ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાત ગવર્નમેન્ટની પૉલિસી

12 March, 2023 02:42 PM IST  |  Mumbai | Bhavya Gandhi

ટૅક્સ બેનિફિટ આપવાની સાથોસાથ જો સબસિડી પણ ચોક્કસ સમયમર્યાદા વચ્ચે પાસ કરવાનું શરૂ કરે તો ચોક્કસ ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતી ફિલ્મોને અત્યારે જો કોઈના સપોર્ટની તાતી જરૂર હોય તો એ છે ગુજરાત ગવર્નમેન્ટ. ગુજરાત ગવર્નમેન્ટ જો જાગે અને અમુક નિયમો એવા બનાવે તો ડેફિનેટલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો બૂસ્ટ મળશે. ગુજરાત ગવર્નમેન્ટે નિયમોની કઈ-કઈ બાબતમાં તાત્કાલિક સુધારા કે પછી ઉમેરા કરવાની જરૂર છે એની વાત કરીએ.

આપો ટૅક્સ બેનિફિટ

ગુજરાતી ફિલ્મની ટિકિટના રેટ ઘટાડવા માટે ગુજરાત સરકારે જીએસટીમાંથી ગુજરાતી ફિલ્મોને મુક્તિ આપવાની જરૂર છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ તો એ ન કરે એ સમજી શકાય, પણ સ્ટેટ ગવર્નમેન્ટ પોતાના હિસ્સાનો ટૅક્સ છોડશે તો એનો ચોક્કસ લાભ ગુજરાતી ફિલ્મોને મળશે. અફકોર્સ, એ લાભ કંઈ બહુ મોટો નહીં હોય. ટિકિટના ભાવમાં વીસેક રૂપિયાનો ફરક પડશે, પણ ગુજરાતી ફિલ્મો જોવા જનારો એક વર્ગ એવો છે જેને મન આ વીસેક રૂપિયા પણ મોટા છે. જો બીજા ટૅક્સ બેનિફિટ પણ ગુજરાત ગવર્નમેન્ટ આપે તો બહુ સારું, પણ એને માટે નીતિવિષયક ફેરફાર કરવા પડે એવું મારું માનવું છે અને એટલે જ હું કહીશ કે ઍટ લીસ્ટ શરૂઆત સ્ટેટ જીએસટીથી થાય તો પણ ઘણી મોટી વાત કહેવાય અને એ કરવી જોઈએ.

સબસિડી સમયસર આપો

પર્ફેક્ટ તો હું કહી ન શકું, પણ જો મેં સાંભળ્યું છે એ સાચું હોય તો છેલ્લા એકાદ વર્ષથી સબસિડી ચૂકવવામાં નથી આવી. આજે પણ ઘણા પ્રોજેક્ટમાં આ સબસિડીની રકમને કાઉન્ટ કરવામાં આવે છે અને એમાં કશું ખોટું પણ નથી. સબસિડી માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવે એ બહુ જરૂરી છે અને એ સમયમર્યાદા પણ ત્રણ કે ચાર મહિનાથી વધારે લાંબી ન હોવી જોઈએ. હવેના સમયમાં ભાગ્યે જ કોઈ ફિલ્મ એવી હોય જે ત્રણ મહિનાથી વધારે લાંબો સમય થિયેટરમાં ચાલે અને ગુજરાતી ફિલ્મમાં તો લગભગ અસંભવ છે.

સમયસર ચૂકવવામાં આવેલી સબસિડીથી નવું ઇન્વેસ્ટમેન્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવશે અને એને કારણે નવા પ્રોજેક્ટ ઝડપથી ચાલુ થશે. સબસિડીની બાબતમાં ખેંચાતો સમય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાનકર્તા પુરવાર થાય છે અને આને કારણે પાંચ-દસ ટકા પ્રોડ્યુસર હવે પ્રોજેક્ટ ચાલુ કરવાનું પણ ટાળ્યા કરે છે.

ટૂરિઝમ બને હેલ્પફુલ

ગુજરાતી ફિલ્મનો સીધો ઍડ્વાન્ટેજ ગુજરાત ટૂરિઝમને મળવાનો છે એ સૌ જાણે છે. ગુજરાતી ફિલ્મો માટે ગુજરાત સરકારે ટૂરિઝમની અમુક જગ્યાઓ એવી જાહેર કરવી જોઈએ કે જો ત્યાં ફિલ્મ શૂટ થાય તો ત્યાં કરવામાં આવેલો ખર્ચ સરકારમાંથી પાછો આવે. આજે અનેક એવા રાઇટર છે જેમની પાસે ગુજરાતના અમુક ચોક્કસ લોકેશનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા સબ્જેક્ટ્સ હોય છે, પણ એ જગ્યાએ શૂટિંગ માટેની પરમિશન માટે થતી હેરાનગતિ અને સાથોસાથ જાણીતા લોકેશનને કારણે ત્યાં થતો વધારાનો ખર્ચ પોસાતો ન હોવાથી એ પ્રોજેક્ટ પર કામ કરવા કોઈ તૈયાર થતું નથી.

ગુજરાતમાં હિન્દી ફિલ્મનું શૂટિંગ થાય તો અમુક ઍડ્વાન્ટેજ આપવામાં આવે છે, પણ એવી છૂટછાટ ગુજરાતી ફિલ્મો માટે શું કામ નહીં? ગુજરાતી ફિલ્મનું હવે ફલક મોટું થયું છે અને એ ફિલ્મો હવે દુનિયાભરમાં જોવાય છે ત્યારે બહુ જરૂરી છે કે ગુજરાત ટૂરિઝમ એ દિશામાં વધારે મોટા મનનું બને અને ગુજરાતી ફિલ્મોને વધુ છૂટછાટ આપે.

entertainment news dhollywood news Bhavya Gandhi