13 October, 2026 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ ડર્ટી પિક્ચર
વિદ્યા બાલનને લીડ રોલમાં ચમકાવતી ૨૦૧૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’એ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હતી. આ ફિલ્મમાં વિદ્યાએ ૧૯૮૦ના દાયકાની જાણીતી અભિનેત્રી સિલ્ક સ્મિતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને વિદ્યાની કરીઅરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. હવે ફિલ્મનાં ૧૫ વર્ષ બાદ નિર્માત્રી એકતા કપૂરે એની સીક્વલ ‘ધ ડર્ટી પિક્ચર 2’ની જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે અને તેને એની વાર્તા પણ મળી ગઈ છે.
જોકે એકતાની આ ફિલ્મની લીડ ઍક્ટ્રેસ કોણ હશે અને એની વાર્તા કઈ મહિલા પર આધારિત હશે એ વિશે કોઈ માહિતી જાહેર કરવામં આવી નથી. આ સીક્વલ વિશે વાત કરતાં એકતાએ કહ્યું હતું કે ‘હું એક ખૂબ મોટી ફિલ્મ પર કામ કરી રહી છું. ‘ધ ડર્ટી પિક્ચર 2’... ૧૫ વર્ષ બાદ હું આ ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહી છું. મને લાગે છે કે આ વખતે મારી પાસે એવી વાર્તા છે જે હું ચોક્કસપણે કહેવા માગું છું. ‘ધ ડર્ટી પિક્ચર’ સિલ્ક સ્મિતાની વાર્તા હતી. આ એક એવી મહિલાની વાર્તા હતી જેને પોતાનું વ્યક્તિત્વ સ્વીકાર કરવા બદલ ખરાબ શબ્દો સાંભળવા પડ્યા હતા. મેં ક્યારેય તેને પીડિત તરીકે જોઈ નહોતી. આ ફિલ્મ ખૂબ સફળ રહી હતી, હવે સીક્વલની વાર્તા પણ એક મહિલાના જીવનથી પ્રેરિત હશે.’