ઇરાનના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી દર્શન ત્રિવેદીની ફિલ્મ

16 September, 2020 05:50 PM IST  |  Mumbai | Rachana Joshi

ઇરાનના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી દર્શન ત્રિવેદીની ફિલ્મ

ફિલ્મનું દ્રશ્ય

બૉલીવુડનું વર્ચસ્વ ધરાવતા દેશમાં ધીમે ધીમે ગુજરાતી ફિલ્મો પણ પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે. ત્યારે એક ગુજરાતી ફિલ્મ 'મૃગતૃષ્ણા'એ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. દર્શન ત્રિવેદી (Darshan Trivedi) દિગ્દર્શિત ફિલ્મ 'મૃગતૃષ્ણા'નું ઇરાનના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પાર્ધાત્મક સ્તરે સિલેક્શન થયું છે. જે સંપુર્ણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગર્વની વાત છે.

ઇરાનમાં 18થી 23 ઓક્ટોબર 2020 દરમિયાન યોજાનારા 33માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથમાં દર્શન ત્રિવેદી દિગ્દર્શિત ફિલ્મ 'મૃગતૃષ્ણા: ધ અધર સાઈડ ઓફ ધ રીવર'નું સ્પાર્ધાત્મક સ્તરે સિલેક્શન થયું છે. આ ફિલ્મમાં ચાર બાળકોની વાત છે. જે નદી કિનારે રહે છે. નદીને પેલે પાર દુનિયા કેવી હશે તે જોવાની અને જાણવાની આ બાળકોની ઈચ્છા છે. તે માટે તેઓ નદી કઈ રીતે પાર કરશે તેની વાત આ ફિલ્મમાં છે. 'મૃગતૃષ્ણા: ધ અધર સાઈડ ઓફ ધ રીવર' મુખ્ય કલાકારોમાં જયેશ મોરે અને બાળકોમાં કરણ પટેલ, નિષ્મા સોની, આર્યા સાગર અને કુશ તાહિલરામાની છે. વાર્તામાં ચારેય બાળકોના પાત્રો સામાન્ય જીવન પર અને તેમના સપનાઓ પર આધારિત છે.

ફિલ્મના દિગ્દર્શક દર્શન ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'મૃગતૃષ્ણા: ધ અધર સાઈડ ઓફ ધ રીવર' ગુજરાતી સિનેમાની પ્રથમ ટ્રિઓલોજી ફિલ્મ છે. મારી 'ઇલ્યૂઝન ટ્રિઓલોજી'ની આ પ્રથમ ફિલ્મ છે. રોજિંદા જીવનમાં આપણે જે ભ્રામક અનુભવો અનુભવે છે તેનાથી પ્રભાવિત થઈને મેં આ ફિલ્મની રચના કરી છે. જે ત્રણ જુદી જુદી ફિલ્મો સાથે જોડાઈ છે. મેં દિગ્દર્શિત કરેલી શોર્ટ ફિલ્મ 'માયા' ફિલ્મના અગ્રદૂત તરીકે કામ કરે છે.

દર્શન ત્રિવેદીએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ 15 વર્ષ પહેલાં લખી હતી. ફિલ્મના શૂટિંગ વિશે તેમણે જણાવ્યું હતું કે, અમે ફિલ્મનું મોટા ભાગનુ શૂટિંગ ગુજરાતના એવા ભાગોમાં કર્યું છે જ્યાં કોઈ ક્રુએ આજ સુધી શૂટિંગ નથી કર્યું. નર્મદાના કાંઠે, પોલો ફોરેસ્ટ અને ટ્રાબઈલ બેલ્ટમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ટ્રાઈબલ બેલ્ટમાં શૂટિંગ કરતા હતા હતા તે સમય બહુ કપરો હતો. કારણકે જંગલ વિસ્તાર હોવાથી દરેક બાબતે સાવચેતી રાખવી જરૂરી હતી. તેમજ બાળકો સાથે શૂટિંગ કરી રહ્યાં હતાં, એટલે તેમનું ધ્યાન રાખવાનું વિશેષ જરૂરી હતું. પણ બાળકો સાથે શૂટિંગ કરવાની અને ગુજરાતની આ બધી જગ્યાઓને એક્સપ્લોર કરવાની ખુબ મજા આવી હતી. 20 દિવસ ફિલ્મનું શૂટિંગ ચાલ્યું હતું.

આ ફિલ્મમાં વીએફએક્સ મહત્વનો ભાગ છે. એટલે વીએફએક્સના શૂટિંગ સાથે 20 દિવસમાં ફિલ્મનું શૂટિંગ પુર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મના પોસ્ટ પ્રોક્શનને લગભગ એક વર્ષનો સમ,ય લાગ્યો હતો. 2018ના અંતમાં શૂટ થયેલી ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન વર્ષ 2019ના અંતે પુર્ણ થયુ હતું. ત્યારબાદ ફિલ્મને બધા ફેસ્ટિવલમાં મોકલવાની શરૂઆત કરી હતી અને 33માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથ, ઈરાનમાં તેનું પ્રથમ સિલેક્શન થયું છે, તેમ દર્શન ત્રિવેદીએ કહ્યું હતું.

દર્શન ત્રિવેદી મુખ્ય કલાકારો સાથે

માત્ર દસ વર્ષની ઉંમરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દીની શરૂઆત કરનાર દર્શન ત્રિવેદીએ આગામી પ્રોજેક્ટની વાત કરતા કહ્યું હતું કે, મારી બીજી ફીચર ફિલ્મ મારા પપ્પા સુપરહિરો અત્યારે પોસ્ટ પ્રોડક્શનમાં છે. જે બહુ જલ્દી તૈયાર થઈ જશે અને દર્શકોના દિલમાં આગવું સ્થાન બનાવશે.

દર્શન ત્રિવેદીએ 'મૃગતૃષ્ણા: ધ અધર સાઈડ ઓફ ધ રીવર'નું ફક્ત દિગ્દર્શન જ નથી કર્યું પણ સ્ક્રિનપ્લે પણ લખ્યો છે. ફિલ્મને પ્રોડયુસ મ્રિણલ કાપડિયા અને ડૉ. દેવદત્ત કાપડિયાએ કરી છે. મ્યુઝિક નિશિથ મહેતાનું છે.

entertainment news dhollywood news gujarati film