ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર ચંદ્રકાંત પંડ્યાનું અવસાન, રામાયણમાં ભજવી હતી આ ભૂમિકા

21 October, 2021 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દીપિકા ચિખલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર `નિષાદ રાજ` એટલે કે ચંદ્રકાંત પંડ્યાની તસવીર શેર કરી અને તેમના મૃત્યુ વિશે જણાવ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

તાજેતરમાં જ ટીવીના પ્રખ્યાત ધાર્મિક શૉ ‘રામાયણ’ના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદીએ આ દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમના મૃત્યુથી દરેક વ્યક્તિ વ્યથિત થઈ હતી. હજી ચાહકો અરવિંદ ત્રિવેદીના મૃત્યુના દુ:ખમાંથી ઊગરી શક્યા નથી કે ‘રામાયણ’ના અન્ય પ્રખ્યાત પાત્રે આ દુનિયાને અલવિદા કહ્યું છે. રામાયણમાં ભગવાન રામના બાળપણના મિત્ર નિષાદ રાજની ભૂમિકા ભજવનાર અભિનેતા ચંદ્રકાંત પંડ્યા હવે આ દુનિયામાં રહ્યા નથી. રામાયણની સીતા એટલે કે દીપિકા ચિખલિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને ચંદ્રકાંતના મૃત્યુના સમાચાર આપ્યા છે. આ સમાચારે બધાને હચમચાવી દીધા છે.

દીપિકા ચિખલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર `નિષાદ રાજ` એટલે કે ચંદ્રકાંત પંડ્યાની તસવીર શેર કરી અને તેમના મૃત્યુ વિશે જણાવ્યું હતું. આ સમાચારને કારણે માત્ર ચાહકો જ નહીં, પરંતુ રામાયણનું દરેક પાત્ર ખૂબ જ દુ;ખી છે. ચંદ્રકાંતનો જન્મ 1 જાન્યુઆરી, 1946 ના રોજ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામમાં થયો હતો. તેમના પિતા એક ઉદ્યોગપતિ હતા અને બાદમાં તેઓ ગુજરાતમાંથી મુંબઈમાં સ્થાયી થયા હતા. તે જ સમયે, ચંદ્રકાંતનું બાળપણ મુંબઈમાં વિત્યું અને શિક્ષણ પણ અહીં જ પૂર્ણ થયું હતું.

રામાયણ સિવાય ચંદ્રકાંત પંડ્યાએ ઘણી ફિલ્મો અને ટીવી શોમાં પણ કામ કર્યું છે. ચંદ્રકાંત બોલિવૂડના પીઢ અભિનેતા અમજદ ખાનના પરમ મિત્ર હતા. બંનેએ સાથે કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ચંદ્રકાંતને નાનપણથી જ નાટકો અને અભિનયમાં ખૂબ રસ હતો. આ કારણે, તેમણે નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન તેમને ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે નાટકોમાં કામ કરવાની તક મળી હતી. અહીંથી તેમણે અભિનય શરૂ કર્યો હતો. આ સાથે જ તેમને ગુજરાતી ફિલ્મ `કાદુ મકરાણી`માં પહેલો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં કામ કર્યા પછી, ચંદ્રકાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા બન્યા, પરંતુ રામાયણમાં તેમના `નિષાદ રાજ` ના પાત્રને કોઈ ભૂલી શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંત પંડ્યાનું ગુજરાતી ફિલ્મોમાં ઘણું જ યોગદાન છે. તેમને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઈ માટે રાષ્ટ્રીય ઍવૉર્ડ પણ મળ્યો હતો. ચંદ્રકાંત પંડ્યાએ ‘રામાયણ’ સહિત ૧૦૦થી વધુ હિન્દી-ગુજરાતી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. તેમણે ‘વિક્રમ બેતાલ’, ‘સંપુર્ણ મહાભારત’, ‘હોતે હોતે પ્યાર હો ગયા’, ‘તેજા’, ‘મહિયાર કી ચુંદી’, ‘શેઠ જગદંશ’, ‘ભાદર તારા વહાતા પાણી’, ‘સોનબાઈ કી ચુંદી’ અને ‘પાટલી પરમાર’ જેવા ટીવી શૉમાં પણ તેમનો અભિનેનો ઓજસ પથર્યો હતો.

entertainment news dhollywood news