Navratri 2020:શ્વેતા રાજ્યગુરુનું ગીત દર્શાવે છે રાધા-કૃષ્ણનો વિરહ ભાવ

26 October, 2020 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navratri 2020:શ્વેતા રાજ્યગુરુનું ગીત દર્શાવે છે રાધા-કૃષ્ણનો વિરહ ભાવ

શ્વેતા રાજ્યગુરુ

કોરોનાકાળમાં નવરાત્રી ઉત્સવની વર્ચ્યુલ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે એક ગુજરાતી ગાયિકા હાજર છે, નવું ગીત લઈને. લવ મેશઅપ અને ટ્રાવેલ મેશઅપથી પ્રખ્યાત થયેલ ગુજરાતી ગાયિકા શ્વેતા રાજ્યગુરુએ પણ નવરાત્રીમાં ગીત રિલીઝ કર્યું છે. જેનું નામ છે ‘રાધા કાનને શોધે’. રાધા-કૃષ્ણનો વિરહ ભાવ દર્શાવતું આ ગીત ધીમે-ધીમે લોકોના દિલ અને પ્લેલિસ્ટમાં જગ્યા બનાવી રહ્યું છે.

ગુજરાતી ગાયિકા શ્વેતા રાજ્યગુરુ કવર ગીતો માટે જાણીતી છે. પણ હવે તેને કવર ગીતોથી ઓરિજનલ ગીતો તરફ વળવાનું શરૂ કર્યું છે. તેના ભાગરૂપે રિલીઝ થયું છે ‘રાધા કાનને શોધે’.

‘રાધા કાનને શોધે’માં રાધા-કૃષ્ણનો વિરહ ભાવ દર્શાવવામાં આવ્યા છે. આ ગીતમાં રાધાના મનની વાત પ્રદર્શિત કરે છે, હજારની ભીડમાં રાસ રમતા એકલા પડો, તો આપણો ચહેરો કોઈ એક વ્યક્તિને શોધતો હોય એમ ગોકુળમાં બધા સ્નેહીમિત્રો રાસ રમવા ભેગા થયા હોવાછ્તાં જેમ રાધા કાનને શોધ્યા કરે છે , તેણી તૈયાર થઈને બસ એનાં કૃષ્ણની રાહ જોઈ રહી છે.

આ ગીત વિશે વાતચીત કરતા શ્વેતા રાજ્યગુરુએ કહ્યું કે, પહેલા અમારો વિચાર હતો કે ગીતમાં રાધા અને કૃષ્ણ બંનેને દર્શાવીને બંનેનો પ્રેમ દર્શાવીએ તેવું વિચાર્યું હતું. રાધા કાન ને શોધે અને કાન મળી જાય એવું કંઈક. પણ પછી મને થયું કે, રાધા-કૃષ્ણનો પ્રેમ દરેક ગીતમાં જોવા મળે છે. પણ આ પ્રેમ પાછળ જે વિરહ ભાવ છે તે બહુ ઓછી જગ્યાએ દર્શાવવામાં આવ્યો છે. એટલે અમે વિચાર્યું કે, ચાલો આપણે આ જ ભાવ દર્શાવીએ અને અમે એ જ કર્યું.

શ્વેતા રાજ્યગુરુએ આ ગીત ગાયું, પ્રોડયુસ કર્યું છે અને ગીતમાં પર્ફોમ પણ કર્યું છે. ગીતના શબ્દો અને કમ્પોઝીશન કેશરાજ સોલંકીની છે. કોરિયોગ્રાફી તરંગ દલવાડી દ્વારા કરવામાં આવી છે. ગીતનું વિડીયો પ્રોડક્શન અને ડિરેક્શન કરણ ધોડાનું છે.

શ્વેતા રાજ્યગુરુ કવર ગીતો અને ટ્રાવેલ મેશઅપ માટે પ્રખ્યાત છે.

entertainment news dhollywood news navratri youtube