ફિલ્મ-રિવ્યુ: જાણો કેવી છે સબ કુશલ મંગલ

04 January, 2020 11:27 AM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ-રિવ્યુ: જાણો કેવી છે સબ કુશલ મંગલ

કુશલ મંગલ

અક્ષય ખન્ના ઘણા સમય બાદ કૉમેડીમાં હાથ અજમાવી રહ્યો છે. તેની ગઈ કાલે રિલીઝ થયેલી ‘સબ કુશલ મંગલ’ને તેણે જ પ્રેઝન્ટ કરી છે. આ ફિલ્મ દ્વારા પદ્મિની કોલ્હાપુરેનો દીકરો પ્રિયાંક શર્મા અને રવિ કિશનની દીકરી રિવા કિશને એન્ટ્રી કરી છે. ‘હંગામા’ અને ‘હલચલ’ બાદ ફરી અક્ષય ખન્નાએ કૉમેડી પર ફોકસ કર્યું છે.

આ ફિલ્મની સ્ટોરી કર્નાલગંજના લોકલ નેતા-કમ-ગુંડા બાબા ભંડારી (અક્ષય ખન્ના)ની આસપાસ ફરે છે. કર્નાલગંજના જે પણ દીકરીના પિતાની દહેજ ચૂકવી શકવાની તાકાત ન હોય તેમના માટે બાબા ભંડારી દુલ્હાને કિડનૅપ કરી લાવે છે. પકડવા વિવાહ પરથી અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપડાની ‘જબરિયા જોડી’ આવી ચૂકી છે. આ ફિલ્મનો પાયો પણ પકડવા વિવાહ છે, પરંતુ એને કૉમેડી તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ પકડવા વિવાહ પર જર્નલિસ્ટ પપ્પુ મિશ્રા (પ્રિયાંક શર્મા) એક સ્ટોરી કરે છે અને તે રાતોરાત ફેમસ થઈ જાય છે. એ સાથે બાબા ભંડારી પણ ફેમસ થઈ જાય છે અને તેનો ખોફ વધી જાય છે. તે મંદિરા શુક્લા (રિવા કિશન) માટે દુલ્હા તરીકે પપ્પુ મિશ્રાને કિડનૅપ કરે છે. પપ્પુ આ મૅરેજની વિરુદ્ધ હોય છે. જોકે અંતે તે મંદિરાના પ્રેમમાં પડે છે. બીજી તરફ બાબા ભંડારી પહેલી વાર મંદિરાને જોતાં જ તેના પ્રેમમાં પડી જાય છે. જોકે મંદિરા કોને પસંદ કરે છે એ જોવા માટે ફિલ્મ જોવી રહી.

‘ડૉન’ અને ‘ચક દે ઇન્ડિયા’ જેવી ફિલ્મોમાં અસિસટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરનાર કરણ વિશ્વનાથ કશ્યપે આ ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં ડેબ્યુ કર્યું છે. ઇન્ટરવલ સુધી તેણે ફિલ્મને ખૂબ જ ફની બનાવી છે. ક્રિકેટ મૅચ દરમ્યાન પૂરી થાય એ પહેલાં જ મૅન ઑફ ધ મૅચ જાહેર કરી દેવું, ઉટપટાંગ હરકતમાં પણ તેણે દૃશ્યને રમૂજી બનાવ્યાં છે. જોકે ઇન્ટરવલ બાદ તે ખોટા રસ્તે પહોંચી ગયો હોય એવું લાગે છે. ફિલ્મને ખેંચવા કરતાં એના ક્લાઇમૅક્સ પર વધુ કામ કરવાની જરૂર હતી. ખૂબ જ ઉતાવળમાં પૂરો કરવામાં આવ્યો હોય એવું લાગે છે (‘શોલે’ના ધમેન્દ્રના પાણીની ટાંકીના દૃશ્યનું અહીં કોણે નામ લીધું?). બીજા પાર્ટમાં કૉમેડી ન હોવાથી એ વધુપડતી ખેંચવામાં આવી હોય એવું લાગે છે. તેમ જ એમાં ‘બરેલી કી બરફી’ની ઝલક પણ જોવા મળે છે. બીજા પાર્ટમાં સ્ટોરી પર ખાસ મહેનત કરવાની જરૂર હતી. ફિલ્મને ઝારખંડમાં શૂટ કરવામાં આવી છે અને એની ખૂબ જ સુંદર સિનેમૅટોગ્રાફી કરવામાં આવી છે. ફિલ્મની શરૂઆતમાં જ બપ્પી લાહિરીના અવાજમાં ટાઇટલ સૉન્ગ છે અને એમાં શહેરને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે.

અક્ષય ખન્નાએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે તેનું કૉમિક ટાઇમિંગ ખૂબ જ અદ્ભુત છે. આ ફિલ્મ તેણે પોતાને ખભે ઉપાડી લીધી છે. તેના સિવાય આ ફિલ્મને ઇમૅજિન કરવી પણ શક્ય નથી. જોકે સ્ક્રિપ્ટ પર વધુ કામ કરવામાં ન આવ્યું હોવાથી તે ખૂલીને પર્ફોર્મ નથી કરી શક્યો. પ્રિયાંક શર્માની પહેલી ફિલ્મ છે, પરંતુ એક સેન્સેશનલ રિપોર્ટરના પાર્ટમાં તે બંધબેસતો નથી. તેમ જ તેણે તેનાં એક્સપ્રેશન પર કામ કરવું ખૂબ જ જરૂરી છે, પરંતુ ડાયલૉગ ડિલિવરી સારી છે. મોટા ભાગનાં દૃશ્યમાં તેનો ફ્લૅટ ચહેરો જોવા મળી રહ્યો છે. રિવા કિશન પોતાનું ધારેલું કરતી છોકરીના પાત્રમાં જચી રહી છે. જોકે જ્યારે તેની લાઇફનો સૌથી મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે તેનું કંઈ નથી ચાલતું હોતું. અહીં ફિલ્મમેકર પાછળ પડે છે. રિવાનાં એક્સપ્રેશન પહેલી ફિલ્મના પ્રમાણે ઘણાં સારાં છે, પરંતુ કેટલાંક દૃશ્યમાં તે પણ માર ખાઈ જાય છે. પ્રિયાંક અને રિવાની કેમિસ્ટ્રી બંધબેસતી ન હોવાથી એની અસર પણ ફિલ્મ પર પડી છે. કોઈ પણ ફિલ્મ માટે કેમિસ્ટ્રી ખૂબ જ જરૂરી છે અને એની ગેરહાજરીથી દર્શકો ફિલ્મ સાથે કનેક્ટ નથી થઈ શકતા.

સુપ્રિયા પાઠક શાહ, સતીશ કૌશિક અને રાકેશ બેદીએ સારું કામ કર્યું છે. તેમને જે કામ સોંપ્યું હતું એમાં તેઓ ખરાં ઊતર્યાં છે, પરંતુ આ ટૅલન્ટેડ ઍક્ટર્સનો વધુ સારી રીતે ઉપયોગ કરી ફિલ્મને વધુ એન્ટરટેઇનિંગ બનાવી શકાઈ હોત. સતીશ કૌશિક, સુપ્રિયા પાઠક શાહ અને પ્રિયાંક વચ્ચેનું એક દૃશ્ય ખૂબ જ સારી રીતે લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ઘણી પંચલાઇન સારી છે, પરંતુ એનો વધુ ઉમેરો કરવો જરૂરી હતો.

બે કલાક અને પંદર મિનિટની આ ફિલ્મનાં ગીતોને ખૂબ જ સારી રીતે શૂટ કરવામાં આવ્યાં છે, પરંતુ થોડુંઘણું મિસમૅચ છે. જોકે વધુપડતાં ગીતો સિચુએશનલ છે. તેમ જ ગીતમાં મેસેજ પણ આપવામાં આવ્યો છે કે હવે સમય બદલાઈ ગયો છે. મહિલાઓ પહેલાં તેમના પિતા અને પતિથી ડરતી હતી, પરંતુ હવે તેમનાથી ડરવાનો સમય આવી ગયો છે. જોકે રાજુ સિંહનો બૅકગ્રાઉન્ડ સ્કોર થોડો લાઉડ છે.

ફિલ્મના સેકન્ડ પાર્ટ પર મહેનત કરી થોડી ટૂંકી બનાવી વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાઈ હોત. તેમ જ અક્ષય ખન્નાની સાથે અન્ય ઍક્ટર્સને પણ વધુ સારી પંચલાઇન આપી શકાઈ હોત.

akshaye khanna bollywood movie review movie review film review bollywood news