બેવૉચ- ડોન્ટ વૉચ

03 June, 2017 07:36 AM IST  | 

બેવૉચ- ડોન્ટ વૉચ

ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

નેવુંના દાયકાની શરૂઆતમાં આપણે ત્યાં સૅટેલાઇટ ચૅનલોનું નવું-નવું આગમન થયેલું. એમાં ‘બેવૉચ’ નામની સિરિયલે શોખીન વડીલો અને જુવાનિયાંવને બરાબરનો ચસકો લગાડેલો. એમાં ટેલિવિઝન સ્ક્રીન પર લાલ બિકિની પહેરીને દોડતી ચાર-પાંચ કમનીય સુંદરીઓને જોવા માટે કેટલાય લોકો ઉજાગરા કરતા. એ સિરિયલના એકેય હપ્તાની સ્ટોરી ભલે ન ખબર હોય, પણ પમેલા ઍન્ડરસનનું નામ અને તેના ફિગર વિશેની માહિતી ન હોય તેવો યુવાન તમને ન મળે. એ સિરિયલને ફિલ્મ સ્વરૂપે ફરીથી જીવંત કરવાનો આઇડિયા કાગળ પર કદાચ રોમાંચક લાગી શકે, પરંતુ પડદા પર એ સડી ગયેલી કેરી જેવું લાગે છે.

તેરે મેરે બીચ મેં


ફ્લૉરિડાના એમરલ્ડ બે બીચ પર લાલ સ્વિમિંગ-કૉસ્ચ્યુમધારી લાઇફગાર્ડ એજન્સી બેવૉચમાં ભરતી ચાલી રહી છે. લગભગ સરખી જ લંબાઈ અને પહોળાઈ ધરાવતો મિચ બ્યુકેનન (ડ્વેઇન જૉન્સન) અને કેટલીક ચુસ્ત બદન ધરાવતી યુવતીઓ ત્રણ નવાં રિક્રૂટમેન્ટ કરી રહ્યાં છે. આપણને અમેરિકામાં નોકરીઓની સ્થિતિ વિશે ચિંતા થઈ આવે એટલી મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ આ ત્રણ જગ્યા માટે ઊમટી પડ્યાં છે.

થોડી એક્સરસાઇઝ અને બહુબધા સ્કિન-શો પછી એમાં એક ભૂતપૂર્વ ઑલિમ્પિક સ્વિમર (ઝૅક એફ્રોન), એક ચક્રમ અને એક યુવતીનું ટ્રેઇની લાઇફગાર્ડ તરીકે સિલેક્શન થઈ જાય છે. ત્યાં લાંબા-પહોળા મિચને શંકા જાય છે કે આ બીચ પર ડ્રગ્સની દાણચોરી ચાલી રહી છે. શંકા જાય છે ત્યાંની એક ક્લબની પહોંચેલી માલકિન વિક્ટોરિયા લીડ્સ (પ્રિયંકા ચોપડા) પર. હવે આ વિક્ટોરિયાનું સીક્રેટ શું છે અને આ લાઇફગાડ્ર્સ ડૂબતા લોકોને બચાવવાની પોતાની ડ્યુટી છોડીને ACP પ્રદ્યુમ્ન જેવું કામ કરવામાં સફળ રહે છે કે કેમ એ જાણવા માટે તમારે પણ આ ફિલ્મમાં ઝંપલાવવાનું જોખમ ઉઠાવવું પડશે.

સમુંદર મેં નહા કે

આમ તો બહાર કાળઝાળ ગરમી પડતી હોય અને થિયેટરની અંદર મસ્ત ઠંડક હોય અને સામે ‘બેવૉચ’ જેવી ફિલ્મ ચાલી રહી હોય ત્યારે જાગતા રહેવું લગભગ અશક્ય છે. છતાં અનિદ્રા કે અન્ય મનોશારીરિક કારણોસર તમે જાગતા રહો અને ફિલ્મ જુઓ તો તમને કંઈક આવાં દૃશ્યો દેખાય. સુપરહૉટ બિકિનીધારી યુવતીના સ્પર્શથી એક યુવાન એટલોબધો ઉત્તેજિત થઈ ગયો છે કે તેના શરીરનું ચોક્કસ અંગ ગુરુત્વાકર્ષણની અસરથી મુક્ત થઈ જાય છે. એ શરમથી બચવા માટે તે પાસે પડેલા એક બાંકડા પર ઝંપલાવે છે અને એ બેશરમ અંગ બાંકડામાં ફસાઈ જાય છે. લગભગ પાંચેક મિનિટ સુધી એ અંગને મુક્ત કરાવવાની ક્વાયત ચાલે છે. બીજું સૅમ્પલ જુઓ. એક શબઘરમાં પોસ્ટમૉર્ટમ કરેલા મડદાની તપાસ ચાલી રહી છે. ડ્વેઇન જૉન્સન તેના સાથીદાર એફ્રોનની મસ્તી કરવા માટે એ મડદાના પ્રાઇવેટ પાર્ટનું પરીક્ષણ કરાવે છે એટલું જ નહીં, એના ફોટા પણ પાડે છે.

એક ઘ્ ગ્રેડ કૉમેડીમાં ચાલે એવાં આ દૃશ્યો ખાસ કરીને યંગસ્ટર્સ પાસેથી સસ્તું હાસ્ય ઉઘરાવવા માટે મુકાયેલાં છે. પરંતુ એ એવાં ફૂવડ છે કે જો થિયેટરનાં ઍર-કન્ડિશનમાંથી ઠંડી હવાની સાથોસાથ લાફિંગ ગૅસ પણ છોડવામાં આવે તો જ એમાં હસવું આવે. ફિલ્મનાં મોટા ભાગનાં કૉમિક દૃશ્યોની આ જ હાલત છે. જોકે ચિપ કૉમેડી આ ફિલ્મનો મેઇન પ્રૉબ્લેમ નથી. ‘બેવૉચ’નો સૌથી મોટો ત્રાસ એ છે કે એમાં ઓરિજિનાલિટી કે નવીનતા નામની કોઈ વસ્તુ જ નથી.

દર્શક તરીકે આપણને ખબર છે કે આ લોકો ભલે વડા પ્રધાનની સામે ન જઈ શકે એવાં ટૂંકાં કપડાં પહેરીને ફરતાં હોય, પરંતુ તેમનું કામ દરિયામાં ડૂબતા લોકોનો જીવ બચાવવાનું છે. શરૂઆતમાં એક વખત એવું કરીને પણ બતાવે છે. પછી સીધા મુખ્ય વાત પર આવી જવાને બદલે ફરી પાછા કોઈકને બચાવવા જાય. એય પૂરતું ન હોય એમ દર થોડી વારે કંપનીના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટે મોકલાવેલી વર્ક રિસ્પૉન્સિબિલિટીની શીટ ભરતા હોય એમ પોતાનાં કામ ગણાવ્યે જ રાખે.

ફિલ્મના પુરુષો બેશરમની જેમ સ્ત્રીઓનાં સ્તનની સામે તાક્યા કરે એવું સેક્સિઝમ પચાવી જાઓ તોય ફીમેલ કૅરૅક્ટર્સના ભાગે સેક્સ-સિમ્બોલ બનીને ફરવા સિવાય કશું કામ નથી આવ્યું એ વાત કઠ્યા કરે. ખાસ કરીને હૉલીવુડમાં આ ફિલ્મથી જેની એન્ટ્રી થઈ રહી છે તે પ્રિયંકા ચોપડા માટે આપણને લાગી આવે. પિન્ક પૅન્થર-૨ની ઐશ્વર્યા રાયની જેમ પ્રિયંકા પણ અહીં ઠીકઠાક નેગેટિવ રોલમાં છે. પરંતુ આખી ફિલ્મમાં નાદિરા સ્ટાઇલના આઠ-દસ સીનને બાદ કરતાં તે જ ક્યાંય દેખાતી નથી. (સંસ્કારી લોકોનાં મનમાં) નેગેટિવિટી ઊભી કરવા માટે પ્રિયંકા પાસે ક્લિવેજના પ્રદર્શન સિવાય કશું જ કરાવાયું નથી. એટલે બિચારીની સ્કિલને બદલે સ્કિન જ દેખાઈ છે (રાધર, એય પૂરતી નથી દેખાઈ).

તાકાત માત્ર પુરુષો પાસે જ હોય, કટોકટીની સ્થિતિમાં પુરુષો જ બચાવી શકે, સ્ત્રી માત્ર સેક્સને પાત્ર જેવું સેક્સિસ્ટ ચિત્રણ બાજુએ મૂકો તોય અહીં ક્લિશે દૃશ્યોનો પાર નથી. જેમ કે આગમાંથી સ્ત્રીને બચાવવી, હીરોની પીઠ પાછળ જબ્બર બ્લાસ્ટ થાય અને હીરો એ તરફ મચ્છર મારવા જેટલું પણ ધ્યાન ન આપે, વિલનના અડ્ડામાં ઘૂસવા માટે હીરોએ કારણ વિના સ્ત્રીવેશ ધારણ કરવો પડે (કપિલ શર્મા શો ઇફેક્ટ?), દારૂ પીને સ્વિમિંગ-પૂલમાં ખાબકવું, ફેસબુક પર સ્ટેટસ મૂકતા હોય એ સ્પીડે આખી સિસ્ટમ હૅક થઈ જાય, વિલનના આદમીલોગમાં પાવલીનીયે અક્કલ ન હોય, ખરે ટાણે હીરો સુપરમૅનની જેમ પ્રગટ થઈ જાય વગેરે. એમાંય ડ્રગ્સના સ્મગલિંગની પદ્ધતિ જોઈને તો સિત્તેર-એંસીના દાયકાની હિન્દી ફિલ્મો જિનીયસ લાગવા માંડશે.

હા, એટલું ખરું કે કેટલાક જોક્સ આપણને હસાવવામાં સફળ રહે છે. જેમ કે ડ્વેઇન જૉન્સન ઝૅક એફ્રોનને હાઈ સ્કૂલ મ્યુઝિકલ કહીને ખીજવે છે. અસલમાં તેણે હાઈ સ્કૂલ મ્યુઝિકલ સિરીઝની ફિલ્મોમાં કામ કરેલું. ગિલ્ટી પ્લેઝર તરીકે જોઈએ તો અમુક વલ્ગર જોક્સમાં હસવું આવી શક્યું હોત, પરંતુ ત્યાં આપણા મહાન સેન્સર બોર્ડે બેરહમીથી કાતર ચલાવીને કેટલાંય જોક્સ-દૃશ્યોનો ફજેતો કરી નાખ્યો છે. તેમણે આ ફિલ્મમાં બિકિની પહેરેલી યુવતીઓનાં શરીર બ્લર કેમ ન કર્યા એ જ આર્યની વાત છે.

આ કોઈ મહાન કૃતિનો પુનરાવતાર છે એવું જતાવવા માટે ફરી-ફરીને એની આઇકૉનિક સ્લો મોશન વૉકનાં ઓવારણાં લેવામાં આવે. મૂળ સિરીઝનાં બે અતિ જાણીતાં પાત્રોની મહેમાન ભૂમિકા પણ જોવા મળે. એ તો ઠીક, પણ આત્મવિશ્વાસના ઘોડાપૂરમાં ફિલ્મની અંદર જ એની સીક્વલની પણ જાહેરાત થાય જેથી તમે નક્કી કરી શકો કે બેએક વર્ષ પછી કઈ ફિલ્મ નથી જોવાની.

માંહી પડ્યા તે મહાદુ:ખ માણે

ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ સિરીઝમાં લંબચોરસ ડ્વેઇન જૉન્સનની કૉમેડી મોટો પ્લસ પૉઇન્ટ છે. અહીં તેણે પણ પરાણે કામ કર્યું હોય એવું લાગે છે. સ્ટોરી, મ્યુઝિક, ઍક્શન, કૉમેડી, ઍક્ટિંગ કે ઈવન સ્પેશ્યલ ઇફેક્ટ્સ જેવા બધા જ મોરચે જળસમાધિ લેતી આ ફિલ્મ કદાચ એમાં આમતેમ ફરતાં નર-નારી દેહો માટે જોવાની લાલચ થઈ શકે. પરંતુ એ માટે બીજા કયા વિકલ્પો છે એ જણાવવાની જરૂર ખરી?