ફિલ્મ છેલ્લો શૉ ઑસ્કરમાં આ કેટેગરીમાં થઈ સિલેક્ટ, RRRને પણ મળ્યું સ્થાન

22 December, 2022 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બુધવારે 10 ઑસ્કર કેટેગરીની શૉર્ટલિસ્ટ થયેલી ફિલ્મોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું

ફાઇલ તસવીર

ભારતીય સિનેમા માટે ખૂબ જ ગર્વની વાત છે કે ઑસ્કર માટે આ વર્ષે બે ફિલ્મો શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. પાન નલિન ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ (The Last Film Show)ને સ્થાન મળ્યું છે. ફિલ્મને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ’ કેટેગરીમાં શૉર્ટલિસ્ટ કરવામાં આવી છે. સાથે જ એસએસ રાજામૌલીની `RRR` પણ ઑસ્કર માટે પસંદગી પામી છે. રાજામૌલીએ પોતાની ફિલ્મને ઑસ્કરમાં `બેસ્ટ ફીચર ફિલ્મ` કેટેગરીમાં નોમિનેશન માટે મોકલી હતી, પરંતુ તે પછી પસંદગી પામી ન હતી. બાદમાં નિર્માતાઓએ ફિલ્મને 14 કેટેગરીમાં નોમિનેશન માટે સબમિટ કરી હતી.

બુધવારે 10 ઑસ્કર કેટેગરીની શૉર્ટલિસ્ટ થયેલી ફિલ્મોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં ડોક્યુમેન્ટરી અને આંતરરાષ્ટ્રીય ફિચર, ડોક્યુમેન્ટરી શૉર્ટ સબ્જેક્ટ અને ઑરિજિનલ સ્કોર્સ સામેલ છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ને (The Last Film Show), ઑસ્કરમાં ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ’ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે, તે મોટી વાત છે. બીજી તરફ `RRR`એ `નાટુ નાટુ` માટે `મ્યુઝિક (ઑરિજિનલ ગીત)` શ્રેણીમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.

બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં શૉર્ટલિસ્ટ થયેલી અન્ય ફિલ્મોમાં આર્જેન્ટિના 1985, ધ ક્વાઇટ ગર્લ અને ધ બ્લુ કાફ્તાન સામેલ છે. આ વખતે ઑસ્કરમાં બીજી એક ખાસ વાત છે. આ પહેલીવાર છે કે જ્યારે પાકિસ્તાનની કોઈ ફિલ્મને એકેડમી એવોર્ડ્સમાં એન્ટ્રી મળી હોય. પાકિસ્તાની ફિલ્મ `જોયલેન્ડ`ને પણ `બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ` કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે.

હવે ઑસ્કર એવોર્ડ્સની વિવિધ શ્રેણીઓ માટે વોટિંગ 12 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે. નોમિનેશનની યાદી 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. આ એવોર્ડ શૉ 12 માર્ચે હોલીવૂડના ડોલ્બી થિયેટરમાં યોજાશે.

અગાઉ ફિલ્મ છેલ્લો શૉને એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ (AWFF) ખાતે શ્રેષ્ઠ ફિલ્મ - સ્નો લેપર્ડ પુરસ્કાર મળ્યો હતો. એવોર્ડ સ્વીકારતી વખતે ડિરેક્ટર પાન નલિને કહ્યું હતું કે, “અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે, અમે અમારા એકાંતમાં જે કર્યું તે વિશ્વભરના લોકોમાં ગુંજી રહ્યું છે. લાસ્ટ ફિલ્મ શૉ દ્વારા અમે માત્ર મનોરંજન નહોતા કરવા માગતા, પરંતુ તમને તમારામાં રહેલા બાળકની નજીક લાવવા માગતા હતા, જેથી તમે કમિંગ ઑફ ઍજ ડ્રામાની નિર્ભયતાના સાક્ષી બની શકો.”

આ પણ વાંચો: ફિલ્મ ‘છેલ્લો શૉ’ને મળી વધુ એક સફળતા: ભારતમાં આ દિવસે OTT પર રિલીઝ થશે ફિલ્મ

ઉલ્લેખનીય છે કે ફિલ્મ હાલ નેટફ્લિકસ પર ઉપલબ્ધ છે.

entertainment news dhollywood news Pan Nalin Last Film Show Chhello Show ss rajamouli