26 January, 2024 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત , સંજય ગુપ્તા
ફિલ્મમેકર સંજય ગુપ્તાએ સંજય દત્ત સાથે ‘કાંટેં’, ‘પ્લાન’, ‘ઝિંદા’ અને ‘મુસાફિર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સંજય ગુપ્તાએ પોતાની કરીઅરની શરૂઆત ‘આતિશ’ ફિલ્મ સાથે કરી હતી અને એમાં સંજય દત્ત હતો. જોકે અમુક બાબતને લઈને બન્ને વચ્ચે ગેરસમજ ઊભી થઈ હતી. એને કારણે સંજય ગુપ્તાને કામ મળતું બંધ થઈ ગયું હતું. એ વિશે સંજય ગુપ્તાએ કહ્યું કે ‘મને એવું લાગે છે કે અમારી આસપાસના લોકોને કારણે આ બધું થયું છે. અમારી આસપાસના લોકોએ ગેરસમજ ઊભી કરી હતી. ચાર વર્ષ સુધી અમે બન્નેએ એકબીજા સાથે વાત નહોતી કરી. લોકોએ પણ મારા ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેમનું એવું કહેવું હતું કે સંજય દત્તે જણાવ્યું હતું કે તેની સાથે કામ ન કરતા, પરંતુ સંજયે કદી પણ આવું નહોતું કહ્યું.’ બાદમાં બન્ને વચ્ચે અમિતાભ બચ્ચનની ૭૦મા બર્થ-ડેની પાર્ટીમાં સમાધાન થયું હતું. એ યાદ કરતાં સંજય ગુપ્તાએ કહ્યું કે ‘એ વખતે મેં નક્કી કર્યું કે બે વસ્તુ કદી પણ સાથે નહીં કરીએ. આપણે સાથે ડ્રિન્ક નહીં કરીએ અને સાથે કામ પણ નહીં કરીએ. જોકે હવે અમે બન્ને એકબીજા સાથે કામ કરવા માટે આતુર છીએ. અમે યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ.’