાગે છે કે ચુલબુલ પાન્ડે ફિલ્મનો હીરો છે.

જોકે આપણા ચુલબુલભાઈ હીરો છે અને સાથે પોલીસ-અધિકારી પણ છે છતાં જાહેરમાં ભ્રષ્ટાચાર આચરતા દર્શાવાયા છે. વળી તેઓ દેશ માટે અભિમાન ધરાવે છે છતાં તેમના સામાજિક ન્યાયની વાતો પણ જટિલ છે, સમજાય એવી નથી. જોકે ‘ફેવિકૉલ...’  અને ‘પાન્ડેજી સીટી...’ ગીતોની કોરિયોગ્રાફી અલગ છે છતાં એ જોઈને મુન્ની જાતે શરમાઈને છુપાઈ જાય. પ્રકાશ રાજ અને દીપક ડોબરિયાલ જેવા સશક્ત અભિનેતાઓ અહીં વેડફાઈ ગયા છે.

જોકે આપણો સલમાન અહીં પાછો તેના ટૉપ ફૉર્મમાં છે અને તેના ચાહકોને એ જરૂર ગમે તેવો છે.

- જાહ્નવી સામંત