હવે દુબઈ ખાતે મે મહિનામાં યોજાશે ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧-૨૦૨૨

06 March, 2023 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોટા ભાગના ગુજરાતી ફિલ્મ કલાકારોની વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

ફાઇલ તસવીર

તીહાઈ - ધ મ્યુઝિક પીપલના અભિલાષ ઘોડા અને પાવરા એન્ટરટેઇનમેન્ટના ડૉ. જયેશ પાવરા દ્વારા `ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧-૨૨`નું સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે. ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧-૨૨ ૧૮થી ૨૦ માર્ચમાં આયોજિત હતા, પરંતુ ગુજરાતી સિનેમાના ઘણા કલાકારો શૂટિંગમાં વ્યસ્થ હોવાથી આ કાર્યક્રમ પાછળ ધકેલવામાં આવ્યો છે.

તાજેતરમાં જ ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સના નોમિનેશન જાહેર કરાયા હતા. તીહાઈ - ધ મ્યુઝિક પીપલના અભિલાષ ઘોડા અને પાવરા એન્ટરટેઇનમેન્ટના ડૉ. જયેશ પાવરા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ એવોર્ડ્સનો મુખ્ય ધ્યેય ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકાર કસબીઓને સન્માનિત કરવાનો છે. આ માટે નોમિનેટ થયેલી ફિલ્મોના કલાકારો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અન્ય નામાંકિત લોકોને દુબઈ ખાતે લઈ જઈને આ એવોર્ડ્સની ઉજવણી થઈ રહી છે.

અભિલાષ ઘોડા અને ડૉ. જયેશ પાવરાએ સંયુક્ત નિવેદનમાં ગુજરાતી મિડ-ડેને જણાવ્યું કે, “હાલ ઘણી બધી ગુજરાતી ફિલ્મોના શૂટિંગ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન મોટા ભાગના ગુજરાતી ફિલ્મના કલાકારો કોઈને કોઈ રીતે વ્યસ્ત છે. તેથી સૌની લાગણીને ધ્યાનમાં રાખી, સૌ કલાકારો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે હેતુથી ૧૯ માર્ચે યોજાનાર આ એવોર્ડ્સ હવે મે મહિનામાં યોજશે.”

આ પણ વાંચો: દુબઈમાં દેખાશે ઢોલિવૂડનો દબદબો: ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી’નું ભવ્ય આયોજન

ઉલ્લેખનીય છે કે આયોજકોએ ઉમેર્યું હતું કે “ દુબઈમાં આયોજિત આ એવોર્ડ્સની નવી તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.”

entertainment news dhollywood news