ફિલ્મ-રિવ્યુ - વૉર: સ્ટન્ટ દેખો, દિમાગ મત ચલાઓ...

03 October, 2019 01:12 PM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

ફિલ્મ-રિવ્યુ - વૉર: સ્ટન્ટ દેખો, દિમાગ મત ચલાઓ...

વૉર

હૃતિક રોશન એટલે કે ડાન્સ અને ઍક્શનનો બેતાજ બાદશાહ. હૃતિકની સાથે ટાઇગર શ્રોફ પણ તેનાં ડાન્સ અને ઍક્શન માટે જાણીતો છે. હૃતિકની ‘ધૂમ 2’ અને ‘બૅન્ગ બૅન્ગ’ તેમ જ ટાઇગરની ‘બાગી’ સિરીઝ એની ઍક્શન માટે જાણીતી છે. જોકે આ બન્ને ઍક્ટર્સને એકસાથે એક ફિલ્મમાં જોવા એક લહાવો છે. યશરાજ ફિલ્મ્સની ‘વૉર’માં બન્નેને સાથે દેખાડવામાં આવ્યા છે. ગઈ કાલે રિલીઝ થયેલી આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.

કહાની ઘર-ઘર કી

ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીમાં મેજર કબીરનું પાત્ર હૃતિક રોશન ભજવી રહ્યો છે. તેને એક મિશન માટે ટીમ તૈયાર કરવાનું કહેવામાં આવે છે. જોકે આ ટીમમાં કોને પસંદ કરવો એ પણ ઇનડાયરેક્ટલી તેને ઑર્ડર આપવામાં આવે છે. આ વ્યક્તિ એટલે કે ટાઇગર શ્રોફ ઇન્ટેલિજન્સ ઑફિસર લેફટનન્ટ ખાલીદનું પાત્ર ભજવી રહ્યો છે. હૃતિક તેને ટીમમાં પસંદ કરવા માટે તૈયાર નથી હોતો, કારણ કે તેના પપ્પા એક ગદ્દાર હોય છે અને હૃતિકે જ તેને મૃત્યુને ઘાટ પહોંચાડ્યા હોય છે. જોકે તે અંતે ખાલીદને પસંદ કરે છે અને મિશન પર નીકળે છે. આ મિશન દરમ્યાન ગોટાળો થાય છે અને બધું બદલાઈ જાય છે.

ત્યાર બાદ કબીર ગદ્દાર બની જાય છે અને તેના જ હૅન્ડલરને મૃત્યુને ઘાટ પહોંચાડી દે છે. જોકે આ ફિલ્મનો સૌથી પહેલો સીન છે. ત્યાર બાદ ટાઇગર અને હૃતિક વચ્ચેના સંબંધને રજૂ કરવા માટે ફિલ્મ ફ્લૅશબૅકમાં જાય છે. અહીંથી ફિલ્મની સ્ટોરી શરૂ થયા બાદ ટાઇગર તેના ટીચરને પકડવા નીકળે છે અને એમાં ઘણા ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન આવે છે. તેમ જ સ્ટોરી એક દેશમાંથી બીજા દેશમાં વારંવાર જમ્પ કરતી જોવા મળે છે. ઇન્ડિયાના કેરળથી લઈને પોર્ટુગલ, ઇટલી, મૉરોક્કો, ઑસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશનાં અહીં દર્શન કરાવવામાં આવે છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન

‘બૅન્ગ બૅન્ગ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ફરી ઍક્શન પર હાથ અજમાવ્યો છે. આદિત્ય ચોપડા સાથે મળીને તેણે આ ફિલ્મની સ્ટોરી લખી છે, પરંતુ સ્ટોરીમાં જોઈએ એટલો દમ નથી. હૃતિકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બૉલીવુડની આ પહેલી ફિલ્મ છે જેમાં હવા, પાણી અને જમીન પર ઍક્શન કરવામાં આવી છે. એ તો હકીકત છે કે આ ફિલ્મમાં ઍક્શન કુટ-કુટ કે ભરા હૈ. ‘વૉર’ એક રીતે જોવા જઈએ તો ‘ધૂમ 2’ અને ‘બૅન્ગ બૅન્ગ’નું એક્સટેન્શન લાગે છે. ડિરેક્શન પણ સરખા જેવું જ છે. ‘બૅન્ગ બૅન્ગ’માં જે ડિરેક્શનની ખામીઓ હતી એ આ ફિલ્મમાં પણ જોવા મળે છે. સ્ક્રીનપ્લે સારો છે, પરંતુ સ્ટોરી-ટેલિંગને કારણે ફિલ્મ થોડી માર ખાઈ ગઈ છે. નાહકની વધુપડતી ખેંચવામાં આવી છે. કેટલાંક ઍક્શન દૃશ્ય પણ ખેંચવામાં આવ્યાં છે.

ઍક્શન-હી-ઍક્શન હૈ બૉસ

ફિલ્મની શરૂઆતથી લઈને એન્ડ સુધી બસ ફાઇટ-જ-ફાઇટ છે. જોકે બૉલીવુડની તમામ ફાઇટથી આ ફિલ્મ એકદમ અલગ છે. એક-બે દૃશ્યને બાદ કરતાં એક પણ ફાઇટ તમને લૉજિક વગરની નહીં લાગે. દરેક સ્ટન્ટને ખૂબ જ સ્ટાઇલ, સ્માર્ટનેસ અને ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવ્યા છે. સલમાન ખાનની ‘રેસ 3’ કે પછી પ્રભાસની ‘સાહો’ કરતાં આ ફિલ્મની ઍક્શન લાખો દરજ્જે સારી છે. કારણ એકમાત્ર એટલું કે હીરોને પણ સામાન્ય વ્યક્તિની જેમ ઈજા થતી દેખાડવામાં આવી છે. તેમ જ વિલન પણ એટલા જ જોરદાર છે. ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ અને ‘રેસ’ સિરીઝમાં આપણે વિમાનમાં સ્ટન્ટ જોયા છે, પરંતુ અહીં એક લેવલ ઉપર જઈને સ્ટન્ટ કરવામાં આવ્યા છે. દરેક ફાઇટ, દરેક પંચ મારતી વખતે એ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે તેઓ હવામાં અને એ પણ પ્લેનમાં ફાઇટ કરી રહ્યા છે. વિમાનમાં સ્ટન્ટ એક સમાનતા છે, પરંતુ એને એકદમ અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે. એ જ રીતે ફાઇટના દરેક દૃશ્યને ખૂબ જ બારીકાઈથી કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. હૃતિક અને ટાઇગરની ફાઇટ ખૂબ જ લાંબી ચલાવવામાં આવી છે. જોકે તેમના ચાહકો અને ઍક્શનના પ્રેમીઓ માટે તો એ એક ટ્રીટ છે.

ઍક્ટિંગ

ટાઇગર શ્રોફ તેની ઍક્ટિંગમાં દિવસે-દિવસે ઇમ્પ્રૂવમેન્ટ કરતો જોવા મળી રહ્યો છે. તેનો એક પ્રૉબ્લેમ છે કે તે જ્યારે પણ વધુ સારો પર્ફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરે ત્યારે તે ઊંચા અવાજે ડાયલૉગ-ડિલિવરી કરતો જોવા મળે છે. જોકે તેની ઍક્શન લાજવાબ છે. સિદ્ધાર્થ આનંદ તેની પાસે સારી ઍક્ટિંગ કરાવવામાં સફળ રહ્યો છે. એન્ડમાં ફાઇટ દરમ્યાન એક દૃશ્ય છે જેમાં ટાઇગર દાદર પર હસતો જોવા મળે છે. આ દૃશ્ય જોઈને શૉક થઈ જાઓ તો નવાઈ નહીં. આ દૃશ્ય જોયા બાદ ટાઇગર વિલન અથવા તો સાયકોનું પાત્ર ભજવવા સક્ષમ છે એ કહેવું ખોટું નથી. ટાઇગરની સામે હૃતિકની વાત જ અલગ છે. હૃતિક તેની ઍક્ટિંગમાં એકદમ નૅચરલ છે. ઇન્ટેલિજન્સ ઑફિસરના પાત્રને તેણે પોતાનામાં ઉતારી લીધું હોય એવું લાગે છે. તેનો સ્વૅગ એટલો જોરદાર છે કે તેના ચહેરાના હાવભાવ પણ ઘણી વાર ઘણુંબધું કહી જાય છે. આશુતોષ રાણા ‘વૉર’માં કર્નલ લુથરાના પાત્રમાં જોવા મળી રહ્યા છે. જોકે તેમની પાસે નામપૂરતો અભિનય કરાવવામાં આવ્યો છે. આશુતોષ રાણા જેવા ઍક્ટર્સ પાસે હંમેશાં ચાહકો દમદાર પાત્રની આશા રાખતા હોય છે. તેમ જ ગ્લૅમરના નામ પૂરતો વાણી કપૂરના પાત્રનો ઉમેરો કરવામાં આવ્યો છે. જોકે તેને વધુપડતું ફુટેજ આપવામાં ન આવ્યું એ પણ સારું થયું.

આ પણ વાંચો : ડિરેક્ટર બનશે પ્રિયંકા ચોપડા જોનસ

મ્યુઝિક

‘વૉર’માં બે ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ‘ઘુંઘરુ’ અને ‘જય જય શિવ શંકર’ છે. આ સિવાય કબીર અને ખાલીદની થીમ પણ છે. જોકે ‘ઘુંઘરુ’ ગીત થોડું સારું છે. બૅકગ્રાઉન્ડ સ્કોર ડેનિયલ બી. જ્યૉર્જ દ્વારા આપવામાં આવ્યો છે. જોકે ઘણી વાર એવું લાગે છે કે આ સ્કોર ‘મિશન ઇમ્પૉસિબલ’ સાથે મળતો આવે છે. હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બૅટ દરમ્યાન મોટા ભાગે બૅકગ્રાઉન્ડ સ્કોરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. આથી આ દૃશ્યો થોડાં સાઇલન્ટ લાગે છે. તેમ જ બૅકગ્રાઉન્ડ સ્કોર પણ એટલો પાવરફુલ નથી કે એ તમને યાદ રહી જાય.

tiger shroff hrithik roshan film review movie review