ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’નો ચોથા અઠવાડિયામાં પ્રવેશ, OTT પર રિલીઝ વિશે પ્રોડ્યુસરે આપી માહિતી

01 January, 2022 08:51 PM IST  |  Mumbai | Karan Negandhi

દર્શકો ફેબ્રુઆરી સુધીમાં OTT પર પણ આ ફિલ્મ માણી શકશે.

૨૧મું ટિફિન પોસ્ટર

કોરોનાને કારણે જ્યારે મોટા બેનર હેઠળની ફિલ્મોની રિલીઝ પાછળ ધકેલવામાં આવી રહી છે, ત્યારે કોન્ટેડ ઓરિએન્ટેડ ફિલ્મ બનાવતાં પ્રોડક્શન હાઉસ વિજયગીરી ફિલ્મોસની ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’એ ત્રણ સફળ સપ્તાહ બાદ ચોથા સપ્તાહમાં પ્રવેશ કર્યો છે. બૉલીવુડ અને હોલીવુડની કેટલીક મોટી ફિલ્મો સિનેમાઘરોમાં છે, ત્યારે ફિલ્મ ‘૨૧મું ટિફિન’ને  હજી પણ ગુજરાતી પ્રેક્ષકો તરફથી પ્રેમ મળી રહ્યો છે અને દર્શકો પણ ફિલ્મની સરાહના કરી રહ્યા છે.

ચોથા અઠવાડિયામાં પ્રવેશ છતાં ગુજરાત અને મુંબઈમાં દરરોજ ફિલ્મ ‘એકવીસમું ટિફિન’ના ૪૦થી વધુ શો થઈ રહ્યા છે. આ સમાચાર ચાહકો સાથે શેર કરતાં વિજયગીરી ફિલ્મોસે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર ફરી શેર કરતાં લખ્યું હતું કે “ગુજરાતી સિનેમાને પ્રેક્ષક નથી મળતાં એવી ફરિયાદ ઘણાં ને હોય છે અને ઘણાં ગુજરાતીને એવી ફરિયાદ હોય છે કે અમને અમારી ભાષામાં સારી ફિલ્મો નથી મળતી... 21મું ટિફિન આવી ઘણી ફરિયાદો દૂર કરવામાં સફળ રહ્યું એ માટે પ્રેક્ષકોનો દિલથી આભાર...”

આ સંદર્ભે વાત કરતાં ફિલ્મના પ્રોડ્યુસર ટ્વિંકલ બાવાએ કહ્યું કે “કોરોનાના સમયમાં ફિલ્મ રિલીઝ કરી હતી એટલે મનમાં થોડોક ડર જરૂર હતો, પરંતુ ફિલ્મનો રિસ્પોન્સ જોયા પછી આ ચિંતા નિરર્થક સાબિત થઈ. ફિલ્મ જ્યારે ચોથા અઠવાડિયામાં સફ્ળતાપૂર્વક ચાલી રહી છે, ત્યારે મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મો માટે પ્રોડ્યુસર્સની પ્રેક્ષકો ન મળવાની અને પ્રેક્ષકોની સારી ફિલ્મો ન બનવાની ફરિયાદ, બંને પક્ષે દૂર થવાનું માધ્યમ ‘એકવીસમું ટિફિન’ બની છે.

તેમણે ઉમેર્યું કે “ફિલ્મની સફળતા બાદ પ્રોડ્યુસર તરીકે હિંમત વધુ ખૂલી છે. ઘણીવાર પ્રોડ્યુસરના મનમાં ડર હોય છે કે સંવેદનશીલ વિષય ધરાવતી ફિલ્મને પ્રેક્ષકો નથી મળતા, પરંતુ આ ડર હવે દૂર થયો છે. આ ફિલ્મને પ્રેક્ષકો પોતાના જીવન સાથે જોડી શક્યા છે, તે મહત્ત્વનું છે.”

ફિલ્મનો કયો ભાગ તમને વ્યક્તિગત રીતે સૌથી વધુ ગમે છે? આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે “પ્રેક્ષકોને ફિલ્મનો ક્લાઇમેક્સ ગમ્યો છે, પરંતુ ક્લાઇમેક્સના સીનમાં નીતુ (નેત્રી ત્રિવેદી), જે ફિલ્મમાં દીકરીનું પાત્ર ભજવી રહી છે, તેના એક્સપ્રેશન મને વ્યક્તિગત રીતે ખૂબ જ ગમ્યા છે.”

વિદેશમાં અને વિવિધ રાજ્યોના ગુજરાતી પ્રેક્ષકો આ ફિલ્મ ‘ઓવર ધ ટોપ’ (OTT) પ્લેટફોર્મ પર ક્યારે આવશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, ત્યારે અમે આ સવાલ ફિલ્મના પ્રોડ્યુસરને પૂછ્યો, તેમણે આ બાબતે જણાવ્યું કે “ફિલ્મ ટૂંક સમયમાં દર્શકોને OTT પ્લેટ્ફોર્મસ પર જોવાં મળશે. અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ અને દર્શકો ફેબ્રુઆરી સુધીમાં OTT પર પણ આ ફિલ્મ માણી શકશે.”

ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સિલેક્શન બાદ હવે ફિલ્મ ચેનાઈ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં પણ ‘ઇન્ડિયન પેનોરેમા’ કેટેગરીમાં પસંદગી પામી છે.

આ પણ વાંચો: નિરસ જીવનમાં પ્રશંસાનો રસ રેડવો કેટલો જરૂરી છે તે સમજાવતી ફિલ્મ એટલે 21મું ટિફિન

entertainment news dhollywood news Raam Mori