નરેશ કનોડિયાની વિદાય એટલે ગુજરાતી સિનેમાના એક યુગનો અસ્ત

27 October, 2020 12:38 PM IST  |  મુંબઈ | Falguni Lakhani

નરેશ કનોડિયાની વિદાય એટલે ગુજરાતી સિનેમાના એક યુગનો અસ્ત

નરેશ કનોડિયા અને સ્નેહલતાની જોડી છે હિટ...

નરેશ કનોડિયા..એક એવું નામ જેનાથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગાસ્ટાર, ઉમદા સંગીતકાર અને સવાયા રાજકારણી. તેની વસમી વિદાય નિમિત્તે Gujaratimidday.comએ તેમની સાથે અગાઉ જે વિશેષ મુલાકાત લીધી હતી તે વાંચી મમળાવીએ તેમનાં સ્મરણો અને જાણીએ તેમની જિંદગીના કેટલાક રહસ્યો.
ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી!
આવી પ્રતિક્રિયા હતી આ દિગ્ગજ કલાકારની જ્યારે અમે તેમને પુછ્યું કે જ્યારે તમને ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન કહેવામાં આવે છે ત્યારે કેવું લાગે છે. નરેશ કનોડિયાએ જવાબમાં કહ્યું કે, હરખ પણ થાય અને દુઃખ પણ થાય. હરખ એ વાતનો કે આપણને એ સ્થાને લોકો માને છે. અને દુઃખ એ વાતનું કે 'ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી'..અમિતાભ અમિતાભ છે અને નરેશ કનોડિયો નરેશ કનોડિયો છે.

આ છે તેમના સદાબહાર વ્યક્તિત્વનો રાઝ
જ્યારે Gujaratimidday.comએ તેમને પુછ્યું એક આ ઉંમરે એ જ જોમ અને જુસ્સો યથાવત હોવાનો રાઝ શું છે? તો તેમનો જવાબ કાંઈક આવો હતો. '1969માં વેણીને આવ્યા ફૂલ ફિલ્મથી મે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. અને પછી તો વણઝાર ચાલી ફિલ્મોની.લોકોને હું એટલો ગમ્યો કે મારી ફાઈટ હોય કે ડાન્સ તેઓ બધાની પ્રશંસા કરતા હતા. મારી ફિલ્મોએ સિલ્વર અને ગોલ્ડન જ્યુબિલી ઉજવી છે. અને હા, આજે મારો જુસ્સો એટલો જ નથી, ચાર ગણો વધી ગયો છે. ભલે 10 વર્ષથી હીરો તરીકે મારી ફિલ્મ નથી આવી પરંતુ આજે પણ પણ મને લોકોનો એટલો જ પ્રેમ મળે છે, અને એ જ મારી શક્તિ છે.'

આવી રીતે મળી પહેલી ફિલ્મ
મહેશ અને નરેશની જોડીથી કોણ અજાણ હોય? તો મહેશ કુમાર એન્ડ પાર્ટીના શો હોય ત્યારે નરેશ કનોડિયા એન્કરિંગ કરતા, ડાન્સ કરતા, ગીતો ગાતા. મુંબઈમાં આયોજિત આવા જ એક શોમાં પ્રોડ્યુસર મફતલાલ શાહ અને ડિરેક્ટર મનુકાંત પટેલ આવ્યા. તેમણે નરેશજીને સ્ટેજ પર જોયા અને પ્રોગ્રામ પછી તેમણે મહેશભાઈને કહ્યું કે, અમે એક ફિલ્મ બનાવી રહ્યા છે. અમારી ઈચ્છા છે તે તેમાં નરેશ કનોડિયા એક્ટિંગ કરે અને મહેશ કનોડિયા સંગીત આપે. અને આ ફિલ્મ હતી વેણીને આવ્યા ફૂલ.


સૌના હ્રદયમાં હરહંમેશ, મહેશ-નરેશ
ચાહકો આજે પણ તેમને ભૂલ્યા નથી, તે વિશે વાત કરતા નરેશ કનોડિયા કહે છે કે, મને બહુ જ સારૂં લાગે કે હજી સુધી મને લોકો ચાહે છે. એમાં એવું છે ને કે તમને પ્રભુ સફળતા આપે, પરંતુ તેને પચાવવાની શક્તિ કલાકારમાં હોવી જોઈએ. અમને ક્યારેય અભિમાન આવ્યું નથી. લોકો સાથે  હળીમળીને રહીએ છે એટલે લોકો ભુલતા નથી. સૌના હ્રદયમાં હર હંમેશ, મહેશ નરેશ.

નરેશ કનોડિયાની દ્રષ્ટિએ આજની ગુજરાતી ઈન્ડસ્ટ્રી
આજની ગુજરાતી ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા નરેશ કનોડિયા કહે છે કે, 'પહેલાની અને અત્યારની ફિલ્મોમાં આસમાન-જમીનનો ફેર છે. આજની ફિલ્મોને ઈન્ટરનેશનલ અવૉર્ડ પણ મળે છે. પહેલાની ફિલ્મો 20-25 લાખમાં બનતી હતી અને કરોડો કમાતી હતી. જ્યારે આજની ફિલ્મો અઢી ત્રણ કરોડમાં બને છે, તેમાંથી કેટલીક જ સફળ થાય છે. કારણ કે જે જુનું ઑડિયન્સ છે એમને જે જોઈએ છે એ તેમના નસીબમાં નથી. હવે ટિકિટ પણ નથી પોસાતી. સિંગલ થિએટર રહ્યા નથી. થોડો પ્રોબ્લેમ થાય છે પણ ઈન્ડસ્ટ્રી આગળ વધતી જાય છે'.

સ્નેહલતાજી છે નરેશ કનોડિયાના ફેવરિટ
જ્યારે અમે તેમને સવાલ કર્યો કે સ્નેહલતા, રોમા માણેક, અરૂણા ઈરાનીમાંથી તેમની ફેવરિટ હિરોઈન કઈ છે. તો તેમનો જવાબ હતો કે,'આમ તો બધી જ હિરોઈન સરસ છે. બધા સાથે કામ કરવાની મજા આવી. પરંતુ લોકોની દ્રષ્ટિએ જુઓ તો મને મારી અને સ્નેહલતાની જોડી ખૂબ જ ગમે છે.'

'આવતા જન્મે કલાકાર જ બનવા ઈચ્છું છું'
સંગીતકાર, કલાકાર અને રાજકારણી રહી ચુકેલા નરેશજીની રીઅલ લાઈફમાં પસંદગીની ભૂમિકા કલાકાર તરીકેની છે. તેઓ કહે છે કે, 'હું નરેશ કનોડિયા કલાકારની ભૂમિકા વધુ પસંદ કરું છું. રાજકારણીની ભૂમિકા પાંચ વર્ષ માટે હોય. ચૂંટણી ન જીત્યા તો તમે શું કરો?પણ કહેવાય છે કે, કલાકાર તો લાકડે જાય. એટલે કે સ્મશાનમાં જાય ત્યાં સુધી કલાકાર જ રહે. હું એવું જ જીવન માંગું છું. હું લાકડે જાઈશ ત્યાં સુધી કલાકાર જ હોવો જોઈએ અને બીજા જન્મમાં પણ કલાકાર જ હોઈશ.'

દીકરા પર છે ગર્વ
દીકરા હિતુ કનોડિયા વિશે વાત કરતા નરેશ કનોડિયા કહે છે કે, 'હિતુ મારો દીકરો છે એટલે નથી કહેતો, પણ એક કલાકાર તરીકે કહું છું કે, તે ગુજરાતી નહીં પણ હિન્દી ફિલ્મ માટે બન્યો છે. તે ઈડરના ધારાસભ્ય પદે રહીને પણ લોકોની ઘણી સેવા કરે છે. થોડા સમયમાં તેણે ઘણું મેળવ્યું છે અને તે ખૂબ જ આગળ વધશે.'

'પત્નીના સહકાર વગર બધું હતું અશક્ય'
એક સમય એવો હતો જ્યારે નરેશ કનોડિયા ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. તેઓ કહે છે કે દિવસના 24 કલાક અને મહિનાના 30 દિવસો ઓછા પડતા હતા. મહેશ-નરેશના શો કરવાના હોય, ફિલ્મોનું શૂટિંગ કરવાનું હોય, મત વિસ્તારમાં જવાનું હોય. બધા તારીખો મેળવવા માટે લાઈનમાં હોય. અને એ લાઈનમાં સૌથી છેલ્લે મારી પત્ની ઉભી હોય અને બાળકો માટે સમય માંગતી હોય. જો કે પત્નીના સહકારથી બધુ પાર પડ્યું છે.

ક્યારે નરેશજી જોવા મળશે ફિલ્મોમાં?
દરેક ચાહકની જેમ અમારા મનમાં પણ સવાલ હતો કે હવે નરેશજી ફિલ્મોમાં ક્યારે જોવા મળશે? જેના જવાબમાં તેમણે કહ્યું કે પ્રોડ્યુસર મારી પાસે આવશે..એટલે હું ફિલ્મ સાઈન કરીશ અને તમારી સામે પડદા પર પાછો ફરીશ..


નરેશ અને હિતુ કનોડિયાના જમાનામાં આટલો ફેર
એ જમાનો અને આજનો જમાનો કેટલો અલગ છે તેના વિશે વાત કરતા નરેશ કનોડિયાજી કહે છે કે, આ વિશે હું એટલું જ કહીશ કે, 'મારા જમાનામાં નદીનો કિનારો હતો અને હિતુના જમાનામાં સ્વિમિંગ પુલ છે.'

આ પણ જુઓઃ મળો ઢોલીવુડના ફર્સ્ટ ફેમિલીને, કાંઈક આવી છે કનોડિયા પરિવારની લાઈફ

તો આવા હતા ગુજરાતી ફિલ્મોના સદાબહાર અભિનેતા નરેશ કનોડિયા. 

dhollywood news gujarati film