ફિલ્મ-રિવ્યુ: બાગી 3 - જોરદાર ઍક્શન, કમજોર સ્ટોરી

07 March, 2020 01:40 PM IST  |  Mumbai

ફિલ્મ-રિવ્યુ: બાગી 3 - જોરદાર ઍક્શન, કમજોર સ્ટોરી

ફિલ્મ-રિવ્યુ: બાગી 3

ટાઇગર શ્રોફને બૉલીવુડનો બૅન્કેબલ ઍક્શન સ્ટાર ગણવામાં આવે છે અને તેની ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘બાગી 3’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ઍક્શનને પહેલા બે પાર્ટ કરતાં વધુ ગ્રૅન્ડ લેવલ પર લઈ જવામાં આવી છે, પરંતુ એમાં કેટલી નવીનતા છે એ મોટો સવાલ છે. આ ફિલ્મમાં ટાઇગરની સાથે શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે, જમીલ ખૌરી, જયદીપ અહલાવત અને વિજય વર્માએ કામ કર્યું છે.

સ્ટોરી-ટાઇમ

આ ફિલ્મની સ્ટોરી એવી છે કે એમાં જરા પણ દમ નથી. રૉનીના પાત્રમાં ટાઇગરે કામ કર્યું છે અને તેના મોટાભાઈ વિક્રમનું પાત્ર રિતેશ દેશમુખે ભજવ્યું છે. અંકિતાએ રુચિ અને શ્રદ્ધાએ સિયાનું પાત્ર ભજવ્યું છે. તેઓ બન્ને બહેનો હોય છે. રૉની અને વિક્રમના પપ્પા અને પોલીસ- ઑફિસરનું પાત્ર જૅકી શ્રોફે ભજવ્યું છે. દંગામાં તેમનું મૃત્યુ થાય છે અને નાના ભાઈ રૉનીને તેઓ વિક્રમનો પડછાયો બની તેને હંમેશાં સાચવવાનું કહે છે. વિક્રમ ખૂબ જ ભોળો હોય છે અને મુસીબતના સમયે તે રૉનીને બૂમ પાડે છે અને તે ત્યાં હાજર થઈ જાય છે. રૉનીની સાથે કંઈ થાય તો તે એક વાર સહન કરી શકે છે, પરંતુ તેના ભાઈ પર આવે તો તે બધાની હડ્ડી-પસલી એક કરી નાખે છે. આ દરમ્યાન વિક્રમને પોલીસ-ઑફિસર બનવાનો ચાન્સ મળે છે. પોલીસ બનવા છતાં પણ ગુંડાઓને રૉની મારે છે અને એનું શ્રેય વિક્રમને મળે છે. આ દરમ્યાન તેને સિરિયા જવાનો હુકમ આવે છે અને ત્યાં ટેરરિસ્ટ ઑર્ગેનાઇઝેશન જૈશ-એ-લશ્કર દ્વારા તેને કિડનૅપ કરવામાં આવે છે. અહીં ઇન્ટરવલ પડે છે અને ત્યાર બાદ રૉની તેના ભાઈને છોડાવવા માટે સિરિયા જાય છે.

સ્ક્રીનપ્લે અને ડાયલૉગ

આ ફિલ્મની સ્ટોરીનો આઇડિયા પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાનો હતો, પરંતુ એના સ્ક્રીનપ્લે અને ડાયલૉગ ફરહાદ સામજીએ લખ્યા છે. ફરહાદે ઘણી સારી ફિલ્મ અને ડાયલૉગ લખ્યા છે, પરંતુ આ ફિલ્મમાં એ ચાર્મ જોવા નથી મળ્યો. ફરહાદે ફિલ્મમાં ‘જુડવા’નાં દૃશ્યોની સાથે-સાથે ‘સિંઘમ’, ‘દબંગ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ તેમ જ શાહરુખ ખાનની ‘મૈં હૂં ના’ જેવી ફિલ્મોનો રેફરન્સ પણ આપ્યો છે. જોકે એ એટલા ફની નથી લાગતા. ઘણી જગ્યા પર જબરદસ્તી હ્યુમર માટે ડાયલૉગ ઍડ કરવામાં આવ્યા હોય એવું લાગે છે. તેમ જ ડાયલૉગ પણ એટલા જોરદાર નથી. મોટા ભાગના ડાયલૉગ સતત રિપીટ થાય છે અને ટાઇગરની જ જૂની ફિલ્મોના છે. શ્રદ્ધા અને રિતેશ પાસે પણ જોઈએ એવા ડાયલૉગ નથી. સ્ક્રિપ્ટમાં ખામી હોવાથી ફિલ્મ જોઈએ એટલી અસરકારક નથી બની શકી. ડિરેક્ટર અહમદ ખાને ફિલ્મને ઍક્શન-મસાલા બનાવવાની ખૂબ જ કોશિશ કરી છે, પરંતુ સ્ટોરીને કારણે એના પર પાણી ફરી વળ્યું છે. ફિલ્મમાં ૯૦ ટકા ઍક્શન રિયલ હોવાનો મેકર્સનો દાવો છે, પરંતુ ઘણી જગ્યાએ ઍક્શન જબરદસ્તીની લાગે છે. કૅમેરા વર્ક પણ એટલું ગંદું છે કે ઍક્શન દરમ્યાન સ્ક્રીન સતત હલતી હોય એવું લાગે છે.

ઍક્ટિંગ

ઍક્ટિંગના નામે અહીં ફક્ત ઍક્શન સ્ટન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાઇગરે ફિલ્મને પોતાના ખભા પર લઈને ચાલવાની ભરપૂર કોશિશ કરી છે, પરંતુ ‘સબ કહાની કા કુસૂર હૈ રે બાબા’. તે ઍક્શનમાં ખૂબ જ જોરદાર લાગે છે અને તેનાં એક્સપ્રેશન પણ એ મુજબ છે. જોકે ઇમોશનલ દૃશ્યમાં તે માર ખાઈ જાય છે. રિતેશ દેશમુખ પાસે લાચાર દેખાવા સિવાય કોઈ કામ નથી. જોકે એમ છતાં તેણે ખૂબ જ સારી ઍક્ટિંગ કરી છે. શ્રદ્ધા કપૂરનું પાત્ર પણ નકામું છે. તેનું પાત્ર પણ વધુ સારું બનાવી શકાયું હોત, પરંતુ લિમિટેડ સ્કોપ હોવા છતાં તેણે સારું કામ કર્યું છે. અંકિતા, વિજય વર્મા અને જયદીપ અહલાવતને વેડફી કાઢવામાં આવ્યાં છે. જોકે જૈશ-એ-લશ્કરના લીડર અબુ જલાલ ગાઝાનું પાત્ર ભજવનાર જમીલ ખૌરીએ સારી ઍક્ટિંગ કરી છે અને તેનો પ્રભાવ પણ સારોએવો પડે છે.

માઇનસ પૉઇન્ટ

ઍક્શન ફિલ્મમાં સૌથી મોટો માઇનસ પૉઇન્ટ છે સ્ક્રિપ્ટ. જોકે એમ છતાં ઍક્શનમાં પણ ઘણા પ્રોબ્લેમ છે. જરૂરિયાત વગરની ઍક્શનની સાથે એને ગ્રૅન્ડ દેખાડવામાં પણ દાટ વાળ્યો છે. ‘બાગી 3’માં આ વખતે ત્રણ હેલિકૉપ્ટર અને ઘણી ટૅન્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે આ બન્ને દૃશ્યો ખૂબ જ હંબગ લાગે છે. ટાઇગર જ્યારે મેદાનમાં ત્રણ હેલિકૉપ્ટરની સામે ઊભો હોય છે અને તે અચાનક હેલિકૉપ્ટરની ઉપર ફાઇટ કરતો જોવા મળે છે. તેમ જ હેલિકૉપ્ટર જ્યારે ક્રૅશ થાય છે ત્યારે ડાયરેક્ટ સિટીમાં પડે છે. આ સાથે જ ટૅન્કનું દૃશ્ય પણ ખૂબ જ કમજોર છે. તે ટૅન્કની સામે ઊભો હોય છે અને ટૅન્કમાંથી જ્યારે મિસાઇલ નીકળે છે ત્યારે એ બીજી ટૅન્કને વાગે છે. આ બન્ને દૃશ્ય શૂટ કરવાનાં ખૂબ જ મુશ્કેલ હતાં, પરંતુ જોવામાં એકદમ વિચિત્ર હતાં.

મ્યુઝિક

આ ફિલ્મમાં એક સારી વાત હતી કે કોઈ લવ સૉન્ગ ઍડ કરવામાં નહોતું આવ્યું. તેમ જ શરૂઆતમાં જે ‘ભંકસ’ સૉન્ગ છે એ સારું છે. ઍક્શનમાં ગ્લૅમરનો તડકો નાખવા માટે દિશા પટણીનું સૉન્ગ ‘ડૂ યુ લવ મી’ ઍડ કરવામાં આવ્યું છે. દિશા પટણીને જોવી ગમશે, પરંતુ ગીતમાં કોઈ ખાસ દમ નથી. ‘દસ બહાને 2.૦’ પણ એન્ડમાં નાખવામાં આવ્યું છે. આ સાથે જ બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ દમ નહોતો.

આખરી સલામ
ટાઇગર શ્રોફ અને ઍક્શનના ડાયહાર્ડ ફૅન ફિલ્મ જોઈ શકે છે.

baaghi tiger shroff shraddha kapoor riteish deshmukh film review bollywood movie review movie review bollywood news