ફિલ્મ સારથીમાં મુખ્યપાત્ર ભજવનારા પીઢ અભિનેત્રી મીનળ પટેલે ફિલ્મ વિશે કહી આ મહત્ત્વની વાત

14 June, 2022 11:06 AM IST  |  Mumbai | Karan Negandhi

આ ફિલ્મની વાર્તા મહિલા કેન્દ્રિત છે

તસવીર સૌજન્ય: કીર્તિકા ભટ્ટ

ફિલ્મ ‘સારથી’ આગામી મહિને રિલીઝ માટે તૈયાર છે. પીઢ અભિનેત્રી મીનળ પટેલ આ ફિલ્મમાં મુખ્યપાત્રમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા મહિલા કેન્દ્રિત છે અને તે એક અનાથ બાળક અને વૃદ્ધ મહિલાની આસપાસ ફરે છે જેમના જીવન આકસ્મિક રીતે વાર્તામાં એકબીજા સાથે જોડાય છે. ફિલ્મમાં મીનળ પટેલ સાથે પ્રતીક ગાંધી, ચંદ્રશેખર શુક્લા, છાયા વોરા, ચંદ્રશેખર શુક્લા પણ જોવા મળશે.

ફિલ્મમાં વૃદ્ધ મહિલાનું પાત્ર ભજવનારા મીનળ પટેલે પોતાનો અનુભવ શેર કરતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “મને યુવાન અને નવા લોકો સાથે કામ કરવું ખૂબ ગમે છે, કારણ કે તેઓ સતત કંઈક નવું લઈને આવે છે જેને કારણે ઘણું બધુ શીખવા અને જાણવા મળે છે.”

તેમણે કહ્યું કે “હું જ્યારે ફિલ્મના ડિરેક્ટર રફીકને પહેલી વાર મળી અને ફિલ્મની વાર્તા સાંભળી ત્યાર જ મેં આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી, કારણ કે હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ફિલ્મ કે નાટકમાંથી દર્શકોને કંઈક સારું મળવું જોઈએ અને આ ફિલ્મ દર્શકોને ખરેખર એક સારો સંદેશ આપે છે.”

તમારા અંગત જીવનમાં તમારું સારથી કોણ? આ સવાલ જ્યારે અમે અભિનેત્રી મીનળ પટેલને પૂછ્યો તો તેમણે કહ્યું કે “મારા સારથી મારા પપ્પા. મારા પિતા નીનુ મઝુમદાર કવિ અને મ્યુઝિક ડિરેક્ટર હતા. હું દસ વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયું. એટલે પપ્પાએ જ અમને ઉછેર્યા છે. અમે નાના હતા ત્યારથી ઘરમાં જ ખૂબ પુસ્તકો આવતા અને તે વાંચતાં પણ ખરા એટલે ત્યારથી આ ક્ષેત્રમાં રસ કેળવાયો છે.”

ફિલ્મના પ્રોડ્યુસર કીર્તિકા ભટ્ટે જણાવ્યું કે “અમે સૌ મીનળબેનને સેટ પર પણ ‘બા’ જ કહેતા અને ફિલ્મ દરમિયાન તેમની સાથે ખરેખર ખૂબ જ સુંદર બોન્ડ થઈ ગયો છે. તેમનો જુસ્સો યુવાનોને પણ શરમાવે તેવો છે. તેમના વગર આ ફિલ્મ કરવી અમારા માટે લગભગ અશક્ય હતી.”

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ૧૫ જુલાઈના રોજ રિલીઝ થવાની છે. 

આ પણ વાંચો: Sarathi: પ્રતીક ગાંધી જોવા મળશે આ ગુજરાતી ફિલ્મમાં, તસવીરોમાં જુઓ ફર્સ્ટ લૂક

entertainment news dhollywood news