આજે ઓપન થાય છે નવી ગિલ્લી નવો દાવ

08 March, 2020 04:00 PM IST  |  Mumbai Desk

આજે ઓપન થાય છે નવી ગિલ્લી નવો દાવ

નવી ગિલ્લી નવો દાવ

પ્રદીપ લિંબાચિયા નિર્મિત શાશ્વત પ્રોડક્શન્સનું નવું નાટક ‘નવી ગિલ્લી નવો દાવ’ના લેખક-દિગ્દર્શક નરેશ શાહ છે તો નાટકનું લીડ કૅરૅક્ટર પણ નરેશ શાહે કર્યું છે. નાટકના અન્ય કલાકારોમાં પ્રદીપ લિંબાચિયા, નીલાંગ વ્યાસ, હિના રામપ્રિયા, ઊર્મિ તન્ના, ભરત ગોપિયાણી, નિમેશ બોઘાણી અને મનીષ શાહ છે. નાટકની વાર્તા આજના સમયની છે. ઉંમર પસાર થઈ ગઈ એટલે નાસીપાસ થઈને માણસ વૃદ્ધાવસ્થા ભોગવતો ઘરમાં બેસી રહે છે, જે ખોટું છે. ઇચ્છા પૂરી કરવા, મહત્ત્વાકાંક્ષા સુધી પહોંચવા માટે કોઈ ઉંમર મોટી નથી હોતી અને આ જ સંદેશો નાટકમાં આપવામાં આવ્યો છે. નાટકના રાઇટર-ડિરેક્ટર અને ઍક્ટર નરેશ શાહ કહે છે, ‘જીવનના દરેક તબક્કા પર પરિવારને આગળ રાખીને દોડનારાઓએ નિવૃત્તિ પછી કેવી રીતે જીવન જીવવું જોઈએ એ વાતને નાટકમાં રમૂજ અને હળવાશ સાથે કહેવામાં આવી છે.’

સંતાનો માટે આખી જિંદગી ઘસી નાખનાર અકાઉન્ટન્ટ એક દિવસ નક્કી કરે છે કે હું કોઈ પણ ભોગે મારાં સપનાંઓને પૂરાં કરવાની દિશામાં આગળ વધીશ. દુનિયાની તેને પરવા નથી, પણ શું પરિવાર આ વાત સ્વીકારશે, માનશે તેની વાત? શું હતું તેનું એ અધૂરું સપનું અને એ સપનું પૂરું કરવા માટે તેણે કેવી-કેવી મુશ્કેલીઓ સહન કરવી પડશે એનો જવાબ ‘નવી ગિલ્લી નવો દાવ’માંથી મળે છે. નરેશ શાહ કહે છે, ‘મોટા ભાગના લોકોની આ જ પરિસ્થિતિ હોય છે. પહેલાં ભણવામાં અને પછી સેટલ થવામાં સમય પસાર થાય, એ પછી માબાપ, પછી સંતાનોની જવાબદારી આવે એટલે એમાં સમય પસાર થાય. આ બધી જવાબદારીઓ પૂરી કરે ત્યારે ઉંમરની મર્યાદાઓ નડે. આ મર્યાદાઓને તોડવાનું ‘નવી ગિલ્લી નવો દાવ’ શીખવે છે.’
નાટકનો શુભારંભ આજે બપોરે ૪ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

gujarati film