ધ બૉડી ફિલ્મ રિવ્યૂ

15 December, 2019 06:34 PM IST  |  Mumbai Desk | harsh desai

ધ બૉડી ફિલ્મ રિવ્યૂ

બૉલીવુડમાં રીમેકનો ટ્રેન્ડ ઘણાં વર્ષોથી ચાલી રહ્યો છે અને ગઈ કાલે એમાં એક નવી ફિલ્મનો ઉમેરો થયો છે. ૨૦૧૨માં આવેલી સ્પેનિશ ફિલ્મ પરથી ઇમરાન હાશ્મી અને રિશી કપૂરની ‘ધ બૉડી’ બનાવવામાં આવી છે. આ ફિલ્મ પરથી અત્યાર સુધીમાં કન્નડ, તામિલ અને કોરિયન ભાષામાં ફિલ્મ બની ચૂકી છે અને હવે એમાં હિન્દીનો પણ સમાવેશ થયો છે. ઓરિજિનલ ‘દૃશ્યમ’ના ડિરેક્ટર જિતુ જોસેફે આ ફિલ્મ બનાવી છે. તેની આ પહેલી હિન્દી ફિલ્મ છે, પરંતુ એ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે.

ફિલ્મમાં સોભિતા ધુલિપલાએ પૈસાદાર બિઝનેસવુમન માયા વર્માનું પાત્ર ભજવ્યું છે. તેના પતિ અજય પુરીનું પાત્ર ઇમરાન હાશ્મીએ ભજવ્યું છે. ફિલ્મની શરૂઆતમાં જ માયાની ડેડ-બૉડી મૃર્દાઘરમાંથી ગાયબ થઈ જાય છે. આ માટે એસપી જયરાજ રાવલને તપાસ સોંપવામાં આવે છે. જયરાજનું પાત્ર રિશી કપૂરે ભજવ્યું છે. આ તપાસમાં જયરાજને માયાનું ખૂન થયું હોય એવું લાગે છે અને એ માટે તે શકનો દાયરો અજય પર કેન્દ્રિત કરે છે. આ દરમ્યાન તેને ખબર પડે છે કે અજયનું તેની સ્ટુડન્ટ રિતુ (વેદિકા) સાથે અફેર હોય છે. અજયે ખૂન કર્યું હોય છે કે નહીં. માયાની ડેડ-બૉડી ક્યાં ગઈ. શું માયા જીવિત છે જેવા સવાલ થાય છે.
જિતુ જોસેફ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મનું ડિરેક્શન ખૂબ જ કંગાળ છે. સ્ક્રીનપ્લેમાં એટલા પ્રૉબ્લેમ છે કે એ કોઈ નવશિખાઉનું કામ લાગે છે. પ્લૉટ ઇન્ટરેસ્ટિંગ છે, પરંતુ એનું એ‌ક્ઝિક્યુઝન બરાબર નથી થયું. આ કોઈ ફિલ્મ કરતાં ક્રાઇમ પેટ્રોલ વધુ લાગે છે. અજય અને માયાના પ્રેમને ફ્લેશબૅકમાં દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ એ થ્રિલની મજા બગાડે છે તેમ જ સ્ટોરી વચ્ચે-વચ્ચે ગીતને કારણે ફિલ્મ સાથેનું કનેક્શન તૂટતું જોવા મળે છે. સ્ટોરી પ્રીડિક્ટેબલ છે. એમ છતાં છેલ્લે ઓરિજિનલ ફિલ્મ જેવો સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યો છે.
ફિલ્મની સ્ટોરી મૉરિશ્યસના પોર્ટ લુઇસમાં ઘટે છે. એક જ ફૉરેન્સિક લૅબની અંદર મોટા ભાગની ફિલ્મ શૂટ કરવામાં આવી છે. બજેટના ઇશ્યુની સાથે કૅમેરાવર્ક અને લાઇટિંગમાં પણ પ્રૉબ્લેમ દેખાઈ આવે છે તેમ જ લૅબમાં પૂરી ફિલ્મ દેખાડવામાં આવી છે એમ છતાં ડૉક્ટરનું દૃશ્ય ફક્ત નામપૂરતું છે. મૉરિશ્યસમાં હોવાથી ચાલો માની લઈએ કે ઇન્ડિયન હોય એવા ઑફિસરને કેસ સોંપવામાં આવે છે, પરંતુ શું બધા જ ઑફિસર ઇન્ડિયન હોઈ શકે તેમ જ કેટલાક સીસીટીવી કૅમેરા પણ ઇન્ડિયન ગવર્નમેન્ટના રાજમાં બંધ હોય એ રીતના દેખાડવામાં આવ્યા છે. મૉરિશ્યસની લૅબ પણ કોઈ જૂનીપુરાની સરકારી હૉસ્પિટલ હોય એવું લાગે છે.
બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઍવરેજ છે, પરંતુ ગીત સારાં હોવાં છતાં આ ફિલ્મમાં બંધબેસતાં નથી લાગતાં. ગીતને કારણે ફિલ્મમાં રહેલો ઇન્ટરેસ્ટ પણ નહીંવત થઈ જાય છે. અગાઉ અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની ‘બદલા’ પણ બનાવવામાં આવી હતી. સુજોય ઘોષ દ્વારા આ ફિલ્મમાં કોઈ પણ ગીતનો (પ્રમોશનલ ગીતને બાદ કરતાં) સમાવેશ નહોતો કર્યો, કારણ કે એની જરૂર નહોતી. આ ફિલ્મમાં પણ એજ કરવું જરૂરી હતું.
કૅન્સરમાંથી મુક્ત થયા બાદ રિશી કપૂરની આ પહેલી ફિલ્મ રિલીઝ થઈ છે. તેઓ ખૂબ જ ટૅલન્ટેડ ઍક્ટર છે. એમ છતાં જિતુ જોસેફ તેમની પાસેથી સારું કામ નથી કરાવી શક્યા. ઇમરાન હાશ્મી પણ ઍક્ટિંગ કરી જાણે છે, પરંતુ આ ફિલ્મમાં તે પણ લથડિયા ખાતો જોવા મળ્યો છે. ‘બાર્ડ ઑફ ધ બલ્ડ’માં કામ કર્યા બાદ સોભિતા ધુલિપડા આ ફિલ્મમાં ફરી ઇમરાન સાથે કામ કરતી જોવા મળી છે. જોકે તેમની વચ્ચે એવી કેમિસ્ટ્રી જોવા નથી મળી. તે ગ્લેમરસ રોલમાં સારી દેખાય છે, પરંતુ તેમની જોડી આ ફિલ્મમાં જામતી નથી તેમ જ સોભિતા પાસે લિમિટેડ સ્ક્રીનટાઇમ છે. બીજી તરફ વેદિકાને ઍક્ટિંગ દેખાડવાની સારી તક મળી છે.
એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ તરીકે એમાં કોઈ યુનિક્તા જોવા નથી મળી. ‘બદલા’ની જેમ આ ફિલ્મને એના ઓરિજિનલ સ્ક્રીનપ્લેની જેમ જાળવી રાખવામાં આવી હોત તો પણ એ સારી બની હોત. એમને એમ આટલી બધી ભાષામાં બનાવવામાં નથી આવી. આ ફિલ્મને હવે અંગ્રેજીમાં પણ બનાવવામાં આવી રહી છે.

rishi kapoor emraan hashmi bollywood bollywood news bollywood gossips