Web Show Review: ફૉર મૉર શૉટ્સ પ્લીઝ

03 February, 2019 03:32 PM IST  |  | હર્ષ દેસાઈ

Web Show Review: ફૉર મૉર શૉટ્સ પ્લીઝ

ફૉર મૉર શૉટ્સ પ્લીઝ

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થયેલી ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ!’માં ચાર મૉડર્ન છોકરીઓની વાત કરવામાં આવી છે. ઇસ વેબ-સિરીઝ મેં લવ હૈ, બ્રેકએપ હૈ, સેક્સ હૈ, આલ્કોહૉલ હૈ, સોશ્યલ ઇશ્યુઝ ભી હૈ પર માં કસમ કહાની નહીં હૈ. આ વેબ-સિરીઝમાં દામિની (સયાની ગુપ્તા), અંજના (કીર્તિ કુલ્હારી), સિદ્ધિ (માનવી ગાગ્રુ) અને ઉમંગ (બાની જે)નો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે તેમને સપોર્ટ આપવા માટે મિલિંદ સોમણ અને પ્રતીક બબ્બર જેવા ધુરંધર ઍક્ટર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓવરઑલ સ્ટોરીની વાત કરીએ તો દામિનીનો ડૉક્ટર એટલે કે મિલિંદ સોમણ (ડૉક્ટર આમિર વારસી) શોના પહેલા એપિસોડની શરૂઆતમાં જ વાઇટ અન્ડરવેઅરમાં બોર્ડ ટેબલ પર એન્ટ્રી મારે છે. દામિની તેને ફૅન્ટસાઇઝ કરતી હોય છે. મિલિંદ સોમણને અન્ડરવેઅરમાં દેખાડવામાં આવ્યો હોય અને એક પણ રોમૅન્ટિક દૃશ્ય ન હોય એ સ્ટોરી લાઇનમાં થોડું ખૂંચે છે, કારણ કે આ એક સપનું હતું. આ શોના પહેલા એપિસોડમાં શું કહેવા માગે છે એ મેકર્સ સારી રીતે સમજાવી નથી શક્યા. બીજા-ત્રીજા-ચોથા-પાંચમા એપિસોડમાં ચારે હિરોઇનની સ્ટોરી એક પછી એક દેખાડવામાં આવી છે. છઠ્ઠા એપિસોડમાં તેઓ કેવી રીતે મળે છે એ દેખાડવામાં આવે છે. ત્યાર બાદ ટ્રાવેલિંગ અને સેક્સનો પ્લૉટ શરૂ થાય છે. છેલ્લા એપિસોડમાં તેમના વચ્ચે ઈગો આવે છે અને તેમની વચ્ચેના ઝઘડાને દેખાડવામાં આવે છે. દસ એપિસોડમાં સ્ટોરીની મેઇન થીમ શું છે એ સમજી નથી શકાતું. છોકરીઓને જજ ન કરવી એ કહેવાનો હેતુ હોય એવું લાગી રહ્યું છે, પરંતુ સ્ટોરીમાં કેટલીક જગ્યાએ એવું લાગે છે કે શોમાં જ તેમને જજ કરવામાં આવી છે.

દરેક ઍક્શનનું એક રીઍક્શન હોય છે અને એ માટે આ છોકરીઓ તૈયાર નથી હોતી. દામિની એક ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ હોય છે અને બોર્ડ ઑફ ડિરેક્ટર્સ તેની જગ્યાએ નવી એડિટર-ઇન-ચીફને પસંદ કરે છે. અંજના તેની દીકરીના જન્મ બાદ તેને પ્રાધાન્ય આપી પોતાની જરૂરિયાતોને ભૂલી ગઈ હોય છે અને સેક્સ-ડિપ્રાઇવ્ડ મહિલાનો રોલ અદા કરે છે. ઉમંગ એક બાયસેક્સ્યુઅલ છોકરી હોય છે. તે પંજાબથી મુંબઈ આવી રહે છે, પરંતુ એમ છતાં તે પંખીઓની જેમ મુક્તપણે હવામાં ઊડી નથી શકતી. સિદ્ધિ એક ગુજરાતી છોકરી હોય છે. સિદ્ધિનાં લગ્ન કરાવવાં એ જ તેની મમ્મીનું લક્ષ્ય હોય છે. સિદ્ધિના વધુ વજનથી તેની મમ્મી ઑબ્સેસ્ડ હોય છે અને તેને ડાન્સ ક્લાસમાં અને ડાયટિશ્યન પાસે લઈ જાય છે. આ ચારેય છોકરીઓની લાઇફમાં સેક્સ અને આલ્કોહૉલ વધુ મહત્વ ધરાવે છે. જોકે અનુરાગ કશ્યપની ફિલ્મોમાં જે રીતે બંદૂક અને ગાળોનો સમાવેશ કરવામાં આવ્યો હોય એ જ રીતે અહીં ડ્રિન્કનાં દૃશ્યો ઘુસાડવામાં આવ્યાં છે.

આ વેબ-સિરીઝમાં તેમણે ફેમિનિઝમ, સમાનતા, ડ્રન્કન ડ્રાઇવિંગ ન કરવું વગેરે જેવા ઘણા સોશ્યલ મુદ્દાઓનો પણ હળવાશથી સમાવેશ કર્યો છે. ડિવૉર્સી મહિલાને સોસાયટીમાં હંમેશાં અલગ નજરથી જોવામાં આવે છે એ પણ એમાં બખૂબી દેખાડવામાં આવ્યું છે તો ગુજરાતી ફૅમિલીની પૈસાદાર મમ્મીનું તેમનાથી વધુ પૈસાદાર ઘરમાં લગ્ન કરાવવાનું ઑબ્સેશન પણ જોવા મળશે. ઑનલાઇન રોમૅન્સને લઈને કેવી રીતે છોકરીઓને બ્લૅકમેલ કરવામાં આવે છે એ પણ આ વેબ-સિરીઝમાં દેખાડવામાં આવ્યું છે.

તેમણે ઍક્ટિંગ તો સારી રીતે કરી છે, પરંતુ પાત્રને અનુરૂપ કાસ્ટિંગ નથી લાગતું. જેમ કે દામિનીમાં ‘એડિટર-ઇન-ચીફ’ હોવાનો રૂઆબ નથી દેખાતો તો અંજનામાં ગ્લૅમરસ લૉયર હોવાનો ચાર્મ નથી. સિદ્ધિને તેના નાદાન છોકરીના પાત્રમાંથી દિવા મોડમાં આવતાં ખૂબ જ વાર લાગે છે તો ઉમંગ શું બોલે છે એ સાંભïળવા માટે અવાજની નહીં, પરંતુ સબટાઇટલની જરૂર પડે છે. બાની જેની ડાયલૉગ-ડિલિવરી એટલી ખરાબ છે કે એના કરતાં ‘ગોલમાલ’ના તુષાર કપૂરને સાંભળવો વધુ ગમે. સિરિયલમાં જ્યારે પણ સ્ટોરી ખેંચાઈ રહી હોય અથવા તો નબળી પડી રહી હોય ત્યારે તમને પ્રતીક બબ્બર જોવા મળશે.

આ વેબ-સિરીઝની સ્ટોરીમાં ચાર છોકરીઓ પ્લસ પૉઇન્ટ હતી, પરંતુ સ્ટોરીને એટલી એક્સપ્લોર નથી કરી શકાઈ. એમાં હૉલીવુડની વેબ-સિરીઝ ‘સેક્સ ઍન્ડ ધ સિટી’ની ઝલક જોવા મળશે તો ‘ઝિંદગી ના મિલેગી દોબારા’નું કારમાંથી ફોન ફેંકી દેવાનું દૃશ્ય પણ દેખાશે. જો તમારે ચાર છોકરીઓને અને તેમની ફરતે વીંટળાયેલી વાર્તાને જજ નહીં કરવાની શરત સાથે જોવી હોય તો ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ!’ જોઈ શકાય છે. જોકે મેકર્સને બીજી સીઝન માટે કહેવું પડશે કે ‘નો મોર શૉટ્સ પ્લીઝ!’

web series kirti kulhari bollywood