એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ

03 September, 2023 06:08 PM IST  |  Mumbai | Bhavya Gandhi

‘જવાન’ના ટ્રેલર પછી આ જ ત્રણ શબ્દો તમારા મોઢામાંથી નીકળે

ફાઇલ તસવીર

જવાન’ ૧૦૦ ટકા હિટ છે. ના, સુપરહિટ છે. કહો કે ૫૦૦થી ૭૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ પણ ફાઇનલ છે અને આ બધું હું એટલે નથી કહેતો કે હું શાહરુખનો ફૅન છું, પણ એટલા માટે કહું છું કે આ ફિલ્મ ઍટલીએ ડિરેક્ટ કરી છે. ઍટલીનું નામ મોટા ભાગની હિન્દી ઑડિયન્સ માટે નવું છે, પણ સાઉથના આ ડિરેક્ટરના નામે અનેક સુપરહિટ ફિલ્મો છે. એની ઉંમર માત્ર ૩૬ વર્ષ છે! અને એ પછી પણ આજે તામિલ ફિલ્મોમાં તેનું નામ ટોચના સ્ટાર્સ જેટલું જ મહત્ત્વનું બની ગયું છે. આજે આપણે વાત ‘જવાન’ની કરવાના છીએ, પણ એ ફિલ્મ જોયા પછી જો તમે ચાર્જ થઈ ગયા હો તો તમારે એનો બધો જશ તો ઍટલીને જ આપવો પડે. તેણે સાઉથના બેસ્ટ ડિરેક્ટર શંકરની ‘રોબો’ નામની ફિલ્મથી કરીઅર શરૂ કરી હતી. રજનીકાન્ત સ્ટારર આ ફિલ્મમાં તે શંકરનો અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો, એ પછી પણ એકાદ ફિલ્મ તેણે અસિસ્ટ કરી અને પછી માત્ર ૨૭ વર્ષની ઉંમરે તેણે ડિરેક્શન શરૂ કર્યું અને તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તહેલકા મચાવી દીધો. માત્ર ચાર-પાંચ ફિલ્મ ડિરેક્ટ કરનારા ઍટલીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘થેરી’ હિન્દીમાં પણ અવેલેબલ છે. એક વાર જોશો તો તમને ખબર પડશે કે ઍટલી કૅમેરા સાથે જેટલો ટૅલન્ટેડ છે એટલી જ ભારોભાર ટૅલન્ટ તેની પૅનમાં પણ છે. ‘થેરી’ તેણે જ લખી છે અને એવી રીતે ‘માર્શલ’ પણ તેણે જ ડિરેક્ટ કરી અને તેણે જ એ લખી. ‘જવાન’ પણ ઍટલીએ જ લખી છે અને ‘જવાન’નું ટ્રેલર આપણા સુધી પહોંચે એ પહેલાં, એના ટીઝરે જ દેકારો મચાવી દીધો હતો. આખા ચહેરા પર પાટાપિંડી કરનાર શાહરુખ ખાન અને તેની સાથે ઊડતું આપણું પેલું શાંતિદૂત એવું કબૂતર. ટીઝર કહેતું હતું કે ફિલ્મ જબરદસ્ત ઇન્ટરેસ્ટિંગ હશે અને ટ્રેલરે કહ્યું કે ફિલ્મ સોએસો ટકા સુપરહિટ છે. આ નવી નજરનું કારણ છે. નવી નજર સાથે ઍટલીએ ‘જવાન’ જોઈ અને કહેવું પડે કે શાહરુખ ખાને પણ સ્વીકાર્યું કે હવે જો ઇન્ડસ્ટ્રીમાં વધારે લાંબો સમય રહેવું હોય, કિંગશિપ અકબંધ રાખવી હોય તો નવી ટૅલન્ટના હાથમાં જવું પડશે. ઍટલી નવી ટૅલન્ટ છે, પણ એ નવી ટૅલન્ટ પાસે વાત તો એન્ટરટેઇમેન્ટની જ છે અને એન્ટરટેઇનમેન્ટ સિવાય હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈની વૅલ્યુ થઈ ન શકે એ વાત આપણે ‘ગદર 2’માં જોઈ જ લીધી. જો તમે ઑડિયન્સને ભૂલો તો ઑડિયન્સ તો તમને ગણકારે પણ નહીં. જો તમે ઑડિયન્સ માટે ફિલ્મ બનાવો નહીં તો એ તો તમારી સામે જોવાની પણ તસ્દી ન લે. ‘જવાન’ ઑડિયન્સ માટેની ફિલ્મ છે અને એ ફિલ્મ ઑડિયન્સને હાથમાં લઈને રહેશે, જેનું સૌથી મોટું કારણ એ છે કે શાહરુખ ખાને સંપૂર્ણપણે પોતાની જાત ઍટલીના હાથમાં મૂકી દીધી છે. મ્યુઝિકથી માંડીને એકેક બાબતમાં ઍટલીનો ટેસ્ટ દેખાઈ રહ્યો છે. હું એવું કહેતાં પણ નહીં ખચકાટ અનુભવું કે તમારે કોઈના આશરે ગયા પછી તેના પર પૂરો વિશ્વાસ રાખવો પડે અને એ કામ ‘જવાન’માં શાહરુખ ખાને કર્યું છે. માત્ર ત્રણ જ ફિલ્મમાં ૧૧થી વધુ અવૉર્ડ મેળવી ચૂકેલા ઍટલીએ ‘જવાન’ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે પણ બીજી કોઈ ફિલ્મ સાઇન કરી નથી. આ ઍટલીનો કૉન્ફિડન્સ દેખાડે છે. સામાન્ય રીતે વ્યક્તિ બીજો પગ ઉપાડતાં પહેલાં પોતાનો પહેલો પગ જમીન પર ટેકવી દે છે, પણ જેનામાં આત્મવિશ્વાસ છે, જે કૉન્ફિડન્ટ છે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે ‘ગદર 2’ જેવી ફિલ્મોની બહુ જરૂર છે. અફકોર્સ, ‘પઠાણ’ અને ‘દૃશ્યમ્’એ બહુ સારો બિઝનેસ કર્યો જ હતો, પણ એ વાત હવે જૂની થઈ ગઈ છે. આપણે એટલી બધી ફ્લૉપ ફિલ્મો જોઈ લીધી છે કે અઢળક હિટ ફિલ્મો નહીં મળે ત્યાં સુધી આપણે એ ફ્લૉપની માનસિકતામાંથી બહાર નહીં આવીએ. ‘જવાન’ એ હિટની રેસમાં ખરા અર્થમાં સૌથી આગળ રહેવાની છે અને મજાની વાત એ છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મસ્ત, તોતિંગ હિટ આપવાનું કામ હવે જો કોઈ કરવાનું હોય તો એ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો માત્ર ૩૬ વર્ષનો ડિરેક્ટર કરશે. ઍટલીને તમે જુઓ તો નેક્સ્ટ ડોર બૉય જેવો જ તમને લાગે. એના બિહેવિયરથી માંડીને બીજી એક પણ બાબતમાં ક્યાંય એવું દેખાય નહીં કે એ સાઉથની ઇન્ડસ્ટ્રીનો આટલો મોટો ડિરેક્ટર છે. ઍક્ચ્યુઅલી, આ વાત સાઉથની ઇન્ડસ્ટ્રીના બધા ડિરેક્ટરને લાગુ પડે છે.

Shah Rukh Khan rajinikanth dhollywood news entertainment news