Interview: છાયા વોરાએ લગ્નના 13 વર્ષ બાદ કમબૅક કરી સાબિત કર્યુ કે કળાને કોઈ બંધન નથી, ન સમયનું ન વયનું

01 April, 2022 05:23 PM IST  |  Mumbai | Nirali Kalani

ગુજરાતી અભિનેત્રી છાયા વોરાએ તાજેતરમાં આવેલી બહુચર્ચિત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં કામ કર્યુ છે. આ ફિલ્મમાં તેમણે આલિયા ભટ્ટની માતાનો રોલ કર્યો છે.

છાયા વોરા(તસવીર ડિઝાઈન: સોહમ દવે)

અભિનેત્રીએ 19 વર્ષની ઉંમરે નાટકના માધ્યમથી અભિનયની શરૂઆત કરી અને અઢળક નાટકોમાં અભિનયનો ઓજસ પાથર્યો, આ દરમિયાન લગ્ન કર્યા અને સંસારમાં રચ્યાં પચ્યાં રહ્યાં, સંયુક્ત પરિવારમાં સાંસારિક જીવનને માણવા લાગ્યા અને પુત્રના ઉછેર માટે અભિનયથી દૂર રહ્યાં. દિકરો મોટો થયા બાદ 13 વર્ષના લાંબા ગાળા પછી ફરી અભિનયમાં નાટકોથી કમબેક કર્યુ અને ગુજરાતી ફિલ્મો તથા સીરિયલોમાં કામ કરવા ઉપરાંત સંજય લીલા ભણસાલી સાથે પણ કામ કર્યુ, આવી સફર સંઘર્ષભરી હોય કે ના હોય પણ પડકારજનક જરૂર હોય છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે અઢળક નાટકો, સીરિયલો અને ફિલ્મોમાં કામ કરી પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી અભિનયથી દર્શકોના દિલમાં વસેલા અને તાજેતરમાં `ગંગુબાઈ કાઠિયાવાડી` માં આલિયા ભટ્ટ એટલે કે ગંગુબાઈના માતાનો રોલ કરનારા ગુજરાતી અભિનેત્રી છાયા વોરાની. 

કોણ છે છાયા વોરા..?

છાયા વોરા એટલે ગંગુંબાઈના માતા, છાયા વોરા એટલે શુભારંભ સીરિયલની કિર્તિદા અને છાયા વોરા એટલે `દિકરી નંબર 1` નાટકમાં રાજેશ ખન્નાની ફિલ્મોના એક સાથે નામ બોલવાવાળી રાજેશ ખન્નાની ફેન બનેલી રિદ્ધિની મમ્મી (જે વીડિયો તમે નીચે જોઈ શકો છો). ગુજરાતના સૌરાષ્ટ્રમાં જન્મેલા અને મુંબઈમાં ઉછરેલા છાયા વોરાને બાળપણથી જ સ્ટેજ પ્રત્યે લગાવ હતો. જ્યારે પણ તે નાટક જોવા જતાં ત્યારે પોતાને સ્ટેજ પર જોવાનું સપનું જોતા અને બાદમાં તેમણે તે સપનું સાકાર કર્યુ. તેમનું પહેલું નાટક `બૈરી મારી બાપ રે બાપ` હતું. ત્યાર બાદ તેમણે `મહાયાત્રા`, `અભિનય સમ્રાટ`, અને `દર્પણની આરપાર` જેવા અઢળક નાટકોમાં અભિનય કરી પ્રક્ષકોના દિલમાં જગ્યા બનાવી. લગ્ન એ જિંદગીનો એક મોટો વળાંક હોય છે, જે વળાંક છાયા વોરાના જીવનમાં પણ આવ્યો અને તેઓ લગ્નના બંધનમાં બંધાયા.  

લગ્ન બાદ અભિનયથી રહ્યાં દૂર

અભિનેત્રી છાયા વોરાએ લગ્ન પહેલા છેલ્લુ નાટક ફિરોજ ભગત સાથે કર્યુ હતું. લગ્ન બાદ સાંસારિક જીવનમાં રચ્યાં પચ્યાં હોવાથી અભિનયથી થોડી દૂરી બનાવી લીધી હતી. તેની પાછળ બે કારણો હતાં, પહેલું, તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હોવાથી તે તેમનો સમય પરિવારના સભ્યો સાથે માણવાં ઈચ્છતા હતાં અને બીજુ તેમના પુત્રના ઉછેરમાં તેઓ કોઈ બાંધછોડ કરવા માંગતા નહોતા. જો કે આ દરમિયાન તેમણે સીરિયલો અને ગુજરાતી ફિલ્મો માટે ગીતો લખ્યાં હતા, તેમણે સોની પર આવેલી સીરિયલ `દિલ હૈં કી માનતા નહીં` માટે એક લવ સોન્ગ પણ લખ્યું હતું. મતલબ કે, લગ્ન બાદ તેમણે ભલે અભિનય કરવાનું છોડી દીધું પરંતુ કળાના આ ક્ષેત્ર સાથે કોઈના કોઈ રીતે જોડાયેલા રહ્યાં, જેણે તેમની અંદર રહેલા એક્ટરને જીવંત રાખ્યો.    

13 વર્ષ બાદ ફરી અભિનયની સફર કરી શરૂ

લગ્ન જીવનની અનેક જવાબદારીઓ નિભાવી પોતાના પુત્રનો સારો ઉછેર કરી 13 વર્ષ બાદ ફરી અભિનેત્રી છાયા વોરાએ નાટકમાં આગમન કર્યુ. તેમણે આટલા લાંબા સમય ગાળા બાદ `હવે તો માની જાવ` નાટકથી ફરી સ્ટેજ પર અભનિયનો ઓજસ પાથર્યો. જાણે કે અભિનેત્રીની અંદર રહેલા કલાકારને વર્ષો પછી ખુલ્લું આકાશ મળ્યુ હોય એમ આ નાટક બાદ છાયા વોરાએ `દિકરી નંબર 1`,  `રાધા રાણી મુંબઈના શેઠાણી`, `આ વેવાઈનું કંઈ કેવાય નઈ`, `હેરાફેરી`  જેવા અસંખ્ય નાટકો કર્યા અને પ્રેક્ષકોને મનોરંજન પુરૂ પાડ્યું. 

આટલા લાંબા સમય બાદ ફરી નાટક કરવાનો અનુભવ શેર કરતાં છાયા વોરાએ જણાવ્યું કે,` નવી શરૂઆત બાદ જ્યારે પહેલું નાટક કર્યુ તો તેના રિહર્સલમાં ઘણીવાર એવું બન્યું કે ડાયલોગ્સ યાદ રહે તો કમ્પોઝિશન ભૂલી જાવ અને કમ્પોઝિશન યાદ રહે તો ડાયલોગ્સ ભૂલી જતી. પરંતુ નાટકના નિર્દેશકને મારા પર સો ટકા વિશ્વાસ હતો, અને તે વિશ્વાસ મારો આત્મવિશ્વાસ પણ વધારતો હતો. ફરી એક નવી શરૂઆત માટે ઉત્સાહ હતો પરંતુ સાથે સાથે થોડો ડર પણ હતો. આમ પણ કહેવાય છે ને ડર કે આગે જીત હૈ, બસ આ જ વાક્યને સાર્થક કરી છાયા વોરાએ તે  અભિનયની સફરમાં જીત હાંસિલ કરી. તેમના તે નાટકને પ્રક્ષકોનો ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. જો કે, તેમાં અભિનેત્રીના સહકલાકારોએ તેમને ખુબ જ સપોર્ટ કર્યો હતો.  

ગુજરાતી ફિલ્મો અને સીરિયલમાં પણ કર્યુ કામ

અભિનેત્રી છાયા વોરાએ સ્ટેજ પર પર્ફોમ કર્યા બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરી. અઢળક નાટકોના અનુભવને કારણે ફિલ્મોમાં તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા. તેમણે ‘બાલવીર’, ‘શુભારંભ’ અને ‘સંસ્કાર’ જેવી ટીવી-સીરિયલમાં તો કામ કર્યું છે, સાથે સાથે મલ્હાર ઠાકર સ્ટારર ગુજરાતી ફિલ્મ `શરતો લાગુ` અને `મિજાજ` ફિલ્મમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત આગામી સમયમાં તે અંજલી બારોટ અને રોનક કામદાર સ્ટારર ફિલ્મ `ચબુતરો` માં રોનકના મમ્મીના રોલમાં પણ જોવા મળશે. સાથે સાથે અન્ય ત્રણ ફિલ્મોમાં તેમનો અભિનય જોવા મળશે. આ તમામ ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે જે આગામી સમયમાં રિલીઝ થશે. આ સિવાય છાયા વોરા બૉલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે પણ એક પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યા છે. જે પણ ટૂંક સમયમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે.  

સંજય લીલા ભણસાલી સાથે કર્યુ કામ

બહુચર્ચિત ફિલ્મ `ગંગુબાઈ કાઠિયાવાડી` માં પણ અભિનેત્રી છાયા વોરાએ કામ કર્યુ છે. આ ફિલ્મમાં છાયા વોરાએ ગંગુબાઈની માતાનું પાત્ર ભજવ્યું છે. જે ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલીએ કર્યુ છે. અદ્ભૂત ફિલ્મમેકર ભણસાલી સાથે કામ કરવા વિશે વાત કરતાં છાયા વોરાએ કહ્યું કે,` શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણસાલી પાસેથી ઘણું બધું શિખવા મળ્યું. એક એકટર તરીકે તમને દરેક લોકો અને દરેક નવી જગ્યાએથી ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે. તેમના નિર્દેશન હેઠળ કામ કરવા મળ્યુ તે મારા માટે આનંદની વાત છે, તેના માટે હું પોતાને નસીબદાર માનું છું.`

એક્ટરે પોતાના અભિનયને શ્રેષ્ઠ બનાવવા માટે અનેક બાબતો ધ્યાનમાં રાખવી ખુબ જ આવશ્યક છે, પરંતુ એક એવી કઈ બાબત છે જે એક્ટરે ધ્યાનમાં લેવી અનિવાર્ય છે તે અંગે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, "એક્ટર એક્ટર જ હોય, સારો કે ખરાબ ના હોય. પરંતુ તમે તમારા પાત્રને કઈ રીતે રજૂ કરો છો તે રજૂઆત તમને એક અલગ ઓળખ આપે છે. આસપાસ થતી ઘટનાઓ અને બનતી પ્રક્રિયાઓનું ઓબ્ઝર્વેશન કરવું અને દરેક પાત્રને નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કરવું એક એક્ટર માટે ખુબ જ જરૂરી છે. જે બાબત તેમને પ્રગતિના પંથ પર લઈ જાય છે."

અભિનેત્રી છાયા વોરાએ સાબિત કર્યુ છે કે કોઈ પણ વસ્તુ કરવાની ધગશ અને મહેનત કરવાની તૈયારી હોય તો કોઈ પણ બાબત અવરોધ બનતી નથી ન સમય, ન ઉંમર કે ન આપણે ખુદ. સાથે જ એ વાત પણ સાર્થક કરી છે કે કળાને સમય કે વયનું કોઈપણ બંધન નથી. 

 

 

dhollywood news Gujarati Natak gujarati film