ચોર કરે બોર

17 June, 2017 06:42 AM IST  | 

ચોર કરે બોર

ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

કુંદન શાહની કલ્ટ કૉમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’ના ક્લાઇમૅક્સનો મહાભારતવાળો સીન યાદ છે? સ્ટેજ પર મહાભારતનું નાટક ભજવાતું હોય અને દર થોડી વારે નવાં-નવાં પાત્રોની એન્ટ્રી થયા કરે. ગરબડ-ગોટાળા અને એવા ભવાડા થાય કે સિંહાસન પર બિરાજેલા ધૃતરાષ્ટ્ર બિચારા દર થોડી વારે બોલ્યા કરે, યે સબ ક્યા હો રહા હૈ? ડિટ્ટો એવી જ સ્થિતિ આ ફિલ્મ ‘બૅન્ક ચોર’ જોતી વખતે થાય છે. એક તો ટ્રેલરમાં આપણને બતાવવામાં આવેલું કે આ ફિલ્મ આઉટ ઍન્ડ આઉટ કૉમેડી ઑફ એરર્સ હશે. ડબલ મીનિંગ ટાઇટલ પરથી એવી પણ બીક હતી કે આ ફિલ્મ અશ્લીલ જોક્સની ભરમાર ધરાવતી પણ હોઈ શકે. લેકિન નો. આ ફિલ્મ બેમાંથી કશું જ નથી. સ્ટાર્ટિંગની થોડી વાર પછી આ ફિલ્મ એક સિરિયસ ક્રાઇમ થ્રિલરમાં કન્વર્ટ થઈ જાય છે અને આપણું માથું ચૂલા પર મૂકેલા પ્રેશરકુકરમાં, જે ગમે ત્યારે ફાટી શકે છે.

બૅન્કનું નહીં, બુદ્ધિનું ઉઠમણું

ચંપક ચંદ્રકાન્ત ચિપલુણકર (રિતેશ દેશમુખ) નામનો મરાઠી માણુસ પોતાના બે ભાડુતી સાગરીતો સાથે એક બૅન્કમાં ઘૂસે છે. ઘોડા અને હાથીના માસ્ક પહેરીને આવેલા આ ત્રણેય વાસ્તવમાં બુદ્ધિના બળદિયા છે. એટલે બૅન્ક લૂંટવામાં લોચા પર લોચા મારે છે. બહાર મીડિયા, પોલીસ, CBIનું પીપલી લાઇવ શરૂ થઈ જાય છે. બૅન્કમાં ધાડ પડ્યાના સમાચાર સાંભળીને રાજ્યના ગૃહ પ્રધાનની પણ હવા ટાઇટ થઈ જાય છે. ગભરાયેલા ચોરલોકો નક્કી કરે છે કે ચૂલામાં ગઈ બૅન્ક રૉબરી, પતલી ગલી સે છટકો અહીંથી. બહાર CBI ઑફિસર અમજદ ખાન (વિવેક ઑબેરૉય) મૂછો મરડતો રહી જાય છે અને બૅન્કનું ઑપરેશન પાર પણ પડી જાય છે. બટ વેઇટ. બૅન્કમાંથી શું ચોરાયું? કોણે ચોર્યું? કેવી રીતે ચોરાયું? શા માટે ચોરાયું? જો તમારું દિમાગ ચોરાયું નહીં હોય તો ફિલ્મના અંતે આવતા ટ્વિસ્ટમાં આ સવાલોના જવાબ મળી જશે.


બમ્પી રાઇડ

આ ફિલ્મના ડિરેક્ટરનું નામ બમ્પી છે. તેમના નામ કરતાં ક્યાંય વધુ બમ્પ આ ફિલ્મમાં છે અને એમાં જ ફિલ્મ ક્યાંય આગળ વધતી નથી. ફિલ્મની શરૂઆત ટિપિકલ ગૂફી કૉમેડીથી અને સીધી બૅન્ક રૉબરીથી જ થાય છે. બૅન્કનું નામ બૅન્ક ઑફ ઇન્ડિયન્સ છે. ત્રણમાંથી બે ચોર દિલ્હી-NCRના છે અને એક ચોર બમ્બૈયા મરાઠી છે. ત્રણેય વચ્ચે સતત દિલ્હી વર્સસ મુંબઈ અને સારાભાઈ વર્સસ સારાભાઈની માયા સારાભાઈની સ્ટાઇલમાં ફરીદાબાદ વર્સસ ગાઝિયાબાદની નોકઝોક ચાલે છે. એક તબક્કે એ લોકો મુંબઈમાં આઉટસાઇડરો પર થતા હુમલાના મુદ્દે પણ સળી કરી લે છે. એકેય બૅન્ક લૂંટારાની ગનમાં સરખી ગોળીઓ નથી તો એક ચોર વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં માને છે. બૅન્કમાં બંધક બનાવાયેલા લોકોમાં બાબા સહગલ પણ છે, ઍઝ હિમસેલ્ફ. તે પોતાની સ્ટાઇલમાં રૅપ સૉન્ગ પણ ગાય છે અને અત્યારના યો-યો કરતા ગાયકોની પટ્ટી પણ ઉતારે છે. બહાર સતત મૂછે તાવ દીધે રાખતા CBI ઑફિસર અમજદ ખાનને પુછાય છે, કિતને આદમી થે? હાઈ હીલ્સ અને વધુપડતું લો કટ ટૉપ પહેરીને રિપોર્ટિંગ કરતી ન્યુઝ ચૅનલની રિપોર્ટરનું નામ છે ગાયત્રી ગાંગુલી, જે પોતાને ગાગા (ઍઝ ઇન લેડી ગાગા) તરીકે ઓળખાવે છે. તેનો રોલ-મૉડલ છે આર્ગો યાને કે અર્નબ ગોસ્વામી.

એટલું સ્વીકારવું પડે કે શરૂઆતની આ સીક્વન્સિસ આપણને હસાવે છે. આપણા મગજમાં સિતારના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આપણને એવાય વિચારો આવવા માંડે કે જો આમ જ ચાલતું રહ્યું તો આ ફિલ્મ હૉલીવુડની ‘ડૉગ ડે આફ્ટરનૂન’ જેવી સિરિયસ ફિલ્મની મસ્ત સ્પૂફ બની શકશે. ત્યાં જ ડિરેક્ટર બમ્પી એક બમ્પ લાવે છે. ફિલ્મમાં એક ભ્રષ્ટ નેતા (ઉપેન્દ્ર લિમયે) અને સાહિલ વૈદ્યની એન્ટ્રી થાય છે. હમ્પ્ટી શર્મા અને બદ્રીનાથની દુલ્હનિયાઓમાં વરુણ ધવનનો ભાઈબંધ બનનારો સાહિલ અહીં વાળને બદલે દાઢી વધારીને આવ્યો છે. ઉપરથી કૉમેડીને બદલે ગુંડાગીરી કરે છે. એ સાથે જ ફિલ્મ પ્યૉર ક્રાઇમ-થ્રિલરની ગલીમાં ઘૂસી જાય છે. લિટરલી કોઈ ભળતી સ્ક્રિપ્ટના પાના પર ભૂલથી શૂટિંગ થઈ ગયું હોય એવો ની-જર્ક ટર્ન છે આ.


વધુ ઇરિટેશનની વાત એ છે કે ફિલ્મની સ્ટોરી આગળ વધવાને બદલે સીન બૅન્કની અંદર ને બહાર શટલકૉક થયા કરે છે. અને આપણે અગેઇન અરે ભાઈ, યે ક્યા હો રહા હૈ? નો ડાઉટ, સાહિલ વૈદ્ય એકદમ કૉન્ફિડન્સથી પોતાનો નેગેટિવ રોલ ભજવે છે, પરંતુ ફિલ્મના વચ્ચેના પોર્શનમાં તે એટલોબધો છવાઈ જાય છે કે રિતેશ દેશમુખ રીતસર સાઇડમાં ધકેલાઈ જાય છે. ફિલ્મનો સબપ્લૉટ એવો કન્ફ્યુઝિંગ છે કે એક્ઝૅક્ટ્લી શું થઈ રહ્યું છે, કોણ કોના માટે કામ કરે છે અને કોણ શું ચોરવા આવ્યું છે એ સમજાવવા માટે એક અલગ ગાઇડ બહાર પાડવી પડે.

પડદા પર થ્રિલ કે કૉમેડી બન્નેના અભાવે આપણું મન વિચારે ચડી જાય છે કે રેગ્યુલર બૅન્ક રૉબરીના કેસમાં CBI શું કરે છે? અને CBI ક્યારથી મૌકા-એ-વારદાત પર ભડાકા કરવા માંડી? (જોકે હવે CBIનો KRA બદલાયો છે એટલે હોઈ શકે કદાચ.) એક બાહોશ ગણાતો CBI ઑફિસર ટીવી-રિપોર્ટર પાસેથી હોસ્ટેજ ક્રાઇસિસ સૉલ્વ કરવાની ટિપ્સ લે? જાણીતી ન્યુઝ ચૅનલ પર કોઈ પણ વ્યક્તિ આવીને રિપોર્ટિંગ કરી જાય અને કોઈને ખબર પણ ન પડે? CBIવાળા બિન્દાસ કોઈ પણ નેતા પર મીડિયા સમક્ષ આરોપ મૂકી શકે? મીડિયા પર્સનને ક્રાઇમ સીનમાં ઘુસાડી શકે? ગુનેગાર કોણ છે એ કોઇનેય છેક સુધી ખબર પણ ન પડે? બાબા સહગલ હસાવતો હોવા છતાં શા માટે એને અધવચ્ચેથી જ વિદાય કરી દેવાયો?

આવા સવાલો અને ફિલ્મના લૉજિક વિશે ચિંતન કરતા બેઠા હોઈએ ત્યારે જ ડિરેક્ટર વધુ એક બમ્પ લઈ આવે, ટ્વિસ્ટ એન્ડિંગ. રાઇટર લોગની મહત્વાકાંક્ષા તમે જુઓ કે ટ્વિસ્ટ પણ સીધો હૉલીવુડની યુઝ્અલ સસ્પેક્ટ્સ કે નાઓ યુ સી મી જેવી સુપર સ્માર્ટ ક્રાઇમ ફિલ્મોની યાદ અપાવે એવો. એ ટ્વિસ્ટ જોઈને આપણા ચહેરા પર વધુ એક સ્મિત આવે. ત્યાં જ ટ્વિસ્ટની સમજૂતી જોઈને ફરી પાછા કેટલાક સવાલો થવા માંડે. એ જ વખતે આપણા સદ્નસીબે ફિલ્મ પૂરી જાહેર કરી દેવામાં આવે અને આપણે પણ ફિલ્મના બંધકોની જેમ સહીસલામત બહાર આવી જઈએ, વેલ ઑલમોસ્ટ.

આખિર ક્યોં?

નેશન વૉન્ટ્સ ટુ નો જેવા સવાલ તો એ પણ છે કે શા માટે કરોડોના ખર્ચે આવી બાલિશ ફિલ્મો બને છે? અને શા માટે રિતેશ જેવો ટૅલન્ટેડ ઍક્ટર આવી વાહિયાત ફિલ્મોમાં પોતાની ટૅલન્ટ વેડફે છે? જોકે રાઇટિંગ ઑન ધ વૉલ ક્લિયર છે કે આ ફિલ્મથી સલામત અંતર જાળવવું. જોવી જ હોય તો ભવિષ્યમાં જ્યારે ટેલિવિઝન પર કે ઑનલાઇન જોવા મળે ત્યારે ગિલ્ટી પ્લેઝરના ભાગરૂપે જોઈ શકાય, પોતાના હિસાબે ને જોખમે.