આજે ઓપન થાય છે ગુજરાતી નાટક સગપણ તને સાલમુબારક

01 March, 2020 01:23 PM IST  |  Mumbai

આજે ઓપન થાય છે ગુજરાતી નાટક સગપણ તને સાલમુબારક

ગુજરાતી નાટક સગપણ તને સાલમુબારક

જશ જોષી પ્રોડક્શન્સ નિર્મિત, પ્રવીણ સોલંકી લિખિત અને કિરણ ભટ્ટ દિગ્દર્શ‌િત ‘સગપણ તને સાલમુબારક’ સોશ્યલ-કૉમેડી નાટક છે. નાટકના મુખ્ય કલાકારોમાં સંગીતા જોષી, નીતિન વખારિયા, રાજુલ દીવાન, વૈશાલી પરમાર, ધર્મેશ વ્યાસ, મનીષ શાહ, ખ્યાતિ વાઘેલા અને જશ જોષી છે. નાટકના દિગ્દર્શક કિરણ ભટ્ટ કહે છે, ‘નાટકની સૌથી મોટી બ્યુટી જો કોઈ હોય તો એ કે એમાં ફૅમિલીની વાત તો છે જ, પણ સાથોસાથ ફૅમિલીના એકેએક સભ્યની પણ વાત આવી જાય છે, જેને લીધે નાટક જોનારને પોતાના ઘરની અને સાથોસાથ પોતાની વાત લાગશે.’

નાટકની વાર્તા માબાપ અને દીકરાની આસપાસ કેન્દ્ર‌િત છે. દીકરો પ્રથમ ટીમ ઇન્ડિયા વતી રમે છે અને દેશના ક્રિકેટનું ભવ‌િષ્ય ગણાય છે. કોઈની પણ નજર લાગી જાય એવી સુખી આ ફૅમિલીમાં દુઃખ નામે કંઈ જોવા મળતું નથી. મમ્મી-પપ્પાને પ્રથમનાં મૅરેજની ચિંતા છે, પણ એ સમયે પ્રથમ સ્વીકારે છે કે તે પોતાની જ એક ફૅનના ગળાડૂબ પ્રેમમાં છે. દીકરાની પસંદગી જોઈને માબાપ સવાયાં રાજી છે, પણ કહે છેને કે સોનાની થાળીમાં લોઢાની મેખ. એક દિવસ અચાનક જ પ્રથમના પેટમાં દુખાવો શરૂ થાય છે અને મેડિકલ રિપોર્ટમાં બહાર આવે છે કે પ્રથમની બન્ને કિડની ફેલ થઈ ગઈ છે. માબાપ બન્ને કિડની આપવા તૈયાર છે, પણ તેમની કિડની મૅચ નથી થતી અને અહીંથી શરૂ થાય છે એક પછી એક જંગ અને ટર્ન-ટ્વિસ્ટ. નાટકના લેખક પ્રવીણ સોલંકી કહે છે, ‘જીવનના તમામ રસ નાટકમાં છે અને એ જ એની મજા છે.’

પ્રથમના ભવિષ્યથી માંડીની તેની ક્ર‌િકેટ-કરીઅર અને તેની લવ-લાઇફનું શું થાય છે એ ‘સગપણને સાલમુબારક’માં દર્શાવવામાં આવ્યું છે. નાટકનો શુભારંભ આજે બપોરે ૪ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

gujarati film entertainment news