05 March, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
બૉલિવૂડના લોકપ્રિય કપલ તમન્ના ભાટિયા અને વિજય વર્મા વિશે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી, હવે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. જોકે, તમન્ના અને વિજય તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા અથવા નિવેદન હજી સુધી જાહેર થયું નથી, પરંતુ તેમના બ્રેકઅપની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સૂત્રો શું કહે છે?
અહેવાલો મુજબ, તમન્ના અને વિજય વર્માના નજીકના સૂત્રએ જણાવ્યું કે બંનેએ એક અઠવાડિયાં પહેલા જ બ્રેકઅપ કરી લીધૂ છે. જોકે, આ બ્રેકઅપ સબંધોના ખટાશના લીધે નથી થયું. સૂત્રએ કહ્યું કે, "તમન્ના ભાટિયા અને વિજય વર્મા એક અઠવાડિયાં પહેલાં એક કપલ તરીકે અલગ થઈ ગયા છે, પરંતુ બંનેએ સારા મિત્રો તરીકે સાથે રહેવાનો નિર્ણય લીધો છે."
તેમના રિલેશનશિપની શરૂઆત કેવી રીતે થઈ?
2023ના નવા વર્ષની ઉજવણી દરમિયાન, વિજય વર્મા અને તમન્ના ભાટિયાની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં બંને એકબીજાને કિસ કરતા નજરે પડ્યા હતા. ત્યારથી જ તેમની લવ સ્ટોરીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. બાદમાં, ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં એકસાથે કામ કર્યા પછી, બંનેએ ખુલ્લેઆમ પોતાના સંબંધની પુષ્ટિ કરી હતી. આ તેમનું એકસાથે પ્રથમ પ્રોજેક્ટ હતું, અને ત્યારથી બંનેએ ક્યારેય તેમના સંબંધને છુપાવવાનો પ્રયત્ન કર્યો નથી.
લગ્નને લઈ વિજયનું નિવેદન
વિજય વર્માએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, "અમારા સંબંધમાં કોઈ બાંધછોડ નથી. જો બે લોકો એકબીજાની કંપની એન્જોય કરે છે, તો તેને છુપાવવાની જરૂર નથી." દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન, જ્યારે વિજય વર્માને પૂછવામાં આવ્યું કે તે લગ્ન ક્યારે કરશે, ત્યારે તેણે મજાકમાં કહ્યું, "કોઈ પણ છોકરી નહીં ચાહે કે હું લગ્ન કરું! આ પ્રશ્નનનો જવાબ હું મારી માતાને પણ આપી શકતો નથી." તેણે આગળ કહ્યું કે હાલ તે તેના જીવનનો શ્રેષ્ઠ સમય માણી રહ્યો છે.
તમન્ના-વિજય વચ્ચે હવે કેવો છે સંબંધ?
જ્યાં એક તરફ તેમના બ્રેકઅપની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં બીજી બાજુ બંનેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સારા મિત્રો તરીકે રહીને મૂવ ઑન કરશે. તેમનો સંબંધ ભલે કપલ તરીકે ન રહ્યો હોય, પણ તેમનું બોન્ડિંગ હજુ યથાવત છે. તમન્ના ભાટિયા અને વિજય વર્મા બૉલિવૂડના ચર્ચાસ્પદ કપલ હતા, અને તેમના બ્રેકઅપના સમાચાર તેમના ચાહકો માટે ચોક્કસ રીતે આશ્ચર્યજનક છે.
તમન્ના ભાટિયાએ પોતાના બ્રેકઅપ્સ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, “મારું બે વાર દિલ તૂટ્યું છે, અને એ બંને અનુભવો મારા વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ રહ્યા. જ્યારે મારુ બીજી વાર દિલ તૂટ્યું ત્યારે મને સ્પષ્ટ સમજાઈ ગયું કે તે વ્યક્તિ મારા માટે યોગ્ય નહોતી. એ વ્યક્તિનો મારા જીવન પર સારો પ્રભાવ ન હતો અને લાંબા ગાળે તે મારા માટે યોગ્ય જીવનસાથી બની શક્યો ન હોત.”