દિવાળીમાં ફક્ત પચાસ રૂપિયામાં થિયેટર્સમાં ફિલ્મ જોઈ શકશે દર્શકો

10 November, 2020 06:34 PM IST  |  Mumbai | Harsh Desai

દિવાળીમાં ફક્ત પચાસ રૂપિયામાં થિયેટર્સમાં ફિલ્મ જોઈ શકશે દર્શકો

આ દિવાળી પર લોકોને થિયેટર્સમાં આકર્ષવા માટે યશરાજ ફિલ્મ્સ અને પી.વી.આર. આઇનૉક્સ અને સિનેપોલિસ સાથે મળીને આગળ આવ્યાં છે. કોરોના વાઇરસને કારણે માર્ચથી લૉકડાઉન હતું, જેને કારણે થિયેટર્સ બંધ હતાં. જોકે હવે પચાસ ટકા ઑક્યુપન્સી સાથે થિયેટર્સ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે લોકો હજી પણ થિયેટર્સમાં આવવા માટે ડરી રહ્યા છે અને કોઈ નવી ફિલ્મ પણ થિયેટર્સમાં રિલીઝ કરવામાં નથી આવી રહી. આ કારણસર યશરાજ ફિલ્મ્સ દ્વારા તેમની પચાસમી ઍનિવર્સરીના સેલિબ્રેશન હેઠળ તેમની લાઇબ્રેરી આ થિયેટર્સ ચેઇનને ફ્રીમાં આપવામાં આવી છે. તમામ પ્રકારની ચર્ચાવિચારણા બાદ આ ફિલ્મની ટિકિટ પ્રાઇસ ફક્ત પચાસ રૂપિયા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વિશે માર્કેટિંગ અને મર્ચન્ડાઇસ વાઇસ પ્રેસિડન્ટ મનન મહેતાએ કહ્યું હતું કે ‘યશરાજ ફિલ્મ્સમાં દર્શકોની ખુશી અને સંતુષ્ટિને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવે છે. અમારા 50મા વર્ષના સેલિબ્રેશન દ્વારા અમે બિગ સ્ક્રીન સેલિબ્રેશનની પહેલ શરૂ કરી છે. દર્શકો હવે થિયેટર્સમાં અમારી ક્લાસિક અને આઇકૉનિક ફિલ્મોને જોઈ શકશે.’

આ ફિલ્મોમાં ‘કભી કભી’, ‘સિલસિલા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’, ‘દિલ તો પાગલ હૈ’,  ‘વીર-ઝારા’, ‘બંટી ઔર બબલી’,  ‘રબ ને બના દી જોડી’, ‘એક થા ટાઇગર’, ‘જબ તક હૈ જાન’, ‘બૅન્ડ બાજા બારાત’, ‘સુલતાન’, ‘મર્દાની’ અને ‘દમ લગા કે હઈશા’ જેવી ઘણી ફિલ્મો રિલીઝ કરવામાં આવશે. આ વિશે પી.વી.આર. સિનેમાઝના સીઈઓ ગૌતમ દત્તાએ કહ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રીમાં પચાસ વર્ષ પૂરાં કરવા બદલ અમે યશરાજ ફિલ્મ્સને શુભેચ્છા પાઠવીએ છીએ. તેમણે ઇન્ડિયન સિનેમામાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. છેલ્લાં પચાસ વર્ષથી તેમણે સિનેમાને વિવિધ પ્રકારની ફિલ્મો આપી છે. તેમની ‘કભી કભી’ અને ‘સિલસિલા’થી લઈને ‘વૉર’ અને ‘સુલતાન’ જેવી ફિલ્મો હોસ્ટ કરવાનો અમને ચાન્સ મળ્યો એ અમારા માટે ખૂબ જ સારી વાત છે.’

entertainment news bollywood bollywood news yash raj films harsh desai diwali