Montu Ni Bittu:જેટલું હસાવશે, એટલા જ લાગણીશીલ પણ કરશે, મળ્યા આટલા સ્ટાર

23 August, 2019 01:27 PM IST  |  મુંબઈ | ભાવિન રાવલ

Montu Ni Bittu:જેટલું હસાવશે, એટલા જ લાગણીશીલ પણ કરશે, મળ્યા આટલા સ્ટાર

ડિરેક્ટરઃ વિજયગિરી બાવા

કાસ્ટઃ મૌલિક નાયક, આરોહી, મેહુલ સોલંકી, હેમાંગ શાહ

વિજયગિરી બાવાની પ્રેમજી જેણે જોઈ હશે, તેમને મોન્ટુની બિટ્ટુ પાસેથી અપેક્ષા તો હશે જ. પ્રેમજી ધ રાઈઝ ઓફ વૉરિયરમાં એક સાવ જુદા પ્રકારની સ્ટોરી હતી, તો મોન્ટુની બિટ્ટુ તેના કરતા એલગ જ બેકગ્રાઉન્ડ અને અલગ જ જૉનરની ફિલ્મ છે. કોમન છે ડિરેક્ટર વિજયગિરી બાવાનો ટચ અને ફિલ્મની કાસ્ટ. આ ફિલ્મનો એક જ શબ્દમાં રિવ્યુ કરવો હોય ને તો કહી શકાય કે 2 કલાક અને 13 મિનિટની ફિલ્મ જલસો કરાવે છે. આ ફિલ્મ તમને જેટલા હસાવશે ને એટલો જ ગળે ડૂમો પણ બાઝવા મજબૂર કરશે. ફિલ્મના કેટલાક સીનમાં તમે ખુરશી પકડીને ખડખડાટ હસશો, તો કેટલાકમાં તમારી આંખમાંથી આંસુ નીકળવાના પૂરા ચાન્સ છે.

પોળની અંદર પોળ, અને પોળમાં 'સ્ટોરી'

ફિલ્મની સ્ટોરી બહુ નોર્મલ છે. વાર્તા ફિલ્મના નામ પ્રમાણે જ મોન્ટુ અને બિટ્ટુની આસપાસ ફરે છે. ફિલ્મના નામ પરથી જ ખ્યાલ આવે કે મોન્ટુને બિટ્ટુ ખૂબ ગમે છે. પોળમાં સાથે રહેતા મોન્ટુ અને બિટ્ટુ બેસ્ટ ફ્રેન્ડ છે, જોડે રમીને મોટા થયા છે. અને મોન્ટુને બિટ્ટુ ગમવા લાગે છે. જો કે આ મોટા ભાગના છોકરાઓની જેમ (હળવાશમાં) મોન્ટુ ફક્ત બિટ્ટુનો બેસ્ટ ફ્રેન્ડ છે. મોન્ટુની પોતાના પ્રત્યેની ફીલિંગ બિટ્ટુને ખબર છે, તો મોન્ટુને ય બિટ્ટુ પાસેથી કોઈ અપેક્ષા નથી. મોન્ટુ માટે બિટ્ટુ જ દુનિયા છે. પણ બિટ્ટુના જીવનમાં એન્ટ્રી થાય છે અભિનવની અને અહીંથી સમીકરણો બદલાય છે. અહીંથી મોન્ટુ અને બિટ્ટુના સંબંધોમાં જે ચડાવ ઉતાર આવે છે, એની મજા છે. સ્ટોરી ખૂબ સુંદર લખાઈ છે. જાણીતા લેખક રામ મોરીએ આ ફિલ્મથી રાઈટર તરીકે ડેબ્યુ કર્યો છે. અને કહી શકાય કે તેઓ સફળ રહ્યા છે.

એક્ટિંગના એક્કા

મૌલિક નાયકને અત્યાર સુધી આપણે કોમેડી કરતા જ જોયા છે. પ્રેમજી હોય કે લવની ભવાઈ મૌલિક હંમેશા કોમેડી કરતા આવ્યા છે. પરંતુ મૌલિક મોન્ટુના રોલમાં 100 ટકા ફિટ બેસે છે. પહેલા હાફમાં તો મૌલિક અને હેમાંગ શાહ ખૂબ હસાવે છે. ફિલ્મનો મોટા ભાગનો ભાર આ બંને એક્ટર્સના ખભા પર જ છે. કોમિક ટાઈમિંગમાં આ બંને એક્ટર્સનો જોટો જડે એમ નથી. અને જ્યારે સાથે સ્ક્રીન પર સાથે જોવા મળે તો બીજું જોઈએ શું ? ખાસ તો મૌલિકના એક્સપ્રેશન જોઈને જ તમે પોતાની જાતને હસતા નહીં રોકી શકો. આરોહી દરેક ફિલ્મની જેમ ખૂબ જ નેચરલ લાગે છે. પિંકી પરીખ લાંબા સમયે કેમેરા સામે આવ્યા છે, અને તેમને જોવા ગમે છે. હેપ્પી ભાવસાર સાવ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે, તેમને જોવાની પણ મજા આવશે. ધૂનકી બાદ કૌશાંબી સાવ અલગ જ અવતારમાં દેખાયા છે, પણ દર્શકોને સૌભાગ્યલક્ષ્મી યાદ તો રહી જ જશે. હા મેહુલની એક્ટિંગ થોડી ડલ લાગે છે. મેહુલનું પાત્ર અભિનવ જે રીતે એન્ટ્રી લે છે અને ઈમ્પેક્ટ ઉભી થાય છે, એ ફ્લો જળવાતો નથી. મેહુલના ડાઈલોગ્સમાં પ્રેમજીના પાત્રના ઉચ્ચારણની છાંટ દેખાય છે. પણ અહીં અભિનવના પાત્રમાં હજી સારું કરવાનો સ્કોપ હતો.

ડિરેક્ટર તરીકે વિજયગિરી બાવા ઓલમોસ્ટ દરેક સીનમાં સક્સેસફુલ છે. ફિલ્માં પહેલી 10-15 મિનિટ થોડી સ્લો લાગશે. પણ ત્યાં સુધી અમદાવાદની પોળનું કલ્ચર તમે જોઈ ચૂક્યા હશો, જે ખૂબ સારી રીતે ઝીલાયું છે. ખાસ કરીને પોળની સવાર, પોળમાં ઉજવાતા તહેવારોનો માહોલ અને પાડોશીઓ સાથેના સંબંધો બતાવવામાં ડિરેક્ટર વિજયગિરી બાવા સફળ રહ્યા છે. અને મેહુલ સુરતીનું મ્યુઝિક હોય તો પછી પૂછવું જ શું. ફિલ્મના કેટલાક સીન એવા છે, જેમાં ડાઈલોગ્સ નથી, પણ એક્ટિંગ, ડિરેક્શન અને બેકગ્રાઉન્ડ સ્કોરના કોમ્બિનેશનથી આવા સીન તમને ટચ કરી જશે.

આ પણ જુઓઃ Montu ni Bittuના પ્રીમિયરમાં આ અંદાજમાં દેખાયા સ્ટાર્સ

તો સરવાળે કહી શકાય કે ફિલ્મની થોડી સ્લો શરૂઆત, જેમાં મોટા ભાગે પોળનો માહોલ અને કેરેક્ટર ઈન્ટ્રોડ્યુસ થાય છે, ત્યાં ફિલ્મ સહેજ સ્લો લાગે છે. અને મેહુલ સોલંકી થોડા ડીમ લાગે છે. પણ બાકી બધ્ધું જ મજેદાર છે.

મિડ ડે મીટર: 5માંથી 3.5 સ્ટાર

તા. ક.: તમારી લાઈફની 'મોન્ટુ મોમેન્ટ્સ' યાદ ના આવી જાય તો કહેજો !!!!

gujarati film movie review aarohi patel Raam Mori