ફિલ્મ-રિવ્યુ - ધ ઝોયા ફૅક્ટર: કૉમેન્ટરીએ કર્યા ક્લીન બોલ્ડ

21 September, 2019 10:39 AM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

ફિલ્મ-રિવ્યુ - ધ ઝોયા ફૅક્ટર: કૉમેન્ટરીએ કર્યા ક્લીન બોલ્ડ

ધ ઝોયા ફૅક્ટર

ક્રિકેટ અને પ્રેમ. આ બે વસ્તુ ઇન્ડિયામાં સૌથી વધુ વેચાય છે (એટલે કે જોવામાં આવે છે). ક્રિકેટ મૅચ હોય કે પછી લવ સ્ટોરી, લોકો એના દીવાના છે. આ બન્ને વસ્તુ એક જ ફિલ્મમાં જોવા મળે તો મોજ પડી જાય. જોકે સોનમ કપૂરની ‘ધ ઝોયા ફૅક્ટર’ એટલી પણ એન્ટરટેઇનિંગ નથી ક્રિકેટ અને લવ સ્ટોરીને ભેગી કરીને એક લાઇટ હાર્ટેડ રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ બનાવવામાં આવી છે. જોકે કહાનીમાં ટ્વિસ્ટ યે હૈ કિ આ ફિલ્મની સ્ટોરી ક્રિકેટ અથવા તો પ્રેમ પર નહીં, લક પર આધારિત છે.

યે લક નહીં આસાં

સોનમ કપૂર આહુજા અને સાઉથના સુપરસ્ટાર દુલ્કર સલમાનની આ ફિલ્મ ક્રિકેટમાં લક કેટલું મહત્વનું છે એના પર આધારિત છે. ૨૦૦૮માં આવેલી અનુજા ચૌહાણની ‘ધ ઝોયા ફૅક્ટર’ બુક પરથી એ જ નામની ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં સોનમ ઝોયા સોલંકીનું પાત્ર ભજવી રહી છે. ઇન્ડિયાએ ૧૯૮૩માં જ્યારે વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે ઝોયાનો જન્મ થયો હતો. તેના જન્મથી તેના પપ્પા સંજય કપૂર ઇન્ડિયાની જીતનું શ્રેય ઝોયાને આપે છે. ઝોયાના પપ્પા અને ભાઈ (સિંકદર ખેર) બન્ને રિટાયર્ડ આર્મી-મૅન હોય છે જેઓ ઇન્ડિયન ટીમના દીવાના હોય છે. જોકે ઝોયા ક્રિકેટને નફરત કરે છે. ઝોયા જ્યારે પણ તેના પપ્પા અને ભાઈ સાથે મૅચ રમવા પહેલાં નાસ્તો કરે ત્યારે તેઓ જીતી જતા હોય છે. આથી તેઓ ઝોયાને ક્રિકેટ માટે લકી માનતા હોય છે, પરંતુ ઝોયા પોતાને ખૂબ જ બદનસીબ માને છે. તે એક ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીમાં જુનિયર તરીકે કામ કરતી હોય છે. જોકે તેની બૉસ તેને નોકરીમાંથી કાઢવાનાં સપનાં જોતી હોય છે ત્યાં જ તેના જીવનમાં યુ-ટર્ન આવે છે. તે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન નિખિલ ખોડાને મળે છે. તેમની સાથે એક ઍડનું શૂટિંગ કરવાનું ઝોયાને અસાઇનમેન્ટ મળે છે. આ અસાઇનમેન્ટમાં ઝોયા અને નિખિલ વચ્ચે પ્રેમ થાય છે અને એ જ દરમ્યાન સતત હારનો સામનો કરી રહેલી ઇન્ડિયન ક્રિકેટ ટીમને ઝોયાની સાથે નાસ્તો કરવાથી જીત મળે છે. આવું ફરી થતાં ઇન્ડિયન ટીમ અને ક્રિકેટ બોર્ડ માની લે છે કે ઝોયાના નાસ્તો કરવાના કારણે એ શક્ય બન્યું છે. જોકે નિખિલ એનાથી એકદમ વિરુદ્ધ હોય છે. તે મહેનત અને પ્રૅક્ટિસને વધુ મહત્વ આપે છે અને ત્યાંથી જ તેમની વચ્ચે નવા-નવા વળાંકો આવે છે.

ઍક્ટિંગ, ડિરેક્શન અને એડિટિંગ

‘પરમાણુ : ધ સ્ટોરી ઑફ પોખરણ’, ‘તેરે બિન લાદેન’ અને ‘ધ શૌકિન્સ’ જેવી ફિલ્મો બનાવનાર અભિષેક શર્માએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ડિરેક્શનમાં ખામી કાઢવી મુશ્કેલ છે, પરંતુ સ્ક્રીનપ્લે થોડો વધુ સારો બની શક્યો હોત. તેમ જ ઘણી જગ્યાએ ફિલ્મ હાથમાંથી છૂટી જતી હોય એવું લાગે છે, પરંતુ વનલાઇનરને કારણે એ ફરી પાટા પર પણ આવી જાય છે. ઍક્ટિંગમાં સોનમને ‘આઇશા’માં જોઈ હતી એના કરતાં થોડી સારી દેખાઈ રહી છે. તે સ્ટાઇલિશ તો છે જ, પરંતુ આ ફિલ્મમાં તેનું કૉમિક ટાઇમિંગ પણ સારું છે. ફિલ્મમાં સૌથી સારી ઍક્ટિંગ દુલ્કર અને અંગદ બેદીની છે. દુલ્કરે કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પરથી પ્રેરિત પાત્ર ભજવ્યું છે. તેના ચહેરાને જોઈને તે કૅપ્ટન કૂલ માટે એકદમ યોગ્ય છે. તેને સ્ક્રીન પર જોવો એક લહાવો છે. તે આ પાત્ર માટે એટલો નૅચરલ છે કે તે ઍક્ટિંગ કરી રહ્યો છે એમ જરા પણ નથી લાગતું. ઇરફાન સાથેની ‘કારવાં’ બાદ બૉલીવુડમાં આ તેની બીજી ફિલ્મ છે. આ ફિલ્મથી તેની બૉલીવુડની સફર પુરજોશમાં ન ચાલે તો એ ચિંતાનો વિષય છે. અંગદ બેદી પણ તેને જે રીતનું પાત્ર આપવામાં આવ્યું છે એ માટે એકદમ બરાબર છે. ફિલ્મનું એડિટિંગ ખૂબ જ ચુસ્ત રીતે કરવામાં આવ્યું છે. તેમ જ એને જરા પણ વધુપડતી લાંબી ખેંચવામાં નથી આવી.

વાહ-વાહ

ફિલ્મની શરૂઆતમાં જ દર્શકો માટે એક સરપ્રાઇઝ છે. અનિલ કપૂર આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં છે. તેની દીકરી સાથેની તેની ઍક્ટિંગ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઝોયા અને તેના ભાઈ વચ્ચે જે તૂતૂ-મૈંમૈં દેખાડવામાં આવે છે એ પણ એકદમ ઓરિજિનલ લાગે છે. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ ક્રિકેટ મૅચ દરમ્યાન આવતી કૉમેન્ટરી છે. આ કૉમેન્ટરીમાં બૉલીવુડથી લઈને આધાર કાર્ડ જેવા ઘણા ડાયલૉગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ સાથે જ ઝોયા થોડી-થોડી વારે તેનો મૉનોલોગ બોલે છે એ પણ એન્ટરટેઇનિંગ છે.

આ પણ વાંચો : તખ્તનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવશે : વિકી કૌશલ

આખરી સલામ

ફિલ્મનાં ગીતમાં એટલી મજા નથી, પરંતુ નવરાશની પળમાં ફિલ્મ ચોક્કસ જોઈ શકાય છે. કોઈ પણ જાતનું દિમાગ ચલાવ્યા વગર ફિલ્મ જોવા જવું. જોકે ફિલ્મ સાથે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે કે લક કરતાં સૌથી મહત્ત્વની તમારી મહેનત છે. કૉમેન્ટરી અને દુલ્કર સલમાનના ચાહકો સો ટકા ફિલ્મ જોઈ શકે છે.

sonam kapoor bollywood movie review film review movie review