Total Timepass: સુશાંત, દિશા અને સંદીપના સુસાઇડ વચ્ચે કોઈ લિન્ક?

19 February, 2021 12:19 PM IST  |  Mumbai | Agency

Total Timepass: સુશાંત, દિશા અને સંદીપના સુસાઇડ વચ્ચે કોઈ લિન્ક?

શેખર સુમન અને કંચન

ડિજિટલ ડેબ્યુ માટે તૈયાર શાહિદ કપૂર

ફૅમિલી મૅનના ડિરેક્ટર્સ રાજ અને ડી. કે.ના થ્રિલર-કૉમેડી શોમાં તે જોવા મળશે

શાહિદ કપૂર હવે તેના ડિજિટલ ડેબ્યુ માટે તૈયાર છે. ‘ફૅમિલી મૅન’ની ડિરેક્ટર જોડી રાજ નિદિમોરુ અને ક્રિષ્ણા ડી. કે.ના ઍમેઝૉન પ્રાઇમ માટેના નવા શો દ્વારા શાહિદ કપૂર પણ હવે ઑનલાઇન પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહ્યો છે. આ એક થ્રિલર-કૉમેડી શો હોવાથી હ્યુમરથી ભરપૂર છે. આ શોને સીતા આર. મેનન, સુમન કુમાર અને હુસેન દલાલ દ્વારા લખવામાં આવ્યો છે. પોતાના ડિજિટલ ડેબ્યુ વિશે શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘હું ઘણા લાંબા સમયથી રાજ અને ડી.કે. સાથે કામ કરવાની રાહ જોઈ રહ્યો હતો. ઍમેઝૉન પ્રાઇમ પર મારો ફેવરિટ ઇન્ડિયન શો ‘ફૅમિલી મૅન’ છે. હું મારા ડિજિટલ ડેબ્યુ માટે તેમનાથી વધુ સારા કોઈ વિશે વિચારી શકું એમ નહોતો. ઍમેઝૉન પ્રાઇમ સાથે કામ કરવા માટે હું પોતાને ખુશનસીબ માનું છું. મેં જ્યારે પહેલી વાર આ શોના આઇડિયા વિશે સાંભળ્યું હતું ત્યારે મને એ ખૂબ જ પસંદ આવ્યો હતો અને ત્યારથી આ મારા માટે એક રોમાંચક સવારી રહી છે. દર્શકો સામે આ શોને લઈને આવવા માટે ખૂબ જ ઉત્સુક છું.’
આ વિશે ડિરેક્ટર જોડી રાજ અને ડી.કે.એ કહ્યું હતું કે ‘અમે હંમેશાં નવા પ્રોજેક્ટ દ્વારા પોતાને વધુ સારી રીતે રજૂ કરવાની સાથે પોતાને ચૅલેન્જ આપીએ છીએ. આ મારી સૌથી પસંદીદા સ્ક્રિપ્ટ છે. એના માટે અમને શાહિદ એકદમ પર્ફેક્ટ લાગ્યો હતો. તે હંમેશાં આ શો માટે અમારી પહેલી પસંદ રહ્યો હતો. અમે તરત જ એકમેકમાં ભળી ગયા અને એકસાથે કામ કરવા લાગ્યા હતા. શાહિદ કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક રહે છે અને તેણે તેની ઍક્ટિંગ દ્વારા તેનાં પાત્રોમાં જાન પૂર્યો છે. અમે આ શો બનાવવા માટે ખૂબ જ આતુર છીએ.’

સાજિદ નડિયાદવાલાને કારણે હું મારાં બિલ ચૂકવી શકું છું : અક્ષય

પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાને બર્થ-ડે વિશ કરતાં અક્ષયકુમારે જણાવ્યું હતું કે તેના કારણે જ તે બિલ ચૂકવી શકે છે. અક્ષયે મજાકિયા અંદાજમાં તેને ગઈ કાલે પંચાવનમી વરસગાંઠની શુભેચ્છા પાઠવી છે. પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા સાથે અક્ષયકુમારે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘હાઉસફુલ 4’ના સેટ પરનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘હૅપી બર્થ-ડે એક એવા માણસને જેના કારણે હું મારાં બિલ ચૂકવી શકું છું. સાજિદ નડિયાદવાલાને બેસ્ટ પ્રોડ્યુસરની સાથે જ બેટર ફ્રેન્ડ પણ કહી શકાય. તને સારું સ્વાસ્થ્ય, સંપત્તિ અને ખુશી મળે એવી શુભેચ્છા.’

સંદીપ નાહરના મૃત્યુ બદલ પત્ની અને સાસુ સામે ફરિયાદ દાખલ

સંદીપ નાહરના પેરન્ટ્સ દ્વારા તેની પત્ની અને સાસુ વિરુદ્ધ ગોરેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુસાઇડ કરવા માટે ઉત્તેજિત કરવાનો તેમણે આરોપ લગાવ્યો છે. સંદીપે પંદર ફેબ્રુઆરીએ ગોરેગામમાં આવેલા તેના ઘરમાં સુસાઇડ કર્યું હતું. સંદીપે ‘કેસરી’ અને ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’માં કામ કર્યું હતું. તેણે સુસાઇડ કરવા પહેલાં ફેસબુક પર એક વિડિયો શૅર કરીને તેની આપવીતી જણાવી હતી. ફેસબુક પોસ્ટની સાથે તેણે એક સુસાઇડ-નોટ પણ છોડી હતી જેમાં તેની પત્ની અને તેની સાસુ તેને હેરાન કરી રહ્યાં હોવાની સાથે ધમકી આપી રહ્યાં હોવાનું પણ તેણે કહ્યું હતું. ફરિયાદ વિશે પોલીસે કહ્યું હતું કે ‘સંદીપના પિતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.’

સુશાંત, દિશા અને સંદીપના સુસાઇડ વચ્ચે કોઈ લિન્ક છે? : શેખર સુમન

શેખર સુમને સવાલ ઊભો કર્યો છે કે શું સુશાંત સિંહ રાજપૂત, દિશા સાલિયાન અને સંદીપ નાહરના સુસાઇડમાં કોઈ કનેક્શન છે ખરું. સુશાંતે ગયા વર્ષે ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું. એના થોડા દિવસ પહેલાં એટલે કે આઠ જૂને તેની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયાને પણ સુસાઇડ કર્યું હતું. સુશાંત સાથે ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’માં કામ કરનાર સંદીપ નાહરે પણ સોમવારે સુસાઇડ કર્યું હતું. આથી સુશાંત સાથે જોડાયેલી વ્યક્તિઓ સુસાઇડ કરી રહી હોવાથી શેખર સુમને ટ્વીટ કર્યું હતું કે ‘સુશાંતના મિત્ર સંદીપ નાહરે પણ સુસાઇડ કર્યું છે. આ થોડી વિચિત્ર વાત છે, કારણ કે દિશા અને સુશાંતના અન્ય બે મિત્રોએ પણ અગાઉ સુસાઇડ કર્યું હતું. તેમની વચ્ચે કોઈ કૉમન લિન્ક અથવા તો કોઈ રહસ્ય છે ખરું કે પછી આ એકમાત્ર સંયોગ છે? આ પૉઇન્ટ વિશે વિચાર કરવો જોઈએ.’

લૉકડાઉન દરમ્યાનનો મારો રોલ મારી કરીઅરનો અત્યાર સુધીનો સૌથી મહત્ત્વનો હતો : સોનુ સૂદ

સોનુ સૂદનું કહેવું છે કે તેણે કરીઅર દરમ્યાન જે રોલ ભજવ્યા છે એની સરખામણીએ લૉકડાઉનમાં લોકોની મદદ કરીને જે ભૂમિકા ભજવી હતી એ સૌથી મહત્ત્વની છે. તાજેતરમાં જ સાઇબરાબાદ પોલીસે ફ્રન્ટલાઇન વર્કર્સ અને પ્લાઝમા ડોનર્સનું સન્માન કરવા માટે એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. એ કાર્યક્રમને સંબોધિત કરવા માટે સોનુને આમંત્રિત કરવામાં આવ્યો હતો. લૉકડાઉનમાં તેણે જે નિઃસ્વાર્થભાવે લોકોની મદદ કરી હતી એ માટે તેને પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. પોતાની ભૂમિકા વિશે સોનુએ કહ્યું હતું કે ‘મેં ફિલ્મોમાં અનેક રોલ્સ ભજવ્યા છે, પરંતુ મહામારી દરમ્યાન મેં જે પાત્ર ભજવ્યું છે એ મારી કરીઅરનું સૌથી મહત્ત્વનું હતું. જીવનમાં સારી દિશામાં કામ કરવા માટે ભગવાને જ મને યોગ્ય દિશા દેખાડી. ભગવાને મને એ માટે સજાગ કર્યો હોવાથી હું તેમનો આભાર માનું છું. જ્યારે મહામારીની શરૂઆત થઈ ત્યારે મને લાગ્યું કે આપણે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ.’

માઇગ્રન્ટ વર્કર્સની મદદ માટે સોનુએ ટોલ-ફ્રી નંબરની પણ શરૂઆત કરી હતી. એ વિશે સોનુએ કહ્યું હતું કે ‘અમે ટોલ-ફ્રી નંબરની શરૂઆત કરી હતી અને એક કલાકની અંદર અમને એક લાખ કૉલ્સ આવ્યા હતા. મારી ઈ-મેઇલ્સ પર ઈ-મેઇલ્સનો મારો વધી ગયો હતો. મારો ફોન દર મિનિટે રણકતો હતો. મેં મારા સેક્રેટરીને ખાતરી આપી હતી કે કોઈ પણ કૉલ્સ ખાલી ન જવા જોઈએ. વર્કર્સ આપણા રિયલ હીરોઝ છે અને આપણને મળતી બધી સુવિધા તેમને આભારી છે. સાડા ૧૪ હજાર સ્ટુડન્ટ્સને કિર્ગીઝસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાખસ્તાન, જ્યૉર્જિયા, રશિયા અને ફિલિપીન્સથી ભારત લાવવામાં આવ્યા હતા. મહામારીએ એક વાત શીખવી છે કે માત્ર સારાં શૂઝ, કપડાં ખરીદવાં અને ફરવા જવું એ જ જીવન નથી. આ તો એવું છે કે કોઈ તમારી મદદની રાહ જોતું હોય તેને યોગ્ય સમયે મદદ મળી જાય. મારી મમ્મી હંમેશાં મને એમ કહે છે કે જો તમારે સફળ થવું હોય તો કોઈ એવી વ્યક્તિને ચોક્કસ મદદ કરવી જોઈએ જે તમારી મદદની રાહ જોતી હોય. આ કપરા સમયમાં તેમને તમારી ખૂબ જરૂર છે. એવા લોકોને શોધો જેમને તમારી મદદની જરૂર છે. આપણી બધાની અંદર એક હીરો સમાયેલો છે. આપણે તેને શોધવો જોઈએ અને લોકોને પ્રેરણા આપવી જોઈએ. આપણે સાથે મળીને સમાજમાં સકારાત્મક દિશામાં પરિવર્તન લાવી શકીએ છીએ.’

ફિલ્મો પર વધુ ધ્યાન આપવા માટે કોઈ કમર્શિયલનું શૂટિંગ નહીં કરે વરુણ ધવન

પોતાની ફિલ્મો અને વર્કશૉપ્સ પર વધુ ધ્યાન આપી શકે એ માટે કોઈ પણ કમર્શિયલ અને પ્રમોશનલ વિડિયો કરવાની વરુણે ના પાડી દીધી છે. તેણે હાલમાં જ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધાં છે. તેની પાસે હાલમાં અનેક પ્રોજેક્ટ છે. તે અનિલ કપૂર, કિયારા અડવાણી અને નીતુ કપૂર સાથેની ‘જુગ જુગ જિયો’માં જોવા મળવાનો છે. વરુણ આગામી ફિલ્મ માટે અરુણાચલ પ્રદેશમાં અઢી મહિના રોકાવાનો છે. એથી તેણે પોતાની ટીમને સૂચના આપી દીધી છે કે તે કોઈ પણ કમર્શિયલ અને પ્રમોશનલ વિડિયોનું શૂટિંગ થોડા મહિનાઓ માટે નહીં કરે. તેની ઇચ્છા છે કે ફિલ્મના તેના પાત્રને તે સચોટતાથી ભજવે.

પૂજા હેગડેએ બાંદરામાં ખરીદ્યું સી-ફેસિંગ હોમ

પૂજા હેગડેએ બાંદરામાં તેનું નવું ઘર ખરીદ્યું છે. તે હાલમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. તેણે પોતાના પગ પર ઊભા થયા બાદ આ સી-ફેસિંગ ઘર ખરીદ્યું છે. તેના ઘરમાંથી મુંબઈની સ્કાયલાઇન પણ દેખાય છે. ત્રણ બેડરૂમ-હૉલ-કિચનના ઘરના ઇન્ટીરિયરને તેણે પોતે પસંદ કર્યું છે. તે હાલમાં પ્રભાસ સાથે ‘રાધે શ્યામ’માં, રણવીર સિંહ સાથે ‘સર્કસ’માં, સલમાન ખાન સાથે ‘કભી ઈદ કભી દિવાલી’માં અને અખિલ અકિનેની સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે. તે જ્યારે સાઉથની ફિલ્મોમાં કામ કરી રહી હતી ત્યારે પણ તે વારંવાર મુંબઈ આવી તેના ઘરનું કામ કેવી રીતે ચાલી રહ્યું છે એના પર ધ્યાન રાખતી હતી. આ ઘર તેણે પોતાના પૈસાથી ખરીદ્યું છે. તે આજ સુધી ક્યારેય તેના પેરન્ટ્સ વગર નથી રહી અને તે પહેલી વાર એકલી રહેવા જઈ રહી છે. તે હાલમાં મુંબઈમાં ‘સર્કસ’નું શૂટિંગ કરી રહી છે અને બહુ જલદી ફરી સાઉથમાં જશે.

જનરેશન ઇક્વૉલિટીને મહત્ત્વ આપી કન્યાદાન અને વિદાયની રસમ કરવાની ના પાડી હતી દિયા મિર્ઝાએ

દિયા મિર્ઝાએ ૧૫ ફેબ્રુઆરીએ વૈભવ રેખી સાથે લગ્ન કરીને નવજીવનની શરૂઆત કરી છે. એવામાં જનરેશન ઇક્વૉલિટીને મહત્ત્વ આપી લગ્ન વખતની અગત્યની વિધિ જેવી કે કન્યાદાન અને વિદાયના રિવાજ પાળવાની તેણે ના પાડી હતી. ખાસ વાત એ છે કે તેમનાં લગ્નની વિધિ મહિલા પૂજારીએ કરી હતી. એને જોતાં તે ખૂબ જ ખુશ છે. પોતાનાં લગ્ન વખતની વિધિનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિયાએ કૅપ્શન આપી હતી કે ‘આ એ ગાર્ડન છે જેમાં હું છેલ્લાં ૧૯ વર્ષોથી દરરોજ સવારનો સમય પસાર કરતી હતી. એને ખરેખર ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવ્યું હતું. એ મારી દિલની ખૂબ નજીક હતું અને અમારાં સિમ્પલ લગ્ન અને સેરેમની માટે યોગ્ય સ્થાન હતું. અમને એ વાતનો ગર્વ છે કે અમે પ્લાસ્ટિક્સ અથવા તો કોઈ પણ પ્રકારના વેડફાટ વગર ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું હતું. નાનકડા ડેકોરેશન માટે અમે જે પણ ચીજવસ્તુઓનો ઉપયોગ કર્યો એના માટે પર્યાવરણનું ખાસ ધ્યાન રાખ્યું હતું. આ બધામાં સૌથી મહત્ત્વની વાત એ રહી કે વેદિક વિધિ એક મહિલા પૂજારી દ્વારા કરવામાં આવી હતી. મારી બાળપણની ફ્રેન્ડ અનન્યાનાં થોડાં વર્ષો પહેલાં થયેલાં લગ્નમાં મેં પહેલી વખત મહિલા પૂજારીને એ બધી વિધિ કરતાં જોયાં હતાં. અનન્યાનાં લગ્ન વૈભવ અને મારા માટે એક ગિફ્ટ સમાન જ હતાં. તેનાં આન્ટી શીતલ અટ્ટા એક પૂજારી પણ છે જેમણે અમારા માટે વિધિ કરી હતી. તેઓ સતત તેને કલાકો સુધી ટ્રેઇનિંગ પણ આપતાં હતાં કે જેથી તે આપણાં વેદ-શાસ્ત્રોને ગ્રહણ કરીને શીતલ અટ્ટાને અસિસ્ટ કરી શકે અને શ્લોકનો અનુવાદ કરી શકે. આ રીતે લગ્ન કરવાં ખૂબ સારું લાગ્યું હતું. અમે આ બધું ખૂબ દિલથી કર્યું છે. અન્ય કપલ્સ પણ આવી રીતે લગ્ન કરવા પ્રેરિત થાય એવી આશા છે. મહિલાની અંદર દરેક માટે અપાર પ્રેમ, આશ્ચર્ય, આશીર્વાદ, જાદુઈ ઊર્જા, નાજુકતા અને ઊંડાણમાં સહાનુભૂતિ સમાયેલી હોય છે. સમય આવી ગયો છે કે મહિલાઓ પોતાના પગભર ઊભી રહે, પોતાનું સન્માન, પોતાનું સામર્થ્ય અને શું જૂનું અને શું નવું છે એની પુનર્વ્યાખ્યા કરે. આનાથી સારી કલ્યાણકારી અને સશક્તીકરણની બાબત કંઈ ન હોઈ શકે કે મહિલાઓનાં દિલોમાં અને અંતરાત્મામાં રહેલી પવિત્ર આગ લગ્નમાં કેન્દ્રનું સ્થાન બને. એ અદ્ભુત ક્ષણને લઈને હું આજે પણ અભિભૂત છું. સાથે જ અમે તો જનરેશન ઇક્વૉલિટીને ધ્યાનમાં રાખીને ‘કન્યાદાન’ અને ‘વિદાય’ના રિવાજ પણ કરવાની ના પાડી હતી. તમારી પસંદગીથી તમે પરિવર્તન લાવી શકો છો. શું તમને નથી લાગતું?’

નેહા કક્કરે ગીતકાર સંતોષ આનંદને પાંચ લાખ રૂપિયાની મદદ કરી

સિંગર નેહા કક્કરે વરિષ્ઠ ગીતકાર સંતોષ આનંદને પાંચ લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે. ‘ઇન્ડિયન આઇડલ’ ૧૨ના આગામી એપિસોડમાં સંતોષ આનંદ અને સંગીતકાર પ્યારેલાલ એક ગેસ્ટ તરીકે હાજર રહેવાના છે. નેહા આ શોની જજ છે. સંતોષ આનંદ આર્થિક સંકડામણથી પીડાઈ રહ્યા છે. તેમણે ક્લાસિક ફિલ્મો ‘પ્રેમ રોગ’, ‘રોટી, કપડા ઔર મકાન’ અને ‘શોર’માં સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે કામ કર્યું હતું. શો દરમ્યાન નેહાએ ૧૯૭૨માં આવેલી ‘શોર’નું ‘એક પ્યાર કા નગમા હૈ’ ગીત ગાયું હતું. સાથે જ જજ વિશાલ દાદલાણીએ સંતોષ આનંદનાં કેટલાંક ગીતોને રિલીઝ કરવાની પણ બાંહેધરી આપી હતી. એ દરમ્યાન સંતોષ આનંદને મદદ કરવાની તૈયારી દેખાડતાં નેહાએ કહ્યું હતું કે ‘હું તેમને પાંચ લાખ રૂપિયા આપવા માગું છું. હું ભારતીય મનોરંજન ઇન્ડસ્ટ્રીને અપીલ કરું છું કે તેઓ સંતોષજીને કામ આપે, કેમ કે તેઓ આપણી ઇન્ડસ્ટ્રીના અગત્યના ભાગ છે. આપણી ફરજ બને છે કે આપણા સહયોગીઓને તેમના કપરા સમયમાં મદદ કરવી જોઈએ.’

પ્રોડ્યુસર તરીકે દિલજિતની પહેલી ફિલ્મ હૌસલા રખ આ વર્ષે દશેરામાં થશે રિલીઝ

ઍક્ટિંગ અને સિન્ગિંગ બાદ દિલજિત દોસંજ હવે પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ ‘હોસલા રખ’ દશેરામાં લઈને આવવાનો છે. આ વર્ષે ૧૫ ઑક્ટોબરે દશેરા દરમ્યાન રિલીઝ થનારી આ ફિલ્મમાં તેની સાથે સોનમ બાજવા અને ‘બિગ બૉસ’ ૧૩ની શહનાઝ ગિલ પણ જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક દિલજિતે શૅર કર્યો છે. આ સ્કેચ વર્ઝનમાં દિલજિતે બેબીને પોતાની પીઠ પાછળ કૅરિયરની મદદથી ઉઠાવી રાખી છે. આ સ્કેચ વર્ઝનને ટ્વિટર પર શૅર કરીને દિલજિતે ટ્વીટ કર્યું હતું કે ‘હૌસલા રખ’ આ દશેરામાં ૨૦૨૧ની ૧૫ ઑક્ટોબરે રિલીઝ થશે.

મર્ડરમિસ્ટરી દ્વારા માર્ચમાં ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે પ્રાચી દેસાઈ

‘સાયલન્સ... કૅન યુ હિયર ઇટ?’ આ મર્ડરમિસ્ટરી દ્વારા પ્રાચી દેસાઈ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. મનોજ બાજપાઈ, અર્જુન માથુર અને સાહિલ વૈદ્ય અભિનીત આ ફિલ્મ Zee5 પર આ વર્ષે માર્ચમાં રિલીઝ થશે. ફિલ્મની સ્ટોરી રહસ્યમય ઢબે ગાયબ થનારી એક મહિલા પર આધારિત છે. ફિલ્મ વિશે પોતાની ખુશી વ્યક્ત કરતાં પ્રાચીએ કહ્યું હતું કે ‘મારા માટે આ બધું ઉત્સાહજનક છે અને આ અદ્ભુત ફિલ્મ દ્વારા હું ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છું એની મને ખૂબ ખુશી છે. ફિલ્મના અવર્ણનીય કલાકારો અને ક્રૂ સાથે કામ કરવું ખરેખર અસાધારણ અનુભવ છે. દર્શકો આ ફિલ્મને જુએ એ માટે હું આતુર છું.’

દુર્યોધન અર્પિત રંકા કંસ બાદ હવે બનશે રાક્ષસ

સ્ટાર પ્લસની ‘મહાભારત’માં દુર્યોધનનો રોલ ભજવીને લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેતા અર્પિત રંકા ઝીટીવીના શો ‘બ્રહ્મરાક્ષસ 2’માં જોવા મળશે. ‘બ્રહ્મરાક્ષસ’ની બીજી સીઝન ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થઈ છે જેમાં નિક્કી શર્મા અને પર્લ વી. પુરી લીડ રોલમાં છે. આ સુપરનૅચરલ થ્રિલર શોમાં અર્પિત રંકાની એન્ટ્રી થવાની છે. અર્પિત રંકા છેલ્લે ‘રાધાકૃષ્ણ’માં કંસ તરીકે જોવા મળ્યો હતો અને ‘બ્રહ્મરાક્ષસ 2’માં પોલીસના રોલમાં દેખાશે. ઉલ્લેખનીય છે કે અર્પિત નેગેટિવ રોલ માટે જાણીતો છે અને ‘બ્રહ્મરાક્ષસ 2’માં પણ તેનું પાત્ર નકારાત્મક હશે.

અર્પિતનું આ સંદર્ભે કહેવું છે કે ‘મને નેગેટિવ રોલ કરવા ગમે છે. આવાં પાત્રો ભજવવામાં એક ઍક્ટર તરીકે તમારી ક્ષમતા વિસ્તરે છે. આ ઉપરાંત મને એવું પણ લાગે છે કે મારી પર્સનાલિટીને નેગેટિવ રોલ વધુ સૂટ કરે છે. કદાચ એટલે જ મને આવા રોલ વધુ ઑફર થાય છે અને એ બાબતે મારી કોઈ ફરિયાદ નથી.’ અર્પિત રંકાનું લૉકડાઉન દરમ્યાન વજન વધી ગયું હતું અને એટલે જ તેણે ‘બ્રહ્મરાક્ષસ’ માટે ૧૫ કિલો વજન ઓછું કર્યું અને આ વખતે ક્લીન શેવ લુક અજમાવ્યો છે.

જીજાજી છત પર હૈની નવી સીઝન જીજાજી છત પર કોઈ હૈ

સોની સબ ટીવી પર બાલવીર પછી પહેલી ડેઇલી સોપની સેકન્ડ સીઝન આવશે

યાદ છે, ‘જીજાજી છત પર હૈ?’ સોની સબ ટીવી પર સુપરહિટ થયેલી આ કૉમેડી ડેઇલી સોપ ફરી આવી રહી છે. સેકન્ડ સીઝનમાં વાર્તા ત્યાંથી જ આગળ વધશે જ્યાં એ અટકી હતી. ‘જીજાજી છત પર કોઈ હૈ’નાં પાત્રો બધાં એ જ રહેશે, પણ સ્ટોરીલાઇન નવી થશે. પહેલી સીઝનના કૅરૅક્ટરની સાથે ચોક્કસપણે નવાં કૅરૅક્ટર પણ ઉમેરાશે, પણ ઉમેરાયેલાં આ કૅરૅક્ટર્સ મૂળ સીઝનનાં કૅરૅક્ટર્સ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલાં છે.

જિન્દલ અને જલદીરામ બે ભાઈઓ છે અને આ બન્ને ભાઈઓ પ્રૉપર્ટીને કારણે વિખવાદ છે અને એ વિખવાદ વચ્ચે ‘જીજાજી છત પર કોઈ હૈ’ની વાત આગળ વધે છે. શો સોની સબ ટીવી પર માર્ચથી ઑન ઍર થશે.

હેલો મિનીની સેકન્ડ સીઝન વધારે બોલ્ડ, વધારે થ્રિલિંગ

એમએક્સ પ્લેયરની આ વેબ-સિરીઝમાં ગુજરાતી ઍક્ટ્રેસ પલ્લવી જોષીની ભત્રીજી અનુજા જોષી લીડ સ્ટાર છે

રાજકોટ : એમએક્સ પ્લેયર પર ગયા વર્ષે રિલીઝ થયેલી ‘હેલો, મિની’ની સેકન્ડ સીઝન રિલીઝ થવાની તૈયારીમાં છે. વેબ-સિરીઝની લીડ ઍક્ટ્રેસ અનુજા જોષી બીજું કોઈ નહીં, પણ એક સમયની જાણીતી ગુજરાતી ઍક્ટ્રેસ પલ્લવી જોષીની ભત્રીજી છે. અનુજા પહેલી સીઝનમાં પણ લીડ ઍક્ટ્રેસ હતી. અનુજાએ આપેલા બોલ્ડ સીન આજે પણ લોકોને યાદ છે ત્યારે અનુજા કહે છે, ‘પહેલી સીઝન કરતાં પણ વધારે બોલ્ડ અને વધારે થ્રિલિંગ આ સેકન્ડ સીઝન છે.’

‘હેલો મિની’ની સ્ટોરી કલકત્તાની મિનીની છે. મિની કલકત્તાથી મુંબઈ આવે છે. મુંબઈમાં તે જેવી ઊતરે છે કે તરત જ તેને ફોન આવે છે. ફોન કરનારાને મિની ઓળખતી નથી, પણ ફોન કરનારો મિની પાસે પોતાનાં કામ કરાવે છે. લાંબા સમય પછી મિનીને ખબર પડે છે કે ફોન કરનાર વ્યક્તિ મિનીનો કૉલેજના સમયનો ફ્રેન્ડ છે, જેણે સુસાઇડ કરી લીધું છે. અનુજા કહે છે, ‘વાત અહીંથી જ આગળ વધશે, પણ હવે વધારે થ્રિલ વાતમાં ઉમેરાશે અને મિનીએ પોતાનો જીવ બચાવવા માટે હવે લડવાનું છે.’

entertainment news bollywood bollywood news pooja hegde shahid kapoor shekhar suman sushant singh rajput varun dhawa